આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ અને શુક્રવારે ઉજવાશે. આ દિવસ શિવજીની પૂજા કરવાનો સૌથી ઉત્તમ દિવસ હોય છે. તેમાં પણ આ વર્ષની મહાશિવરાત્રી જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે. કારણ કે આ વર્ષે શિવરાત્રી પર સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત પાંચ શુભ સંયોગ બની રહ્યા છે. મહાશિવરાત્રીના દિવસે વ્રત કરી અને શુભ મુહૂર્તમાં ભગવાન શિવની પૂજા કરવાની હોય છે.
કહેવાય છે કે જો તમે આ દિવસે સાચા મનથી અને સાચી વિધિથી શિવજીની પૂજા કરો છો તો તમારી મનની દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે. જોકે ઘણા લોકો એવા હોય છે જેમને શિવ પૂજા કેવી રીતે કરવી તેનો ખ્યાલ નથી હોતો. તો આજે તમને જણાવીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રી પર શિવજીની પૂજા કેવી રીતે કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.
આ નિયમો મહાશિવરાત્રીની પૂજા કરવાના ખાસ નિયમો છે. જો આ નિયમ અનુસાર તમે માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરશો તો તમારા મનની કોઈ પણ ઈચ્છા હોય તો તે પૂરી થઈ જશે.
મહાશિવરાત્રીની પૂજા વિધિ
મહાશિવરાત્રીના દિવસે વ્રત કરનારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું અને દૈનિક ક્રિયા કરી સ્નાન કરીને શિવજીનું ધ્યાન કરવું. ત્યાર પછી સૂર્યોદય થાય એટલે સૂર્યદેવને જળ અર્પણ કરો અને મહાશિવરાત્રીનું વ્રત કરવાનો અને શિવ પૂજા કરવાનો સંકલ્પ કરો.
મહાશિવરાત્રીની પૂજા તમે ઘરે પણ કરી શકો છો અને શિવ મંદિરમાં જઈને પણ કરી શકો છો. મહાશિવરાત્રીની પૂજા ઘરમાં કરવી હોય તો ઘરમાં પારદનું શિવલિંગ સ્થાપિત કરવું. સૌથી પહેલા શિવજીનો અભિષેક ગંગાજળથી અને પછી ગાયના દૂધથી કરવો.
ત્યાર પછી ભગવાનને અક્ષત, ફૂલ, બિલિપત્ર, સાકર, શમીના પાન, ધતૂરો, ભાંગ અને આંકડાના ફૂલ અર્પણ કરો. ત્યાર પછી ભગવાનને સફેદ ચંદન અને ભસ્મ અર્પિત કરો.
ભગવાનને બિલીપત્ર ચઢાવો ત્યારે ખાસ ધ્યાન રાખો કે બીલીપત્રનો જે ભાગ ચમકતો અને ચીકણો હોય તે શિવલિંગને સ્પર્શ થાય તેમ ચઢાવવું. ત્યાર પછી ભગવાનની સામે ઘી અથવા તેલનો દીવો કરવો.
આ રીતે ભગવાન શિવની પૂજા કર્યા પછી તેમના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનું ઉચ્ચારણ કરો. આ સિવાય તમે શિવ પંચાક્ષર સ્ત્રોત, શિવ ચાલીસા પણ કરી શકો છો. ત્યાર પછી મહાશિવરાત્રીની વ્રત કથા વાંચીને ભગવાનની આરતી ઉતારો. આ સરળ વિધિથી કરેલી પૂજા તમારા મનની ઈચ્છા પુરી કરી શકે છે. તેથી આ શિવરાત્રી પર શિવ પૂજા અચૂક કરજો.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)