આપણે સૌ જાણીએ છીએ કે શાકભાજી આપણી હેલ્થ માટે કેટલી જરૂરી છે. શાકભાજી પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તે શરીરમાં વિટામિનની કમીને પૂરી કરવામાં મદદ કરે છે. આપણે બધા શાકભાજીની છાલ ઉતારીને અને તેને ધોઇને જ રાંધીએ છીએ. પરંતુ, શું તમે જાણો છો કે કેટલાંક શાકભાજીની છાલ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેને છોલીને તમે પોષણને વેડફી નાંખો છો. આજે અમે તમને તે શાકભાજી વિશે જણાવીશું જેની છાલને તમે રાંધી શકો છો.
બટાકા
ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, બટાકાને મોટાભાગની શાકભાજીમાં યુઝ કરવામાં આવે છે. તે કોઇપણ વાનગીનો ટેસ્ટ વધારી શકે છે. તેને શાકભાજીઓનો રાજા કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, બટાકાની છાલ પણ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેમાં પોટેશિયમ, આયરન, વિટામીન સી, વિટામિન એ અને કેટલાંક અન્ય ગુણ હોય છે, તેથી બટાકાને છાલ સહિત ખાઇ શકાય છે.
મૂળા
શિયાળામાં મૂળાનું સેવન ખૂબ જ કરવામાં આવે છે. તેના ઘણા હેલ્થ બેનેફિટ્સ હોય છે. પરંતુ લોકો તેની પણ છાલ ઉતારીને ખાવાનું પસંદ કરે છે. ઠંડીમાં મૂળા કે તેના પાનનું શાક બનાવીને ખાવામાં આવે છે. તેની છાલમાં જરૂરી પોષક તત્ત્વ હોય છે. જો તમે છાલ સહિત મૂળાનું સેવન કરી શકતાં હોય તો તેમાં રહેલું ફાયબર, પોટેશિયમ, ઝિંક, કેલ્શિયમ અને ઘણા વિટામિનનો લાભ મળે છે.
કાકડી
આપણે બધા કાકડીનો ઉપયોગ સલાડના રૂપમાં કરીએ છીએ. લોકો તેની છાલ ઉતારીને જ ખાવાનું પસંદ કરે છે. જો કે, કાકડીને છાલ સહિત ખાવી વધુ ફાયદાકારક છે. તેમાં ફાયબર અને એન્ટીઓક્સિટેન્ડ ગુણ હોય છે, જે તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.
સ્વીટ પોટેટો
શક્કરિયાની છાલ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાયબર, વિટામિન સી, વિટામિન ઇ અને બીટા-કેરાટીન ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જો તમે તેને છાલ સાથે ખાવ તો તે આંખની રોશની વધારવાની સાથે-સાથે ઇમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે.
કોળુ
કોળાને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. ઘણા લોકો તેને છાલ સહિત ખાય છે તો કેટલાંક લોકો છાલ વિના જ કોળુ ખાય છે. તેમાં વિટામિન એ, આયરન, પોટેશિયમ અને અન્ય ઘણા વિટામિન હોય છે. તેથી છાલવાળુ કોળુ સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક હોય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)