fbpx
Saturday, January 11, 2025

આ જ્યોતિર્લિંગનું નામ સોમનાથ કેવી રીતે પડ્યું, જાણો તેનું મહત્વ અને તેની પાછળની પૌરાણિક કથા

શિવ એક એવા દેવતા જેના કરોડો ભક્તો છે. શિવ ભોળા છે. શિવ સુંદર છે. શિવ પિતા છે. શિવ તેજ છે. શિવ મહાકાળ છે. ભારતીય સંસ્કૃતિ મુજબ ખુબ બધા દેવી દેવતાઓની પૂજા અનેક રીતે કરવામાં આવે છે. પણ એક નામ એવું છે જેને મનમાં ગણગણતા જ એક એવો આકાર મગજમાં ઘડાતો હોય છે જે શાંત પણ હોય છે અને સમુદ્ર જેવો વિરાટ પણ. શિવની પૂજા હિંદુ ધર્મમાં લિંગ રૂપે થાય છે. આમતો મદિરમાં શિવલીંગોને જોતા આપણા મનમાં પણ શિવલીન્ગનો એક આકાર મનમાં સ્પષ્ટ રીતે બેસી ગયો છે. પરંતુ શિવલિંગ ભગવાનનું નિરાકાર રૂપ માનવામાં આવે છે. 

જ્યોતિર્લિંગની પ્રતીક તરીકે શા માટે પૂજા શરુ થઇ

શિવજીનું શારીરિક પ્રતિક એટલે શિવલિંગ. શિવજીના કપરા તપથી ખુબ ગરમી પેદા થઇ અને શિવજીનું શરીર આગની જ્વાળા જેવું થઇ ગયું. તમામ દેવોને ચિંતા થઇ આવી. શિવજી ગરમીથી ત્રિલોક પર કહેર આવશે, આખું બ્રહ્માંડ બળીને ભસ્મ થઇ જશે. દેવો વિચારમાં પડ્યા કે શિવજીના શરીરમાં રહેલી અગ્નિ પર કેવી રીતે કાબુ મેળવી શકાય? ત્યારે દેવીનું પ્રતિક ઉદ્ભવ્યું અને તેણે શિવજીણી જ્વાળાને નિયંત્રિત કરી. આમ શિવલિંગને બ્રહ્માંડની ઉર્જા અને સર્જનનું પ્રતિક કહેવાય છે. ભારતમાં ખુબ બધા શિવલિંગ સ્થાપિત છે. એમાં સ્વયમ પ્રગટ થયેલા શિવલિંગનો મહિમા કંઇક અનોખો જ છે. આ દિવ્ય જ્યોતિ વાળા શિવલીંગને પુરાણોમાં જ્યોતિર્લીંગ કહેવાયું છે. શિવ પુરાણ અનુસાર ભગવાન શિવએ બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેના ‘કોણ મહાન’ના વિવાદનું સમાધાન કરવા માટે એક જ્યોતિર્મય લિંગ પ્રગટ કર્યું. તે એટલું વિરાટ હતું કે તેનો આડી કે અંત ન’હોતો. બ્રહ્મા અને વિષ્ણુ આ જ્યોતિર્લિંગની શરૂઆત અને અંતને જાણીને શિવના દૈવી સ્વભાવ વિશે જાણ્યા. આ સમયથી જ શિવને પરબ્રહ્મ માનીને જ્યોતિર્લિંગની પ્રતીક તરીકે પૂજા શરૂ થઈ. 

ભારતમાં કુલ કેટલા જ્યોતિર્લીંગ?

ભારતમાં કુલ આવા ૧૨ જ્યોતિર્લીંગનો સમાવેશ થાય છે. કહે છે કે જે વ્યક્તિ આ ૧૨ જ્યોતિર્લીંગના દર્શન કરે તો તે મોક્ષ પામે છે. અને તે તમામ જ્યોતીર્લીન્ગની કથાઓનું પણ એટલું જ મહત્વ રહેલું છે. તમને જલસો થકી આ ૧૨ જ્યોતિર્લીંગનો સાક્ષાત્કાર તે કથાઓ દ્વારા કરાવવાનો અમે જ્યારે પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે શરૂઆત શુભ થાય એવી આપણે કામના રાખીએ. તો હું શરૂઆત કરવા માંગીશ એવા જ્યોતિર્લીંગથી જેને વિશ્વમાં બિરાજમાન ૧૨ જ્યોતિર્લીંગોમાનું પહેલું જ્યોતિર્લીંગ માનવામાં આવે છે. આ જ્યોતિર્લીંગ એટલે ગુજરાતમાં ઝળહળતું સોમનાથ.

