આખો દિવસ તમે એનર્જીથી ભરપૂર રહેશો કે નહીં તેનો આધાર એ વાત પર હોય છે કે દિવસથી શરૂઆત તમે કેવી રીતે કરી છે? દિવસની શરૂઆત જો હેલ્ધી વસ્તુઓ સાથે કરવામાં આવે તો શરીરને આખો દિવસ માટે એનર્જી મળે છે. ઉનાળાના દિવસોમાં આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. ઉનાળાના દિવસોમાં જો તમે યોગ્ય વસ્તુઓનું સેવન ન કરો તો ડીહાઈડ્રેશન, ભુખ ઓછી લાગવી અને પાચનની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ દિવસોમાં લૂ પણ વધારે હોય છે જેના કારણે હીટ સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે. આ સમસ્યાથી બચવું હોય અને આખો દિવસ કામ કરવામાં માટેની એનર્જી મેળવવી હોય તો સવારની શરૂઆત વરીયાળી અને સાકરના પાણીથી કરવી.
ગરમીના દિવસોમાં વરીયાળી શરીરને ઠંડક આપે છે અને સાથે જ ઘણા બધા ફાયદા કરે છે. તેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખે છે. ઉનાળામાં ઘણી વખત ભૂખ પણ ઓછી લાગે છે અને જમ્યા પછી પાચનની સમસ્યા પણ રહે છે. આવી સ્થિતિમાં વરીયાળી ખાવાથી પાચન સંબંધિત સમસ્યા દૂર થાય છે. વરીયાળીમાં એનેથોલ નામનું કમ્પાઉન્ડ હોય છે જે પેટ ફુલવું, અપચો, ગેસ, કબજિયાત, બ્લડ પ્રેશર અને હાર્ટ સંબંધિત સમસ્યાનું જોખમ પણ ઘટાડે છે.
વરીયાળી અને સાકરનું પાણીના ફાયદા
વરીયાળીની સાથે જો સાકર ઉમેરીને તેનું પાણી પીવામાં આવે તો આ સિઝનમાં આ કોમ્બિનેશન અમૃત સમાન સાબિત થાય છે. જો સવારે તમે વરિયાળીના પાણીમાં સાકર ઉમેરીને પીવો છો તો તમને નીચે દર્શાવ્યા અનુસારના ફાયદા થાય છે.
વરીયાળી અને સાકરનું પાણી ડાયજેશનને સુધારે છે. રોજ સવારે તેને પીવાથી પેટ ફુલવું, અપચો, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાથી રાહત મળે છે.
વરીયાળી બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે તેનાથી હૃદય સંબંધિત સમસ્યા થવાનું જોખમ પણ ઘટી જાય છે.
વરીયાળી મેટાબોલિઝમ વધારે છે અને ફેટને ઘટાડે છે. આ પાણી રોજ સવારે પીવાથી ઝડપથી વજન ઘટે છે કારણ કે તેમાં કેલરી ઓછી હોય છે અને મીઠું ખાવાની ક્રેવિંગ પણ ઓછી થાય છે.
સવારે વરીયાળી અને સાકરનું પાણી પીવાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. સાકરમાં નેચરલ શુગર હોય છે જે બ્લડ સુગરને ધીરે ધીરે વધારે છે. જેના કારણે બ્લડ સુગર સ્પાઇક થતું નથી.
વરીયાળી એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. આ પાણી શરીરને ડીટોક્ષ કરવાનું કામ પણ કરે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થ બહાર કાઢે છે.
વરીયાળીમાં કુલિંગ એજન્ટ હોય છે જે શરીરની સાથે મગજને પણ શાંત કરે છે. ઉનાળામાં રોજ સવારે વરીયાળી અને સાકરનું પાણી પીવાથી મૂડ બુસ્ટ થાય છે અને શરીરમાં સ્ફુર્તિ રહે છે.
કેવી રીતે બનાવવું વરિયાળી અને સાકરનું પાણી ?
ઉનાળામાં અમૃત કહી શકાય તેવું વરિયાળી અને સાકરનું પાણી બનાવવું હોય તો એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી અને એક ટુકડો સાકર રાત્રે પલાળી દો. આ પાણીને રાત્રે ઢાંકીને રાખો અને સવારે તેને ગાળીને પી જવું.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)