હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ હોય છે. એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે. એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ વખતે વૈશાખ શુક્લ પક્ષ એકાદશી 19 મેના રોજ આવી રહી છે. જેને મોહિની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. મોહિની એકાદશી પર અનેક શુભ યોગ બની રહ્યાં છે. આ સમય ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે. તેમને ધન લાભ થઇ શકે છે.
મોહિની એકાદશી પર બની રહ્યાં છે શુભ યોગ
મોહિની એકાદશી પર અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, શુક્રાદિત્ય યોગ અને રાજભંગ યોગ બની રહ્યાં છે. એકાદશીના દિવસે આ યોગ રચાવાથી આ સમય લોકો માટે ખૂબ જ શુભ રહેશે. આ શુભ યોગોમાં પૂજા કરવાથી તમામ સંકટ દૂર થશે અને ધન-સંપદામાં વૃદ્ધિ થશે.
મોહિની એકાદશી પર આ રાશિઓને થશે લાભ
મેષ
મેષ રાશિના જાતકો માટે શુક્ર ગ્રહના શુભ પ્રભાવથી ધન લાભના યોગ બની રહ્યાં છે. તમારા માટે ધનના નવા સ્ત્રોત ખુલશે અને આવકમાં વધારો થશે. તમારુ અટવાયેલુ કામ પૂરુ થશે. સાથે જ વેપારમાં પણ વિસ્તાર થઇ શકે છે. સંતાન પક્ષ તરફથી ખુશ ખબર મળી શકે છે.
વૃશ્ચિક
સંતાન સુખની ઇચ્છા ધરાવતા લોકો માટે સમય શુભ રહેશે. સંતાન સુખની ઇચ્છા પૂરી થઇ શકે છે. શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે અને નોકરીમાં પણ કામને લઇને તમારા વખાણ થઇ શકે છે. વેતનમાં વધારો થઇ શકે છે.
સિંહ
સિંહ રાશિના નોકરિયાત લોકોનું કરિયરમાં પ્રદર્શન સારુ રહેશે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધશે. સમાજમાં માન-સન્માન મળશે અને તમારી આવકમાં પણ વૃદ્ધિ થઇ શકે છે. પરણેલા લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે.
મોહિની એકાદશી વ્રતનું મહત્ત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, સમુદ્ર મંથન બાદ જ્યારે દેવ-દાનવોમાં અમૃતથી ભરેલો કળશ મેળવવા માટે વિવાદ થઇ ગયો હતો ત્યારે વૈશાખ શુક્લ પક્ષની એકાદશી પર ભગવાન વિષ્ણુએ મોહિની નામની સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું હતું. મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ દાનવોને મોહિત કરી લીધાં હતાં અને તેમની પાસેથી અમૃતથી ભરેલો કળશ લઇને દેવતાઓને સોંપી દીધો હતો, જેને ગ્રહણ કરીને તમામ દેવતાઓ અમર થઇ ગયાં હતાં. કહેવામાં આવે છે કે ત્યારથી જ વૈશાખ શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)