શરીરને ફિટને હેલ્ધી રાખવા માટે ખોરાક જેટલો જરૂરી છે એટલું જ જરૂરી પાણી છે. શરીરમાં જો પાણીની માત્રા ન જળવાય તો તબિયત બગાડતા વાર નથી લાગતી. સામાન્ય રીતે નોર્મલ પાણી તો સૌ કોઈ પીવે છે પરંતુ જો પાણીને પણ વધારે સ્વાસ્થ્યવર્ધક બનાવવું હોય તો તેમાં કેટલીક વસ્તુઓ ઉમેરવી જોઈએ.
આપણા ઘરના રસોડામાં જ એવી કેટલીક વસ્તુઓ છે જેને પાણીમાં ઉમેરીને તેનું સેવન કરવામાં આવે તો નાની મોટી બીમારીઓ દવા વિના જ દૂર થઈ જાય છે. આ વસ્તુઓને પાણીમાં ઉમેરવાથી પાણી પણ દવા જેવું કામ કરે છે અને શરીર માટે અમૃત બની જાય છે. આ વસ્તુઓ ઉમેરેલું પાણી પીવાથી શરીરમાંથી વિશક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. આજે જે છ વસ્તુઓ વિશે તમને જણાવીએ તે મોટાભાગની વસ્તુઓ ઘરના રસોડામાં ઉપલબ્ધ હોય છે. આ વસ્તુઓને પાણીમાં પલાળી તે પાણીનું સેવન કરવાથી શરીરને ફાયદા થાય છે. ખાસ કરીને સવારે નોર્મલ પાણી પીવાને બદલે આ વસ્તુઓ ઉમેરેલું પાણી પીવાથી તેનાથી થતા ફાયદા વધી જાય છે.
કલોંજી
એક ગ્લાસ પાણીમાં એક ચમચી કલોંજીને રાત્રે પલાળી દેવી. સવારે આ પાણી પીવાથી હાઈ યુરિક એસિડની સમસ્યા મટે છે.
ગુંદ
ગુંદ શરીર માટે ગુણકારી છે. ગુંદને પાણીમાં પલાળીને તે પાણી પીવાથી કબજિયાતથી મુક્તિ મળે છે અને થાક તેમજ ગરમીથી બચાવ થાય છે.
ધાણા
રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ધાણા ઉમેરી દેવા. સવારે આ પાણીને ગાળીને પી લેવાથી એસીડીટી, હાઇપરટેન્શન, થાઇરોડ સહિતની સમસ્યામાં લાભ થાય છે.
લસણ
લસણનું પાણી પીવાથી ફેટી લીવરની કન્ડિશનમાં રાહત મળે છે. તેના માટે પાણીમાં લસણને પલાળી રાખવું અને પછી તેને ગાળીને પી લેવું.
અર્જુનની છાલ
અર્જુનની છાલ પણ ગુણકારી ઔષધી છે. તેને પાણીમાં પલાળીને ચાની જેમ પીવાથી બ્લડપ્રેશરના દર્દીઓને ફાયદો થાય છે. તે હાર્ટ સંબંધિત સમસ્યામાં પણ રાહત આપે છે.
શતાવરી
શતાવરીની ચા પીવાથી પીસીઓએસ અને પીસીઓડી જેવી સ્થિતિમાં ફાયદો થાય છે. તેનાથી મહિલાઓને પિરિયડ સંબંધિત સમસ્યાથી પણ આરામ મળે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)