હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. આ સીઝનમાં બીમારીઓ થવાનો ખતરો સૌથી વધુ હોય છે. જેમાં શરદી, ખાંસી, ગળામાં ઇન્ફેક્શન, પેટના રોગ, અપચો, એસિડિટી, ટાઇફોઇડ, કોલેરા સહિત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો થાય છે. ત્યારે આવો જાણીએ કે ચોમાસામાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ.
વરસાદની ઋતુમાં વાતાવરણ ભેજવાળું હોય છે. જેની સીધી અસર વ્યક્તિના પાચનતંત્ર પર પડતી હોય છે. જો પાચનતંત્ર નબળું પડી જાય તો વ્યક્તિને અલગ અલગ પ્રકારની બીમારી ઉદ્ભવે છે. તેથી વ્યક્તિએ આહારમાં ફેરફાર કરવો જોઈએ. આ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
શું ખાવું જોઈએ
ખાસ કરીને ચોમાસાની સીઝનમાં આપણે દિવસની શરૂઆત હર્બલ ટી કે સૂપથી કરવી જોઈએ. આ માટે લેમન ગ્રાસ, તુલસી, આદુ, હળદર, ફુદીનો, લીંબુ, મરી-મસાલા તેમજ વિવિધ પ્રકારના વેજિટેબલ સૂપ લઈ શકો છો. આ સાથે નાસ્તામાં પ્રોટીનયુક્ત આહાર, પલાળેલા ડ્રાય ફ્રૂટ્સ, હેલ્ધી સ્નેક્સ, મોસમી ફળો વગેરેનો સમાવેશ કરી શકો છો.
બપોરના ભોજન પહેલા નાળિયેર પાણી, બાફેલી મકાઈ પણ લઈ શકો છો. બપોરના ભોજનમાં સલાડનું વધારે સેવન કરવું જોઈએ. આ સાથે ફણગાવેલા કઠોળ, જુવાર, રાગી, બાજરા અને લીલા શાકભાજી ખાવા જોઈએ. તેમજ દરરોજ આહારમાં લસણ, અજમો કે અજમાનું પાણી ઉપયોગમાં લઈ શકો છો. આ ઉપરાંત છાશ, દહીં અને અથાણાં પણ આહારમાં લઈ શકાય છે.
રાત્રિના ખોરાકમાં અલગ અલગ પ્રકારની ખીચડી, પનીર વગેરેનું સેવન કરવું જોઈએ. અને રાત્રે સૂતી વખતે ગરમ નવશેકા જેવું હળદરવાળું દૂધ પીવું જોઈએ. આ સાથે દિવસભર ઉકાળેલું પાણી પીવું જોઈએ.
શું ન ખાવું જોઈએ
ચોમાસાની ઋતુમાં બજારુ ખોરાક લેવાનું ટાળવું જોઈએ. સવારના નાસ્તામાં તીખું, તળેલું કે મસાલેદાર ખોરાક લેવાનું ટાળવું જોઈએ. તેમજ ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ. ફળોના જ્યૂસ અને ઠંડા પીણાંથી દૂર રહેવું જોઈએ. વાસી અને આથેલો ખોરાક બિલકુલ ન ખાવો જોઈએ. વધુમાં આઈસક્રીમ પણ ખાવાનું ટાળવું જોઈએ.
બપોરના ભોજનમાં ચોખા કે ઘઉંની વાનગીઓને એકસાથે ન લેવી જોઈએ. આ સાથે રાત્રિના ભોજનમાં પચવામાં ભારે હોય તેવો ખોરાક ન ખાવો જોઈએ. આ સિવાય મીઠાઈઓનું પણ સેવન કરવાનું ટાળવું જોઈએ. શક્ય હોય તો રાત્રે સૂવાના ત્રણેક કલાક પહેલા જમી લેવું જોઈએ. તેમજ ભરપેટ ખોરાક પણ ન ખાવો જોઈએ.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)