ભારતીય રસોઇમાં કાબુલી ચણાની અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.જો કે બહુ ઓછા લોકો જાણે છે કે લાજવાબ કાબુલી ચણા આપણા સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા પહોચાડે છે. અહીં અમે તમને આવા જ કેટલાક ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ.
આહારનો ભાગ બનાવો?
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
કાબુલી ચણા એટલે કે સફેદ ચણામાં ખૂબ જ ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે.
આવી સ્થિતિમાં તેને ખાવાથી બ્લડ શુગર લેવલ જળવાઇ રહે છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ સિવાય સફેદ ચણામાં જોવા મળતો સ્ટાર્ચ પણ શુગર લેવલને એક મર્યાદાથી વધુ વધવા દેતું નથી, આનાથી તેને પચવામાં સરળતા રહે છે અને બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
આંખો માટે ફાયદાકારક
કાબુલી ચણામાં વિટામિન A સારી માત્રામાં હોય છે, જે આંખના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય કેટલાક હેલ્થ રીપોર્ટ સૂચવે છે કે ચણા ખાવાથી રેટિનાની સમસ્યા પણ અટકે છે. આવી સ્થિતિમાં આંખના સારા સ્વાસ્થ્ય માટે તમે સવારના નાસ્તામાં અથવા દિવસના કોઈપણ સમયે બાફેલા ચણાનું સેવન કરી શકો છો.
વજન ઘટાડવામાં અસરકારક
જો તમે વજન ઘટાડવા પ્રયાસ કરો છો તો કાબુલી ચણાનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. ચણામાં ફાઈબર અને પ્રોટીન વધુ માત્રામાં જોવા મળે છે. આ બંને પોષક તત્વો વજન ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે ફાઇબર તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને તેનું સેવન કરવાથી તમને વારંવાર ખોરાક લેવો નહી પડે. પ્રોટીન ખાવાથી ચયાપચય વધે છે અને ખોરાકની તૃષ્ણા પણ ઓછી થાય છે. આ રીતે આ બંને વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. તમે સવારના નાસ્તામાં મુઠ્ઠીભર બાફેલા કાબુલી ચણા અથવા અંકુરિત ચણા ખાઈ શકો છો.
પાચનને સ્વસ્થ રાખે છે
કાબુલી ચણાનું નિયમિત સેવન પાચનક્રિયા સુધારવા અને કબજિયાત, એસિડિટી, પેટમાં ગેસ જેવી સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ માટે એક મુઠ્ઠી ચણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. ચણાને પાણીમાં પલાળીને રાખવાથી ચણામાં ફાઈબરની માત્રા વધે છે. ફાઇબર પાચનને માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને વ્યક્તિને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે
આ બધા ઉપરાંત કાબુલી ચણાનું નિયમિત સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. આ ચણામાં વિટામિન સી સારી માત્રામાં હોય છે, જે શરીરને એલર્જી અને વાયરલ ઈન્ફેક્શન સામે લડવાની શક્તિ આપે છે. આ માટે પણ તમે કાબુલી ચણાને પાણીમાં પલાળી સવારે ખાલી પેટ ખાઈ શકો છો. અથવા નાસ્તા તરીકે તમે બાફેલા ચણાને ટામેટા, ડુંગળી, લીલા ધાણા, લીંબુ અને થોડું મીઠું મિક્સ કરીને ખાઈ શકો છો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)