હળદર એવો મસાલો છે જે દરેક ઘરના રસોડામાં હોય છે. હળદરનો ઉપયોગ કરવાથી ભોજનનો સ્વાદ અને રંગ બંને વધે છે. હળદરનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. હળદરમાં એવા ખાસ તત્વો હોય છે જે ઘણી બધી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. રસોઈમાં સૌથી વધુ વપરાતી હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ખાસ તો જો રોજ હળદરનું પાણી પીવામાં આવે તો તેનાથી કેટલીક સમસ્યાઓ તો દવા વિના જ મટી જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર હળદરનું પાણી વજન ઘટાડવાથી લઈને ડાયાબિટીસ કંટ્રોલ કરવા સુધીનું કામ કરી શકે છે. બસ જરૂરી એ હોય છે કે હળદરનું પાણી તમે યોગ્ય સમયે પીવો અને યોગ્ય રીતે બનાવેલું હોય. આજે તમને જણાવીએ હળદરનું પાણી કયા સમયે પીવાથી શરીરને સૌથી વધુ ફાયદો થાય છે.
હળદરનું પાણી પીવાના ફાયદા
રોજ તમે હળદરનું પાણી પીવો છો તો ઈમ્યુનિટી બુસ્ટ થાય છે. હળદરમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી ઇનફ્લેમેટરી ગુણ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનાથી બીમારીઓથી બચવામાં મદદ મળે છે.
હળદરનું પાણી નિયમિત પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. હળદરમાં રહેલા પોષક તત્વો પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. હળદરનું પાણી નિયમિત પીવાથી ગેસ, અપચો, પેટનો દુખાવો, સોજા જેવી તકલીફોથી રાહત મળે છે.
રોજ હળદરનું પાણી પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. તેમાં કર્ક્યુંમીન હોય છે જે શરીરમાં ફેટ બનાવતા ટીસ્યૂને બનતા અટકાવે છે. હળદરનું પાણી પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે જેના કારણે કેલેરી ઝડપથી બર્ન થાય છે.
ડાયાબિટીસના દર્દીઓએ પણ હળદરનું પાણી રોજ પીવું જોઈએ. આ પાણી પીવાથી ઇન્સ્યુલિન કુદરતી રીતે વધે છે. તેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
હળદરનું પાણી પીવાથી સાંધાના દુખાવા અને સોજાથી પણ રાહત મળે છે. જે લોકોને સાંધાના દુખાવા કે સાંધા સંબંધિત સમસ્યા હોય તેમણે હળદરનું પાણી રોજ પીવું જોઈએ.
કેવી રીતે બનાવવું હળદરનું પાણી ?
હળદરનું પાણી નિયમિત રીતે પીવું હોય તો એક ગ્લાસ હૂંફાળા પાણીમાં 1/4 ચમચી હળદર ઉમેરો. પાણીમાં હળદરને બરાબર મિક્સ કરીને તેનું સેવન કરો. જો તમે ઈચ્છો તો આ પાણીમાં લીંબુનો રસ અને મધ પણ મિક્સ કરી શકાય છે. પરંતુ બેસ્ટ રહેશે કે તમે ફક્ત હળદર વાળું પાણી પીવો.
ક્યારે પીવું હળદરનું પાણી ?
હળદરનું પાણી પીવાનો સૌથી બેસ્ટ સમયે સવારે ખાલી પેટ છે. સવારે ખાલી પેટ હળદરનું પાણી પીવાથી પાચન ક્રિયા સુધરે છે અને શરીર એનર્જટીક રહે છે. જો સવારે સૌથી પહેલાં હળદરનું પાણી પી શકો તેમ ન હોય તો રાત્રે સુતા પહેલા પણ હળદરનું પાણી પી શકાય છે. રાત્રે હળદરનું પાણી પીવાથી ઊંઘ સારી આવે છે અને બોડી ડિટોક્ષ થાય છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)