દિવસેને દિવસે ગરમી વધી રહી છે. ગરમીના કારણે લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે. ગરમીથી બચવા માટે અને શરીરને ઠંડક મળે તે માટે લોકો ઠંડી વસ્તુ ખાવા પીવાનો આગ્રહ રાખતા હોય છે. ઉનાળામાં મોટાભાગે લોકો ઠંડાપીણા પીને શરીરને ઠંડક આપવાનો પ્રયત્ન કરે છે. આ સમય દરમિયાન વધારે પડતું મસાલેદાર ભોજન ખાવાનું પણ લોકો ટાળે છે જેથી શરીરનું તાપમાન વધે નહીં અને પાચન પણ સારું રહે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે કેટલાક મસાલા પણ એવા છે જે શરીરને ઠંડક આપવાનું કામ કરી શકે છે. આજે તમને ઘરના રસોડાના એવા મસાલા વિશે જણાવીએ જે શરીરને ઠંડક આપી શકે છે. ઉનાળા દરમિયાન આ મસાલોનો ઉપયોગ કરવાથી શરીરને હીટ વેવની અસરથી બચાવી શકાય છે.
જીરું
ભોજનમાં જીરાનો ઉપયોગ સૌથી વધુ થાય છે. જીરાના વઘારથી દાળ, શાકનો સ્વાદ વધે છે અને આ જીરું પાચન માટે પણ ફાયદાકારક સાબિત થાય છે તે પેટને ઠંડક આપે છે. ઉનાળામાં જીરું ખાવાથી શરીરનું તાપમાન ઠંડુ રહે છે. તેથી ઉનાળામાં જીરાનો સમાવેશ ભોજનમાં કરવો જ જોઈએ.
એલચી
એલચી સુગંધી મસાલો છે જેનો ઉપયોગ મીઠાઈમાં સૌથી વધુ થાય છે. એલચી ગરમીમાં શરીરને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે. એલચી પાચન માટે પણ ફાયદાકારક છે. તેની કુલિંગ પ્રોપર્ટી શરીરને ઠંડક કરે છે. તમે એલચીને દૂધમાં મિક્સ કરીને પી શકો છો અથવા તો કાચી પણ ખાઈ શકો છો.
વરીયાળી
વરીયાળીનો ઉપયોગ મુખવાસ તરીકે સૌથી વધુ થાય છે. વરીયાળી પાચન માટે ફાયદાકારક છે. વરીયાળી ખાવાથી ગરમીમાં થતી પાચનની સમસ્યાથી મુક્તિ મળે છે. ખાસ તો ગેસ અને બ્લોટીંગ નું જોખમ ઘટી જાય છે. વરીયાળી ને પાણીમાં ઉકાળીને પી શકો છો અથવા તો જમ્યા પછી તેને ખાઈ શકાય છે.
ધાણા
સૂકા અને લીલા બંને ધાણાનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે છે. રસોઈ નો સ્વાદ વધારતી આ વસ્તુ પાચન માટે ફાયદાકારક છે. ઉનાળામાં તેનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે.
મેથી
મેથી પણ શરીરને ઠંડક કરી શકે છે. ઉનાળા દરમિયાન મર્યાદિત માત્રામાં મેથીનું સેવન કરવાથી શરીરને લાભ થાય છે. મેથીને તમે પાણીમાં પલાળીને તેનું સેવન કરી શકો છો અથવા તો તેને પાણીમાં ઉકાળીને પણ પી શકાય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)