ઉનાળામાં તડકો અને શરીરમાંથી નીકળતો પરસેવો બંને ખુબ જ સતાવે છે. પરસેવાના કારણે ડિહાઇડ્રેશન અને હીટસ્ટ્રોકનું જોખમ પણ ઊભું થાય છે. તેથી જ ઉનાળા દરમિયાન સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ખાસ તો આ સિઝનમાં તમે શું ખાવ છો તેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ગરમીની સિઝનમાં જે વસ્તુઓનું સેવન કરવામાં આવે છે તે શરીરને સૌથી વધુ અસર કરે છે. તેથી આ સમય દરમિયાન એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે શરીરને જરૂરી પાણી પૂરું પાડે અને પોષક તત્વો પણ મળે. આજે તમને ખાવા પીવાની એવી ચાર વસ્તુઓ વિશે જણાવીએ જેને ઉનાળામાં ખાવાથી શરીર હાઈડ્રેટ પણ રહે છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
તરબૂચ
તરબૂચ એકમાત્ર એવું ફળ છે જેમાં વોટર કન્ટેન્ટ સૌથી વધુ હોય છે. આ ફળનો મોટો ફાયદો એ છે કે તેમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે અને પોષક તત્વ ભરપૂર. ઉનાળા દરમિયાન ગરમીથી રાહત મેળવવી હોય અને સ્વાસ્થ્ય પણ સારું રાખવું હોય તો તરબૂચને નિયમિત ખાવું જોઈએ. તેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
કાકડી
કાકડીમાં પણ પાણી સૌથી વધુ હોય છે. તેમાં પણ કેલેરી ઓછી હોય છે તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને વજન પણ ઘટાડે છે. કાકડીમાં ફાઇબર હોય છે જે પેટને કલાકો સુધી ભરેલું રાખે છે. ઉનાળા દરમિયાન કાકડી ખાવાથી પાચન સંબંધિત સમસ્યામાં પણ ફાયદો થાય છે.
ટમેટા
ટમેટા વિના રસોઈનો સ્વાદ અધુરો લાગે છે. ટમેટાને સલાડ તરીકે પણ ખાઈ શકાય છે. વિટામીન સીથી ભરપૂર ટમેટા બોડીને હાઇડ્રેટ રાખે છે અને વજન પણ કંટ્રોલ કરે છે. તેમાં લાયકોપીન જેવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે સોજાને દૂર કરી શકે છે.
સંતરા
સંતરા ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. વિટામીન સીથી ભરપૂર સંતરા બ્લડ સુગર લેવલને રેગ્યુલેટ કરે છે. સંતરા ખાધા પછી કલાકો સુધી ભૂખ લાગતી નથી. તેનાથી ધીરે ધીરે વજન ઓછું થાય છે. આ એક રસદાર ફળ છે જે શરીરમાં પાણીની ખામી પણ થવા દેતું નથી.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)