રામકૃષ્ણ પરમહંસ માત્ર એક નામ નથી એક યુગ છે. એક સમયકાળ છે. એક ગુરુ, એક વિચારક, એક મહાન સંત એટલે રામકૃષ્ણ પરમહંસ. સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાચા સંતની પરિભાષા તરીકે પ્રસ્થાપિત થયા. જેમના જીવનની ગાથા જાણીને તમે પણ અચરજમાં મુકાઈ જશો. રામકૃષ્ણ પરમહંસ સાદગી, દયા, પ્રેમ, કરુણાના આદર્શ હતા. તેમણે જાતિ ધર્મ અને ભેદભાવને ફગાવીને માનવતાને સૌથી શ્રેષ્ઠ ગણાવી હતી. તેમના શિષ્યોએ રામકૃષ્ણ મિશન હેઠળ તેમના શિક્ષણને વિશ્વમાં ફેલાવવાનું કામ કર્યું.
જન્મઃ
રામકૃષ્ણ પરમહંસનો જન્મ 18 ફેબ્રુઆરી 1836ના રોજ ફાલ્ગુન શુક્લના બીજા દિવસે બંગાળ પ્રાંતના કમરપુકુર ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેથી રામકૃષ્ણ પરમહંસની જન્મજયંતિ દર વર્ષે 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષ 2024 તેમની 189મી જન્મજયંતિ હશે. તેમના પિતાનું નામ ખુદીરામ અને માતાનું નામ ચંદ્રા દેવી હતું. તેમનું બાળપણનું નામ ગદાધર ચટ્ટોપાધ્યાય હતું. નાનપણથી જ તે સૌના પ્રિય હતા. એવું કહેવાય છે કે તેમના માતા-પિતાને સ્વપ્નમાં સ્વયં ભગવાન વિષ્ણુ એ પોતાના ગદાધાર સ્વરૂપમાં દર્શન આપ્યા હતા અને કહ્યું કે તેઓ તેમના ઘરે જન્મ લેશે.
બાળક ગદાધર કઈ રીતે બની ગયા રામકૃષ્ણ પરમહંસ?
રામકૃષ્ણ પરમહંસનું બાળપણનું નામ ગદાધર ચટ્ટોપાધ્યાય હતું, પરંતુ આધ્યાત્મિક માર્ગને અનુસરીને તેમણે અસ્તિત્વના પરમ તત્વ એટલે કે પરમત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, જેના કારણે તેઓ પરમહંસ કહેવાતા.
માતા કાલીના ભક્તઃ
રામકૃષ્ણ પરમહંસ ભારતના મહાન સંત, આધ્યાત્મિક ગુરુ અને વિચારક હતા. તેમને માતા કાલી પ્રત્યે ઊંડી ભક્તિ અને શ્રદ્ધા હતી. પરંતુ સાથે સાથે તેમણે ધર્મોની એકતા પર પણ ભાર મૂક્યો હતો. ભગવાનને જોવા માટે તેમણે નાનપણથી જ સખત ધ્યાન અને ભક્તિ શરૂ કરી દીધી હતી. જ્યારે રામકૃષ્ણ પરમહંસ 9 વર્ષના હતા, ત્યારે તેમણે પવિત્ર દોરાની વિધિ કરાવી અને પછી તેઓ વૈદિક પરંપરા મુજબ ધાર્મિક વિધિઓ અને પૂજા કરવા સક્ષમ બન્યા. દક્ષિણેશ્વર કાલી મંદિર કોલકાતાના બેરકપુરમાં હુગલી નદીના કિનારે રાણી રાસમણી દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેની સંભાળ લેવાની જવાબદારી રામકૃષ્ણનાપરિવારની હતી. આ રીતે રામકૃષ્ણ પરમહંસ પણ માતા કાલીની સેવા કરવા લાગ્યા અને પૂજારી બન્યા. 1856 માં, રામકૃષ્ણને માતા કાલીના આ મંદિરના મુખ્ય પૂજારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તે પછી તેઓ માતા કાલીની પૂજામાં વ્યસ્ત થઈ ગયા હતા. એવું કહેવાય છે કે રામકૃષ્ણ પરમહંસને માતા કાલીનું ભૌતિક દર્શન હતું.
વિવેકાનંદને નાસ્તિકમાંથી બનાવ્યાં આસ્તિકઃ
19મી સદીમાં બંગાળમાં એક મહાન સંતે વિશ્વને ધર્મ અને આધ્યાત્મિકતાનો નવો માર્ગ બતાવ્યો હતો જેમને રામકૃષ્ણ પરમહંસ કહેવામાં આવે છે. રામકૃષ્ણ પરમહંસે કાલી માની ભક્તિ અને માનવ સેવા કરતી વખતે તેમના શિષ્યોને ધર્મ અને ભક્તિનો સાચો પાઠ ભણાવ્યો હતો. માનવ સેવાને જાતિ ધર્મ બધાથી ઉચ્ચ સ્તરનો દરજ્જો આપનાર રામકૃષ્ણએ સ્વામી વિવેકાનંદ જેવા નાસ્તિકને ઈશ્વરનું જ્ઞાન આપ્યું, જેમણે આગળ જતાં સમગ્ર વિશ્વને હિંદુ ધર્મ અને વેદ વેદાંતનો પરિચય કરાવ્યો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)