હનુમાનજી હિંદુ ધર્મના સૌથી મહત્વના દેવતા પૈકીના એક છે. જે રીતે હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવતાના સમર્પિત છે, બસ એવી જ રીતે મંગળવારનો દિવસ પવનપુત્ર હનુમાનજીને સમર્પિત છે. વર્ષમાં બે વખત હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે અને આ બન્ને જયંતીનું વિશેષ મહત્વ રહેલું છે.
હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત છે.
હિન્દુ ધર્મમાં તેમની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. હનુમાનજી સૌના દુખ, દર્દને દૂર કરે છે, એટલે જ તો તેમને સંકટમોચન પણ કહેવામાં આવે છે. રામનવમીની માફક હનુમાન જયંતી પણ વિશેષ મહત્વ ધરાવે છે. કારણ કે આ તિથી પર હનુમાનજીનો જન્મ થયો હતો. જોકે શું તમે જાણો છો કે વર્ષમાં બે વખત હનુમાન જયંતી શા માટે ઉજવવામાં આવે છે. ચાલો આ અંગે માહિતી મેળવીએ.
હનુમાન જયંતી ક્યારે છે
વાલ્મીકિ રામાયણ પ્રમાણે હનુમાનજીનો જન્મ કાર્તક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથી પર સ્વાતિ નક્ષત્રમાં થયો હતો. માટે આ તિથીને હનુમાનજીના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથી પર પણ હનુમાન જયંતી ઉજવવામાં આવે છે તેની પાછળ એક પૌરાણિક કથા છે. માટે વર્ષ 2024માં હનુમાન જયંતી 23મી એપ્રિલના રોજ આવે છે.
વર્ષમાં બે વખત હનુમાન જયંતી શા માટે ઉજવવામાં આવે છે
પવન પુત્ર હનુમાનજીની એક જયંતી તેમના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. તો બીજી બાજુ જયંતી વિજય અભિનંદન મહોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે સંકટમોચન હનુમાનજીનો જન્મ કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથી પર મંગળવારના દિવસે મેષ લગ્નમાં થયો હતો.
આ કારણથી વર્ષમાં બે વખત હનુમાન જયંતી ઉજવાય છે
એવી જ રીતે બીજી હનુમાન જયંતિ પણ ચૈત્ર મહિનામાં ઉજવવામાં આવે છે. તેની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલ છે. તે પૌરાણિક કથા પ્રમાણે હનુમાનજીમાં જન્મથી જ અદભુત શક્તિ હતી. બાળપણમાં એક વખત જ્યારે હનુમાનજીને ભૂખ લાગી તો તેમણે સૂર્યને ફળ માનીને તેને ખાવા માટે દોડ લગાવી હતી.
તેની નજીક જઈને તેઓ સૂર્યને ગળી જવાનો પ્રયત્ન કર્યો, જેના કારણે આખી પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો. જ્યારે ઈન્દ્રદેવને આ વાતની જાણ થઈ તો તેમણે સૂર્યને ખાવાથી રોકવા માટે હનુમાનજી પર વજ્રથી પ્રહાર કર્યા, જેના કારણે હનુમાનજી બેભાન થઈ ગયા. જ્યારે તેમના પિતા પવનદેવને આ વાતની જાણ થઈ તો તેઓ ખૂબ જ ગુસ્સે થયા અને તેમણે સમગ્ર બ્રહ્માંડમાં વાયુ એટલે કે પવન બંધ કરી દીધો,પૃથ્વી પર હવા ન હોવાને લીધે ખળભળાટ મચી ગયો.
આ પછી બ્રહ્માજીએ પવનદેવનો ક્રોધ શાંત કર્યો અને હનુમાનજીને જીવન આપ્યું. એવું માનવામાં આવે છે કે ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તારીખે હનુમાનજીને નવું જીવન મળ્યું હતું. આ જ કારણ છે કે દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)