કબજિયાત પાચન સંબંધિત ગંભીર સમસ્યા છે. જો અઠવાડિયામાં ત્રણ કે તેનાથી પણ ઓછી વાર પેટ સાફ આવતું હોય તો તેને કબજિયાત કહેવાય છે. આ સ્વાસ્થ્ય સમસ્યા અનિયમિત જીવનશૈલીનું પરિણામ હોય છે. સાથે જ જ્યારે તમે પાણી ઓછું પીવો છો, મસાલેદાર ભોજન વધારે કરો છો અને ફિઝિકલી એક્ટિવ નથી રહેતા તો કબજિયાત થવાનું જોખમ વધી જાય છે.
ઘણા લોકોને કબજિયાત થોડા દિવસોમાં ઠીક થઈ જાય છે પરંતુ કેટલાક લોકોને આ સમસ્યા ખૂબ જ પરેશાન કરે છે. જો સમય રહેતા કબજિયાતનો ઉપાય કરવામાં ન આવે તો તેના કારણે હરસ જેવી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે કબજિયાતથી તુરંત રાહત મેળવવી હોય તો અળસી સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. રિસર્ચમાં પણ સાબિત થયું છે કે અળસી કબજિયાતને મટાડવામાં ઝડપથી અસર કરે છે.
અળસીના બીજમાં પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, ડાયેટરી ફાઇબર અને સાથે જ વિટામીન હોય છે. આ બધા પોષક તત્વો પાચન ક્રિયાને ઝડપી બનાવે છે અને કબજિયાતની સમસ્યાથી તુરંત રાહત અપાવે છે.
અળસી એક પ્રાકૃતિક રેચક છે જેનું સેવન કર્યાના 12 થી 24 કલાકની અંદર જ પેટ સારી રીતે સાફ થઈ જાય છે. આંતરડામાં જામેલો મળ પણ છૂટો પડીને નીકળી જાય છે. કબજિયાતથી રાહત મેળવવા માટે અળસીનું સેવન કર્યાની સાથે દિવસ દરમિયાન પાણી પીવું પણ જરૂરી છે.
કબજિયાત સહિત પાચન સંબંધિત સમસ્યાથી બચવા માટે રોજ એક ચમચી અળસીના બીનું સેવન કરવું જોઈએ. તમે અળસીના બીને પાણીમાં પલાળી તે પાણી પણ પી શકો છો. જો રોજ તમે આ રીતે અળસીના બીજનું સેવન કરશો તો શરીરને જરૂરી ફાયબર મળી રહેશે અને કબજિયાતની સમસ્યા ક્યારેય નહીં થાય.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)