ઉનાળાની ગરમીમાં પરસેવો વળવો સામાન્ય બાબત છે. પરંતુ અમુક લોકોને હાથની હથેળી અને પગના તળિયામાં ખૂબ પરસેવો વળતો હોય છે. આ પ્રોબ્લેમ સામાન્ય વાતાવરણમાં પણ જોવા મળે છે. જેના કારણે તેમને કેટલીક મુશ્કેલીનો પણ સામનો કરવો પડતો હોય છે. વસ્તુઓ પકડવામાં પ્રોબ્લેમ આવે છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાઓ છો તો તેને દૂર કરવા ચાર ઉપાય અપનાવી શકો છો. તેનાથી તમને હાથની અને તળિયાના પરસેવાની સમસ્યાથી છુટકારો મળશે.
ફટકડી
હાથની હથેળી અને પગના તળિયામાં જો પરસેવો વળતો હોય તો ફટકડીના ઉપયોગથી તે સમસ્યામાંથી છુટકારો મળે છે. કેમ કે ફટકડીમાં એન્ટી સેપ્ટિક ગુણ હોય છે. તે બેક્ટેરિયાને મારવાનું કામ પણ કરે છે. ફટકડીનો પાવડર બનાવી તેને માપના ગરમ પાણીમાં ભેળવીને તેમાં હાથ અને પગને 10-15 મિનિટ સુધી પલાળવા.
ચંદન
વર્ષોથી ચંદનનો ઉપયોગ ત્વચાની પ્રોબ્લેમને દૂર કરવા માટે થતો આવ્યો છે. આયુર્વેદમાં પણ ચંદન ઉલ્લેખ છે. ચંદનથી તમે હાથની અને પગના પરસેવાની સમસ્યામાં રાહત મેળવી શકો છો. જેમાં તમારે ચંદનના પાઉડરમાં ગુલાબજળ અને થોડું પાણી મિલાવી પેસ્ટ બનાવવી. પેસ્ટ થોડી ઘટ બનાવવી. બાદમાં તેને પગના તળિયા અને હથેળીમાં લગાવવી. આ પેસ્ટ સુકાઈ ગયા બાદ તેને ધોઈ નાખવું. આમ કરવાથી તમને જૂની સમસ્યામાં રાહત મળશે.
ઠંડુ પાણી
હાથ અને પગને દિવસમાં 2-3 વખત ઠંડા પાણીમાં પલાળો છો તો તમને પરસેવાની સમસ્યામાંથી રાહત મળે છે. દિવસમાં 2-3 વખત 15-20 મિનિટ સુધી હાથ પગને ઠંડા પાણીમાં પલાળીને રાખવા. આ પાણીમાં તમે ગુલાબજળ અને મુલતાની માટી પણ એડ કરી શકો છો. તેનાથી બેક્ટેરિયા પણ દૂર થાય છે.
મીઠું
પગના તળિયા અને હથેળીમાં વળતા પરસેવાથી છુટકારો મેળવવા મીઠું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે તમારે એક ટબમાં માપનું ગરમ પાણી લો, તેમાં 6-7 ચમચી મીઠું નાખો. આ મીઠાવાળા પાણીમાં 15-20 મિનિટ સુધી હાથ અને પગ ડુબાડીને રાખો. આમ કરવાથી તમને પરસેવાની જૂની સમસ્યામાંથી રાહત મળશે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)