આજકાલ અયોધ્યા અને રામ મંદિર બંને ચર્ચામાં છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. વાસ્તવમાં,રામાયણની કરેક કથા મનને આકર્ષે છે. રામ અને સીતાની મુલાકાત અને તેમના સ્વયંવર સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ છે, જેના વિશે ભાગ્યે જ કેટલાક લોકો જાણતા હશે. શ્રી રામ દ્વારા તૂટેલા ધનુષ્યને લઈને પણ કેટલાક રહસ્યો જણાવવામાં આવ્યા છે.
ચાલો જાણીએ રામ સીતા સ્વયંવર અને તેના ધનુષ સાથેના સંબંધ વિશે.
રામ-સીતા સ્વયંવર કથા
પૌરાણિક કથાઓ અનુસાર એકવાર મહારાજા જનકે તેમની પુત્રી સીતાના સ્વયંવરની જાહેરાત સાથે એ પણ જાહેરાત કરી કે જે ધનુષની પ્રત્યંચા ચઢાવશે તે તેમની પુત્રી સીતાના લગ્ન કરશે. શિવનું ધનુષ્ય કોઈ સામાન્ય ધનુષ્ય ન હતું પરંતુ તે સમયનું બ્રહ્માસ્ત્ર હતું. તે ચમત્કારિક ધનુષ ચલાવવાની પદ્ધતિ ફક્ત રાજા જનક, માતા સીતા,અને આચાર્ય શ્રી પરશુરામ અને આચાર્ય શ્રી વિશ્વામિત્રને જ ખબર હતી.
જનક રાજાને ડર હતો કે જો ધનુષ રાવણના હાથમાં આવી જશે તો આ સૃષ્ટિનો વિનાશ થશે. તેથી વિશ્વામિત્ર ભગવાન રામને તેની પ્રત્યંચા ચઢાવતા પહેલાથી જ શિખવી ચુક્યા હતા. જ્યારે તે ધનુષ્ય શ્રી રામ દ્વારા તોડવામાં આવ્યું, ત્યારે શ્રી પરશુરામને ખૂબ જ ગુસ્સો આવ્યો, પરંતુ આચાર્ય વિશ્વામિત્ર અને લક્ષ્મણે સમજાવવા થી તે પરશુરામનો ક્રોધ શાંત થયો. રામે ધનુષ્યને પ્રત્યંચા ચઢાવીને ધનુષને તોડી નાખ્યું અને માતા સીતા સાથે તેમના લગ્ન સંપન્ન થયા હતા.
પિનાક ધનુષ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
શાસ્ત્રો અનુસાર, એકવાર મહર્ષિ કણ્વે બ્રહ્મદેવની કઠોર તપસ્યા કરી. તે પોતાના ધ્યાન માં એટલા ખોવાઈ ગયા કે તેમણે વર્ષો સુધી હિલચાલ કર્યા વગર તપસ્યા કરવાનું ચાલુ રાખ્યું. જેના કારણે ઉધઇએ તેના શરીર પર રાફડો બનાવી દિધા. તે રાફડા પર વાંસનું ઝાડ ઉગ્યું હતું, જે સામાન્ય ન હતું. બ્રહ્માદેવે મહર્ષિ કણ્વની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને જોઈતું વરદાન આપ્યું અને તે વાંસ ભગવાન વિશ્વકર્માને આપ્યું. તેમાંથી વિશ્વકર્માજીએ શારંગ બનાવી અને પિનાક નામનું શક્તિશાળી ધનુષ્ય બનાવ્યું. જેમાંથી તેમણે શ્રી હરિ વિષ્ણુને શારંગ અને ભગવાન શિવને પિનાક ધનુષ આપ્યા. ભગવાન શિવે આ ધનુષનો ઉપયોગ ત્રિપુરાસુરને મારવા માટે કર્યો હતો અને તેને દેવોને સોંપવામાં આવ્યું.
જ્યારે દેવતાઓનો સમય સમાપ્ત થયો, ત્યારે દેવતાઓએ આ ધનુષ્ય રાજા જનકના પૂર્વજ દેવરાતને સોંપ્યું. ભગવાન શિવનું તે ધનુષ્ય જનકને તેમના વારસા તરીકે મળ્યું. આ શિવ ધનુષ્યને ઉપાડવાની ક્ષમતા કોઈમાં ન હતી. એકવાર દેવી સીતાએ રમતા રમતા આ ધનુષ્ય ઉપાડ્યું ત્યારે રાજ જનક સમજી ગયા કે આ કોઇ સામાન્ય સ્ત્રી નથી.
તેથી જ જનકજીએ સીતાજીના સ્વયંવરનું આયોજન કર્યું હતું અને શરત મૂકી હતી કે જે કોઈ આ શિવ ધનુષ્યને ઉપાડશે અને તેના પર પ્રત્યંચા ચઢાવશે, સીતાજી તેની સાથે લગ્ન કરશે.તે સભામાં ભગવાન શ્રી રામે આખરે શિવનું ધનુષ્ય તોડી નાખ્યું અને સીતાજી સાથે લગ્ન કર્યા.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)