હિન્દૂ પંચાંગ અનુસાર, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે અખાત્રીજનું વ્રત રાખવામાં આવે છે. પુરાણો અનુસાર, અખાત્રીજના દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે કોઈ શુભ સમય જોવાની જરૂર નથી પડતી. માનવામાં આવે છે કે આ દિવસે પંચાંગ જોયા વિના જ કોઈપણ પ્રકારના શુભ કે માંગલિક કાર્ય કરી શકાય છે. આ વર્ષે અખાત્રીજના દિવસે રવિ યોગ, ધન યોગ, ગજકેસરી યોગ, શુક્રાદિત્ય યોગ, માલવ્ય રોગ અને શશ રાજ યોગ બની રહ્યો છે, જેના કારણે આ વખતે અખાત્રીજ ખુબ જ ખાસ માનવામાં આવે છે.
આ શુભ યોગો દરમિયાન વ્યક્તિ ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરીને સારું ફળ પ્રાપ્ત કરી શકે છે. સાથે જ સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરંતુ શું તમે જાણો છો કે અખાત્રીજ કેમ ઉજવવામાં આવે છે અને તેના સાથે કઈ કઈ માન્યતાઓ જોડાયેલી છે.
અખાત્રીજ તિથિ
હિન્દૂ પંચાંગ અનુસાર, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજની શરૂઆત 10 મેના રોજ સવારે 04:17 વાગ્યે થશે અને સમાપન 11 મેના રોજ રાત્રે 02:50 વાગ્યે થશે. જેથી આ વર્ષે 10 મેના રોજ અખાત્રીજ ઉજવવામાં આવશે.
જાણો કેમ ખાસ છે અખાત્રીજ
ઘણા યુગોનો થયો પ્રારંભ
અખાત્રીજને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. તેની સાથે કેટલીક પ્રચલિત કથાઓ જોડાયેલી છે. માનવામાં આવે છે કે આ દિવસે જ સતયુગ, દ્વાપર યુગ અને ત્રેતા યુગની શરૂઆત થઇ હતી.
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતારનો જન્મ
આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામજીનો જન્મ થયો હતો. જેથી આ દિવસે પરશુરામ જયંતિ પણ ઉજવવામાં આવે છે.
મહાભારત સાથે સંબંધ ધરાવે છે અખાત્રીજ
એક પૌરાણિક કથા અનુસાર, અખાત્રીજથી જ સતયુગ એટલે કે સ્વર્ણ યુગની શરૂઆત થઇ હતી. માનવામાં આવે છે કે આ જ દિવસથી વેદ વ્યાસજીએ ભગવાન ગણેશ સાથે મળીને મહાભારત લખવાનું શરુ કર્યું હતું.
અખાત્રીજ અને શ્રીકૃષ-સુદામા મિલન
પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય મિત્ર સુદામાને લાંબા સમય બાદ મળ્યા હતા. તેઓ ખૂબ જ ગરીબ હતા, જેથી પોતાના પરમ મિત્ર પાસે મદદ માંગવા આવ્યા હતા. જ્યારે શ્રીકૃષ્ણને સુદામા વિશે જાણ થઇ તો તેઓ ખુદ દોડીને પોતાના મહેલના દ્વારે તેમને લેવા ગયા હતા. સુદામા પોતાના મિત્ર દ્વારા આ ભવ્ય સ્વાગત જોઈને દંગ રહી ગયા હતા. જ્યારે શ્રીકૃષ્ણએ સુદામાને પૂછ્યું કે ભાભીએ મારી માટે શું મોકલ્યું છે? ત્યારે સુદામા પાસે માત્ર કાચા ચોખા હોઈ તેઓ શરમાઈ ગયા હતા અને મિત્રને ન આપી શક્યા. પરંતુ શ્રીકૃષ્ણએ જીદ કરતાં સુદામાએ આ પોટલી આગળ ધરવી પડી હતી. શ્રીકૃષ્ણ સંકોચ કર્યા વિના આ ચોખા ખાઈ ગયા. સાથે જ સુદામાને આટલા વર્ષો પછી આવવાનું કારણ પૂછતાં સુદામા સંખોચમાં તેમને કંઈ ન કહી શક્યા. ત્યારબાદ તેઓ કેટલાક દિવસ શ્રીકૃષ્ણ પાસે રહીને કંઈપણ માંગ્યા વિના પાછા પોતાના ઘરે જવા નીકળી ગયા.
પરંતુ જેવા તેઓ પોતાના ઘરે પહોંચ્યા, તો ઝૂંપડીની જગ્યાએ મહેલ જોઈને આશ્ચર્ય પામી ગયા હતા. તેમને લાગ્યું કે તેઓ રસ્તો ભૂલી ગયા છે. સુદામાની પત્નીને જાણ થઇ કે સુદામા આવ્યા છે, તો તેણી દ્વાર પર તેમના સ્વાગત માટે પહોંચી હતી. ઘરેણા પહેરેલી પોતાની પત્નીને જોઈને તેઓ કહેવા લાગ્યા કે દેવું હું ખોટી જગ્યાએ આવી પહોંચ્યો છું. ત્યારે પત્નીએ સમગ્ર ઘટના જણાવી હતી. સુદામાને જાણ થઇ કે આ તેમનો જ મહેલ છે, તો તેઓ ભાવુક થઇ ગયા, કારણ કે પોતાના પરમ મિત્ર પાસેથી કંઈપણ માંગ્યા વિના બધું જ મેળવી લીધું હતું. જેથી આ દિવસને અખાત્રીજ તરીકે ઉજવવામાં આવે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)