ગરમીના દિવસોમાં બોડી ટેમ્પરેચર બેલેન્સ કરવું જરૂરી છે. દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવાથી સાથે જો દિવસ દરમિયાન કેટલીક વસ્તુઓને ડાયટમાં સામેલ કરવામાં આવે તો આ કામ સરળ થઈ જાય છે. કેટલાક એવા કુલિંગ એજન્ટવાળા ફૂડ છે જેને ડાયટમાં સામેલ કરવાથી શરીરને અંદરથી ઠંડક મળે છે અને ગરમીની અસર ઓછી થાય છે.
આજે તમને આવા જ કેટલાક હર્બ્સ વિશે જણાવીએ. જેને નિયમિત ખાવાથી ઉનાળામાં શરીર અંદરથી ઠંડુ રહે છે. શરીરનું પાણી સુકાવી દે તેવા વાતાવરણમાં આ વસ્તુઓ ખાવાથી ડિહાઈડ્રેશનથી બચી શકાય છે.
ઉનાળામાં શરીરને ઠંડક આપતા હર્બ્સ
ફુદીનો
ગરમીના દિવસોમાં ફુદીનાનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. ફુદીનાની ચટણી, રાયતું, શરબત વગેરે બનાવીને દિવસ દરમિયાન લઈ શકાય છે. ફુદીનામાં કુલિંગ પ્રોપર્ટીઝ હોય છે. તે શરીરને ઠંડક પણ આપે છે અને બીમારીઓથી પણ બચાવે છે.
ધાણા
ગરમીના દિવસોમાં ચટણીમાં, સૂપમાં સલાડમાં લીલા ધાણાનો ઉપયોગ કરવો જોઈએ. લીલા ધાણા ખાવાથી બોડીને ઠંડક મળે છે. વર્ષ 2017માં થયેલી સ્ટડી અનુસાર ધાણામાં એન્ટી કેન્સર ગુણ પણ હોય છે.
તુલસી
તુલસી તેના એંટી ઈફ્લેમેટરી, એન્ટી સેપ્ટીક, એંટી એજિંગ અને એન્ટી બેક્ટેરીયલ ગુણ માટે જાણીતી છે. તેનો ઉપયોગ વર્ષોથી ઔષધિ તરીકે કરવામાં આવે છે. તે શરીરને ઠંડક પણ આપે છે.
જાસૂદ
જાસૂદ પણ કુલિંગ એજન્ટ છે. ઉનાળામાં તમે તેની ચા બનાવીને પી શકો છો. તે શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં અને શરીરને હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે.
વરિયાળી
વરિયાળીનો ઉપયોગ શરીરને ઠંડક આપવા માટે અને પાચનમાં સહાયતા કરવા માટે કરવામાં આવે છે. વરિયાળીમાં એન્ટીઓક્સીડન્ટ ગુણ હોય છે. તે ગરમીમાં થતા અપચાની સમસ્યા દુર કરવામાં મદદ કરે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)