ગરમીમાં લોકો કોલ્ડ ડ્રિન્કસના દીવાના બની જાય છે. આકરા તાપમાંથી પાછા આવ્યા બાદ ચિલ્ડ કોલ્ડ ડ્રિન્કસનો લુત્ફ ઉઠાવવાની મજા કંઈક અલગ જ છે. ભલે કોલ્ડ ડ્રિન્કસ પીતા લોકોને ઠંડકનો અહેસાસ થાય, પરંતુ આ આરોગ્ય માટે ખૂબ નુકસાનકારક પણ હોય શકે છે. લોકોએ બને ત્યાં સુધી કોલ્ડ ડ્રિન્કસ પીવાનું ટાળવું જોઈએ. જો તમે ગરમીમાં કૂલ રહેવા માંગો છો તો, ઘરમાં જ કેટલીક દેશી ડ્રિન્કસ તૈયાર કરી શકો છો. આ દેશી પીણામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે અને સ્વાદ પણ લાજવાબ હોય છે. આ માટે તમારે કેટલાક દેશી ડ્રિન્કસ વિશે જાણવું જરૂરી છે.
ઉનાળામાં શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવા માટે, તમે લીંબુનું શરબત, છાશ, સત્તુ પીણું અને થંડાઈ બનાવીને પી શકો છો. આ બધી વસ્તુઓમાં નેચરલ કુલિંગ ઇફેક્ટ હોય છે. આ દેશી ડ્રિન્કસ પાચનતંત્રને સુધારે છે અને ઇમ્યુનિટિ સિસ્ટમને મજબૂત બનાવે છે.
આ 5 દેશી પીણાં આપશે તમને ભરપૂર એનર્જી
ગરમીની સિઝનમાં લીંબુ પાણી સૌથી બેસ્ટ માનવામાં આવે છે. બે મિનિટમાં બની જતું લીંબુ પાણી એનર્જી આપે છે અને તમને હાઇડ્રેટેડ રાખે છે. લીંબુનું શરબત બનાવવા માટે, લીંબુને પાણીમાં નિચોવો અને પછી થોડી ખાંડ અને મીઠું ઉમેરીને મિક્સ કરો. તેમાં બરફના ટુકડા નાખો. આ રીતે તૈયાર છે લીંબુ પાણી.
છાશ પ્રોબાયોટિકનો ઉત્તમ સ્ત્રોત છે. તે ગરમીથી તરત રાહત આપે છે. તેનું સેવન કરવાથી ઘણા જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. એક ગ્લાસ છાશમાં અડધી ચમચી શેકેલું જીરું, થોડો ફુદીનો, ધાણાજીરું અને મીઠું નાખીને મિક્સ કરો. તેને થોડું ઠંડુ થવા દો. લો બની ગઈ તમારી ટેસ્ટી છાશ.
ગરમીમાં રાહત આપતી થંડાઈ ખૂબ અસરકારક હોય છે. થંડાઈ એ પરંપરાગત ભારતીય પીણું છે જે બદામ, વરિયાળી, એલચી, ગુલાબની પાંખડીઓ અને અન્ય મસાલાઓને મિક્સ કરીને બનાવવામાં આવે છે. તે દૂધ, ખાંડ અને અન્ય સૂકા ફળો અને ખાંડ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. તમે તેને ઘરમાં પણ આસાનીથી બનાવી શકો છો.
બીલાનું શરબત ગરમીમાં શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવા માટે જાણીતું છે. બીલામાં ઘણા પોષક તત્ત્વો અને નેચરલ કુલિંગ એજન્ટ હોય છે. અંગ્રેજીમાં બીલાને વુડ એપલ કહેવામાં આવે છે. વુડ એપલના પલ્પને કાઢીને તેને પાણીમાં ભેળવીને અને તેમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરીને શરબત તૈયાર કરી શકાય છે.
શેકેલા ચણાના લોટને સત્તુ કહેવામાં આવે છે. તમે સત્તુને પાણી અને લીંબુના રસમાં મિક્સ કરીને દેશી ડ્રિન્ક બનાવી શકો છો. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. સત્તુ ડ્રિન્ક ઉનાળામાં શરીરને ઠંડુ અને ઊર્જાથી ભરપૂર રાખવામાં મદદ કરે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)