મોઢામાં ચાંદા પડવા એક એવી સમસ્યા છે, જેનો સામનો લોકો ક્યારેક તો જરૂર કરે છે. સામાન્ય રીતે ગરમીના દિવસોમાં પેટમાં ગરમી પેદા થવાના કારણે અથવા તો પાચનમાં કોઇ પ્રકારની સમસ્યા હોય તો કોઇને પણ મોઢામાં ચાંદા પડી શકે છે. પેટ સાફ ન થવું, પાણી ઓછુ પીવું, વિટામિન બીની ઉણપ કે પૂરતા માઉથ હાઇજિનના અભાવના કારણે પણ મોઢામાં ચાંદા પડવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. સામાન્ય રીતે તે 5થી 14 દિવસ સુધી રહી શકે છે અને ધીમેધીમે આપમેળે ઠીક થઇ જાય છે. જો તમે કેટલાંક ઘરેલુ ઉપાય અજમાવો તો તમે તેના અસહ્ય દુ:ખાવા કે બળતરાથી બચી શકો છો અને જલ્દી ઠીક પણ કરી શકો છો.
મોઢાના ચાંદામાં રાહત મેળવવાના ઘરેલુ ઉપાય
બેકિંગ સોડા
એચટી વેબસાઇટ અનુસાર, બેકિંગ સોડાની મદદથી તમે મોઢાના ચાંદાથી જલ્દી આરામ મેળવી શકો છો. તેના માટે તમે બેકિંગ સોડાને પાણી સાથે મિક્સ કરો અને પેસ્ટ બનાવો. હવે તેને ચાંદા પર લગાવો. 10 મિનિટ પછી કોગળા કરી લો.
મધ
દુ:ખાવો વધુ થઇ રહ્યો હોય તો તમે મોઢાના ચાંદા પર મધ લગાવી દો. મધમાં એન્ટીમાઅક્રોબિયલ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે જે અલ્સરને હીલ કરવામાં મદદ કરી શકે છે.
મીઠાવાળુ પાણી
દુ:ખાવાથી રાહત મેળવવી હોય તો તમે હુંફાળા પાણીમાં મીઠુ ભેળવો અને તેનાથી સારી રીતે 5 મિનિટ સુધી ગાર્ગલ કરો. તેનાથી સોજો ઓછો થશે અને દુ:ખાવામાં રાહત મળશે.
એપ્પલ સાઇડર વિનેગર
તમે મોઢાના ચાંદા ઠીક કરવા માટે એક કપ હુંફાળુ પાણી લો અને તેમાં બે ચમચી એપ્પલ સાઇડર વિનેગર મિક્સ કરો. હવે તેનાથી સારી રીતે કોગળા કરી લો. આવું દિવસમાં શક્ય હોય તેટલી વાર કરો. આરામ મળશે.
દહીં
મોઢાના અલ્સરને ઠીક કરવામાં દહીં પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે રોજ ઓછામાં ઓછા 200 એમએલ પ્લેન દહીં ખાવ. તે પેટમાં ગુડ બેક્ટેરિયા વધારે છે જેનાથી અલ્સર ઠીક થવામાં ઓછો સમય લાગે છે. વધુ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ જરૂર લો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)