શનિદેવને ન્યાયના દેવતા પણ કહેવાય છે. તે દરેક વ્યક્તિને પૂર્વ જન્મથી લઈને વર્તમાનમાં કરેલા કર્મનું ફળ આપે છે. વ્યક્તિને કર્મ અનુસાર દંડ પણ શનિદેવ આપે છે. શનિદેવ જ્યારે કર્મ અનુસાર ફળ આપે છે તો જીવનમાં કષ્ટ પણ વધે છે. આવી સ્થિતિમાં જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાય શનિદેવનો ક્રોધ શાંત કરી શકે છે.
શનિના પ્રકોપથી બચવાના ઉપાય
કર્મ અનુસાર ફળ આપતા હોવા છતાં શનિદેવ લોકો પ્રત્યે દયા ભાવ રાખે છે. શનિદેવ કોઈ વ્યક્તિને કારણ વિના દંડ દેતા નથી. જો વ્યક્તિ સત્કર્મ કરે છે તો તે શનિદેવના કોપથી બચે છે. શનિ દેવના દંડથી બચવું હોય તો કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. ખાસ કરીને જે રાશિના લોકોની સાડાસતી કે પનોતી ચાલતી હોય તેમણે આ ઉપાયો કરવા જોઈએ.
બ્રહ્મ પુરાણનો અચૂક ઉપાય
બ્રહ્મ પુરાણના 118 માં અધ્યાયમાં શનિદેવે પોતે કહ્યું છે કે, જે વ્યક્તિ શનિવારના દિવસે પીપળાના ઝાડનો સ્પર્શ કરી તેની પૂજા કરશે તેના બધા જ કાર્ય નિર્વિઘ્ન સિદ્ધ થશે. શનિવારે પીપળાની પૂજા કરનાર વ્યક્તિને શનિ સંબંધિત કોઈપણ પીડા સહન કરવી નહીં પડે. જે લોકો શનિવારે સવારે જાગી પીપળાના ઝાડને સ્પર્શ પણ કરી લેશે તેને શનિ સંબંધિત કષ્ટ નહીં થાય.
શનિવારનો અચૂક ઉપાય
શનિવારના દિવસે પીપળાને બંને હાથે સ્પર્શ કરી ઓમ નમઃ શિવાય 108 વખત બોલવું. આમ કરવાથી કોઈપણ પ્રકારનું દુઃખ હોય સમસ્યા હોય કે ગ્રહ દોષ હોય તો તે દૂર થઈ જાય છે. પદ્મ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે શનિવારના દિવસે પીપળાને જળ અર્પણ કરી સંધ્યા સમયે દીવો કરવો જોઈએ. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને કષ્ટોનું નિવારણ થઈ જાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)