હિન્દુ સંસ્કૃતિમાં કામદા એકાદશી વિશેષ મહત્ત્વ ધરાવે છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. પુરાણોમાં કહેવાયું છે કે, કામદા એકાદશીનું વ્રત કરવાથી કન્યાદાન, સુવર્ણ દાન અને હજારો વર્ષની તપસ્યા સમાન પુણ્ય મળે છે.
કામદા એકાદશીને ફલદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. પદ્મ પુરાણમાં જણાવ્યાનુસાર, કામદા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને હત્યા અને અજાણતાં થયેલા તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આ એકાદશી દુષ્ટાત્મા વગેરેનો પણ નાશ કરે છે.
આ વર્ષે કામદા એકાદશીની તિથિ 19 એપ્રિલ 2023ને શુક્રવારના રોજ આવી રહી છે. આ દિવસે જે ભક્તો ભક્તિભાવથી કામદા એકાદશીનું વ્રત કરે છે, તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમના તમામ પાપોનો પણ નાશ થાય છે.
કામદા એકાદશીનું મહત્વ તે સમયથી છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એકાદશી વ્રતના પરિણામે ભક્ત ધનંજયને એક સુંદર દિવ્ય વાહન આપ્યું હતું. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને તેને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
કામદા એકાદશીનો ઉપવાસ કરવાથી બે મોટા ફાયદા થાય છે. કામદા એકાદશીનો પ્રથમ ફાયદો એ છે કે વ્યક્તિ દુષ્ટ આત્માઓ વગેરેથી મુક્તિ મેળવે છે. બીજો ફાયદો એ છે કે વ્યક્તિની તમામ ઈચ્છાઓ અને અટકેલા કાર્યો પૂર્ણ થાય છે.
વાસુદેવ શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે કામદા એકાદશીનું વ્રત અત્યંત ફળદાયી છે. હરિની કૃપાનો આ દિવસ ખૂબ જ દિવ્ય છે, આ દિવસે સાચા હૃદયથી કરવામાં આવેલા અનુષ્ઠાન અને ઉપાયો દરેક સમસ્યાનું નિરાકરણ લાવે છે. કામદા એકાદશીનું વ્રત પાપોનો નાશ કરવા માટે શ્રેષ્ઠ છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)