કફ બનવો હંમેશા કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત નથી હોતો. શરીરના સારા કામકાજ માટે થોડો કફ જરૂરી છે. તે તમારા નાકના માર્ગને સાફ કરે છે, તમારા ટિશ્યૂને ચીકણા રાખે છે, તમે શ્વાસ દ્વારા અંદર લઈ રહેલી ધૂળ અને બેક્ટેરિયાને તે ફિલ્ટર કરે છે અને તમને ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે.
કફ બનવાનું કારણ ફક્ત ઠંડુ ખાવુ-પીવું જ નથી. તેની પાછળ ઘણા સ્વાસ્થ્યને લગતા કારણ પણ હોઇ શકે છે જેમ કે એસિડ રિફ્લ્ક્સ, એલર્જી, અસ્થમા કે કોઇ ઇન્ફેક્શન થવું. વધુ માત્રામાં કફ બનવો ખાસ કરીને ફેફસા કે છાતીમાં, તો તે પરેશાનીનું કારણ બની શકે છે. વધારે કફ બનાથી તમને ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, અસ્થમા, બ્રોંકાઇટિસ, નાક જામ થઇ જવું, ઉંઘની સમસ્યા વગેરે સમસ્યાઓ થઇ શકે છે.
કફ માટે આમ તો ઘણી અંગ્રેજી દવાઓ છે પરંતુ તમે ઘરેલુ ઉપચાર દ્વારા પણ છાતી, ફેફસા અને ગળામાં જમા કફ સાફ કરી શકે છે. તેના માટે વધારે કંઇ નહીં પરંતુ તમે તમારી આસપાસ રહેલા કેટલાંક દેશી પાન ચાવી શકો છો અથવા તેનો ઉકાળો પી શકો છો.
ફુદીનાના પાન
ફુદીનામાં મેન્થોલ હોય છે, જેમાં કફ ઘટાડવાના ગુણ હોય છે. તે કફને પાતળો કરવામાં અને શ્વસન માર્ગને આરામ આપવામાં મદદ કરે છે. તેમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ પણ છે. તમે ફુદીનાના તાજા પાન ચાવી શકો છો અથવા તો ફુદીનાની ચા પીવો. તમે ફુદીનાવાળા ગરમ પાણીમાંથી નીકળી વરાળ પણ લઈ શકો છો.
યૂકેલિપ્ટસ એટલે કે નીલગિરીના પાન
યૂકેલિપ્ટસ એટલે કે નીલગિરીના પાનમાં સિનેઓલ હોય છે, જેમાં કફનાશક, બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે. તે કફ સાફ કરવામાં અને શ્વાસ નળીની બળતરા ઘટાડવામાં મદદ કરે છે. નીલગિરીના પાનનો ઉપયોગ ચામાં કરવામાં આવે છે અથવા વરાળ સ્વરૂપે લેવામાં આવે છે. તાજા પાન ચાવી શકાય છે, પરંતુ તે ખૂબ તીખા હોય છે, તેથી થોડી માત્રામાં જ ઉપયોગ કરો.
થાઇમના પાન
થાઇમમાં થાઇમોલ હોય છે, જે એન્ટિસેપ્ટિક, એન્ટિબેક્ટેરિયલ અને કફનાશક ગુણ ધરાવે છે. તે કફને છૂટો કરવામાં અને શ્વસન માર્ગમાં સોજો ઘટાડવામાં મદદ કરે છે. તાજા થાઇમના પાન ચાવો અથવા થાઇમની ચા પીવો. થાઇમનો ઉપયોગ વરાળ લેવા માટે પણ કરી શકાય છે.
તુલસીના પાન
તુલસીનો ઉપયોગ સદીઓથી આયુર્વેદિક દવામાં શ્વાસ સંબંધિત બીમારીઓના ઇલાજ માટે કરવામાં આવી રહ્યો છે. તેમાં કફ કાઢવાનાસ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. તુલસીના તાજા પાન ચાવો, તુલસીની ચા પીવો કે પછી વરાળ લેવા માટે તુલસીના પાનનો ઉપયોગ કરો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)