કહેવાય છે કે ગણપતિજીની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ગણેશજીની કૃપા મેળવવા સંકટ ચતુર્થીનું વ્રત લોકો રાખતા હોય છે. માહ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સંકટ ચોથ વ્રત રાખવામાં આવે છે. આ સંકટ ચોથને લંબોદર ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે, સંકટ ચતુર્થીના દિવસે જો માતા નિર્જળા વ્રત રાખે, તો બાળકોનું સ્વાસ્થ્ય સુધરે છે અને બાળકોને દીર્ધાયુષ્ય પ્રાપ્ત થાયછે.
શ્રીજીની પૂજા કરવાથી ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત જીવનના કષ્ટો પણ દૂર થાય છે. સંકટ ચતુર્થીના દિવસે શ્રીજીને રાજી કરવા માટે શું કરવું જોઈએ, અને ક્યારે સંકટ ચોથ આવે છે, તેની માહિતી પણ આપી છે.
આ દિવસે છે સંકટ ચોથ
હિન્દુ પંચાંગ મુજબ, સંકટ ચોથ માહ મહિનાની ચતુર્થી તિથિ એટલે કે, 29 જાન્યુઆરીના દિવસે સવારે 6 વાગ્યે શરૂ થશે, જે બીજા દિવસે 30 જાન્યુઆરીએ સવારે 8.54 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં, ઉદયતિથિને કારણે, 29 જાન્યુઆરીના રોજ સંકટ ચતુર્થીની ઉજવણી કરવામાં આવશે.
ગણેશજીને ખુશ કરવા કરો આ ઉપાય
સંકટ ચોથના દિવસે સવારે સ્નાન કર્યા બાદ ઉપવાસનો સંકલ્પ લેવો જોઈએ, ત્યાર બાદ ગણેશ મંદિરમાં પૂજા કરવી જોઈએ. રાત્રે ચંદ્રની પૂજા કર્યા બાદ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. આ સમય દરમિયાન ગણેશજીને લાડુ અને મોદકનો ભોગ લગાવવો જોઈએ. તેનાથી બાળકને જીવનમાં દીર્ધાયુષ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન ગણેશને તલ અને ગોળ ચઢાવવાથી પાપ અને કષ્ટોથી મુક્તિ મળે છે. આ સિવાય દૂર્વા ઘાસ ચઢાવવાથી માનસિક પીડામાં રાહત મળે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)