ગરમીમાં જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તબિયત બગડી શકે છે. ધીરે ધીરે હવે ગરમી પણ વધતી જાય છે ત્યારે ઘરની બહાર નીકળતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આ સીઝનમાં તમે સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખો તો તડકાના કારણે સ્કીન અને વાળની સાથે હેલ્થને પણ નુકસાન થાય છે. સાથે જ લૂ લાગવાનું અને ડીહાઇડ્રેશનનું જોખમ પણ વધી જાય છે.
ગરમીમાં ખાવા પીવાની વાતને લઈને સાવધાની રાખવી જોઈએ. આ સિઝન દરમિયાન આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે શરીરને અંદરથી ઠંડક આપે અને સાથે જ લુ થી શરીરને થતા નુકસાનથી બચાવે. જ્યારે પણ ઘરની બહાર જવાનું થાય ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ગરમીમાં સ્વસ્થ રહેવાની 5 ટીપ્સ
ગરમીમાં બોડી હાઇડ્રેટ રહે તે જરૂરી છે. તેથી દિવસ દરમિયાન શક્ય હોય તેટલું વધારે પાણી પીતા રહેવું. પાણીની સાથે તમે લીંબુ પાણી, આમ પન્ના જેવી વસ્તુઓ પણ પીને શરીરને ઠંડુ રાખી શકો છો.
ઉનાળા દરમિયાન આહારમાં સૌથી મોટો ફેરફાર એ કરવાનો હોય છે કે મસાલેદાર અને વધારે તેલવાળું ખાવાથી બચવું. આ સમય દરમિયાન વધારે તેલ મસાલાવાળું ભોજન તમને બીમાર કરી શકે છે.
ઘરેથી જ્યારે પણ નીકળો ત્યારે પાણીની બોટલ સાથે રાખવી. તડકાથી બચવા માટે આંખ પર ચશ્મા અને છત્રી, કે સ્કાર્ફનો ઉપયોગ કરવો. આ સિવાય ડુંગળી કાપીને કપડામાં બાંધી સાથે રાખવાથી પણ લુ નથી લાગતી.
ઉનાળામાં કાચી ડુંગળી ભોજન સાથે ખાવાનું રાખવું જોઈએ. કાચી ડુંગળી ખાવાથી ઉનાળામાં પેટ હેલ્ધી રહે છે. સાથે જ લુ પણ નથી લાગતી.
ઉનાળામાં ભૂખ્યા પેટે ક્યાંય પણ જવાની ભૂલ ન કરવી. ખાલી પેટ રહેવાથી તબિયત બગડી શકે છે. ખાલી પેટ તડકામાં ફરવાથી ચક્કર આવવા અને એસિડિટી થવા જેવી સમસ્યા થઈ શકે છે તેથી ઘરેથી નીકળતા પહેલા હળવો નાસ્તો કરી લેવો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)