તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે. તુલસીની પૂજા કરવાની પરંપરા વર્ષોથી છે. શાસ્ત્ર અનુસાર પૂજનીય તુલસી દવા તરીકે પણ કામ આવે છે. આયુર્વેદમાં તુલસીના પાનનો ઉપયોગ અલગ અલગ બીમારીને દૂર કરવામાં આવે છે. ખાસ કરીને તુલસીનું સેવન કરવાથી શ્વાસ સંબંધિત બીમારીની સારવાર થાય છે અને સાથે જ ઇમ્યુનિટીને મજબૂત બનાવવામાં પણ તુલસી અસરકારક છે. પરંતુ તુલસીના બધા જ ફાયદા પ્રાપ્ત કરવા હોય તો તેનું પાણી બનાવીને નિયમિત એક મહિના સુધી પીવું.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે નિયમિત એક મહિના સુધી જો કોઈ વ્યક્તિ તુલસીના પાણીનું સેવન કરે તો તેને એક નહીં પરંતુ અનેક ફાયદા થાય છે. તેના માટે તુલસીના તાજા પાનને અથવા તો તેના પાવડરને ગરમ પાણીમાં પલાળીને તેનું સેવન કરવાનું હોય છે. તુલસીનું પાણી એવા લોકો માટે અમૃત સમાન સાબિત થાય છે જે લોકો પોતાની બોડીને દવા વિના હેલ્ધી રાખવા માંગે છે.
તુલસીનું પાણી શરીરને પોષણ આપે છે અને મનેને શાંત કરે છે. તેનાથી ઇમ્યુનિટી પણ મજબૂત થાય છે જેના કારણે વારંવાર વાયરલ ઇન્ફેક્શનથી બચી શકાય છે. આ સિવાય તુલસીના પાણીનું સેવન 1 મહિના સુધી નિયમિત કરવામાં આવે તો શરીરમાં કેવી અસર થાય છે તે પણ જાણી લો.
તુલસીનું પાણી પીવાથી થતા ફાયદા
તુલસીનું પાણી જો તમે નિયમિત પીવો છો તો બીમારીઓથી શરીરનો બચાવ થાય છે. તુલસીમાં એવા પોષક તત્વ હોય છે જે ઈમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે અને બીમારીઓથી બચાવે છે. તુલસીના ગુણ શરીરને સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે.
તુલસીમાં એવા ગુણ હોય છે જે સ્ટ્રેસને દૂર કરે છે. તુલસીનું પાણી રેગ્યુલર પીવામાં આવે તો મગજ શાંત થાય છે અને સ્ટ્રેસથી છુટકારો મળે છે. તુલસીનું પાણી બીમારીઓથી બચાવવામાં જાદુઈ અસર કરે છે.
આયુર્વેદ અનુસાર તુલસીમાં વાતહર ગુણ હોય છે. એટલે કે તે ગેસ અને બ્લોટીંગને મટાડવામાં મદદ કરે છે. આ વાત રિસર્ચમાં પણ સાબિત થઈ છે કે તુલસીનું પાણી આંતરડાની ગતિશીલતામાં સુધાર કરે છે અને પાચનમાં સહાયતા કરે છે.
તુલસીના પાનનો ઉપયોગ સૌથી વધુ શરદી, ઉધરસ અને અસ્થમા જેવી શ્વાસ સંબંધિત બીમારીની સારવારમાં કરવામાં આવે છે. તુલસીમાં કફ મટાડતા ગુણ પણ હોય છે. તુલસીનું સેવન કરવાથી ગળાની સમસ્યા દૂર થાય છે.
કેવી રીતે બનાવવું તુલસીનું પાણી ?
તુલસીનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં તુલસીના 10 થી 15 પાન ઉમેરી દો. આ પાણીને ધીમા તાપે થોડીવાર માટે ઉકાળો અને પછી ગેસ બંધ કરી દો.. તુલસીના પાણીને વધારે ઉકાળવાની જરૂર નથી પાંચ મિનિટ ઉકાળી ગેસ બંધ કરી દો. હવે આ પાણી હુંફાળું હોય ત્યારે તેનું સેવન કરો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)