સોમનાથ ધામનું મૂળ નામ પ્રભાસપાટણ 

સોમનાથ એક એવું ધામ જ્યાં પહોંચતા પવિત્રતાની અનેરી અનુભૂતિ થાય છે. ૧૨ જ્યોતિર્લીંગોમાં સહુથી વધારે હવા ઉજાસ વાળું   સોમનાથ ધામનું મૂળ નામ પ્રભાસપાટણ છે. સૌરાષ્ટ્રમાં વસેલું આ પ્રભાસક્ષેત્ર હિંદુ ધર્મ પ્રમાણે ખુબ મહત્વ ધરાવે છે. કહે છે કે ત્યાં સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ છે. આવા પ્રભાસપાટણમાં વસેલા શિવલીંગની પણ એક સુંદર કથા છે. તો ચાલો આ ચંદ્રના નાથ એટલે સોમનાથની એક નાનીઅમથી કથા તરફ લઇ જાઉં. જે સાંભળીને તમને એ પણ ખ્યાલ આવી જશે કે કેમ શિવને સોમના નાથ કહેવામાં આવે છે અને કેમ સોમનાથમાં આ મહાન શિવલિંગ બિરાજમાન છે.

સોમનાથ અંગે પૌરાણિક કથા 

શાસ્ત્રોમાં ઉલેખ છે કે બ્રહ્માના માનસપુત્ર પ્રજાપતિ દક્ષની ૨૭ દીકરીઓ હતી. હિંદુ પચાંગમાં તમે જોશો તો જેટલા નક્ષત્રો તમને જોવા મળે છે એ ૨૭ નક્ષત્રો એટલે પ્રજાપતિ દક્ષની દીકરીઓ. આ દીકરીઓને એક બીજા પ્રત્યે ખુબ લાગણી હતી અને એક બીજાથી જુદી થવા ન’તી માંગતી. આથી તેઓએ વિચાર્યું કે આ વાત તેમના પિતા દક્ષ સમક્ષ રજુ કરે. જ્યારે આ વાત પ્રજાપતિ દક્ષે સાંભળી ત્યારે તેમના મનમાં પ્રશ્ન ઉભો થયો કે એવા કયા દેવ સાથે મારી દીકરીઓના લગન કારું જે અતિ સુંદર હોય અને મારી દીકરીઓને ક્યારે દુખી ના કરે. ત્યારે એમને સોમદેવ ખ્યાલ આવ્યો. સોમદેવ એટલે કે ચંદ્રદેવના અતીલોભાયમાં રૂપ વિશેની આખા દેવલોકને જાણ હતી. આથી ઓરજપ્તી દક્ષે પોતાની ૨૭ પુત્રીઓ લગ્ન ચંદ્રદેવ સાથે કરાવી દીધા. પરંતુ થયું એવું કે ચંદ્રદેવને આ ૨૭ પત્નીઓમાંથી એક જ પત્ની રોહિણી પર અતિશય પ્રેમ રહેતો અને પોતાની અન્ય કોઈ પત્ની તરફ નજર સુદ્ધા ન’તી જતી. બીજી બાજુ ચંદ્રદેવને એ વાત અંદાજો સુદ્ધા ના આવ્યો કે અજાણતામાં પણ મોટી ભૂલ કરી રહ્યા હતા. આથી આ ૨૬ પત્નીઓને લાગ્યું કે તેમની સાથે અન્યાય થઇ રહ્યો છે. પોતાને પ્રેમ ના મળતા તેમને ખુબ ઈર્ષા થઇ આવી અને તેમણે આ વાત તેમના પિતા પ્રજાપતિ દક્ષને કહી દીધી. આ સાંભળી પ્રજાપતિ દક્ષે પોતાના જમાઈ સોમદેવને કહ્યું કે તે તેની દીકરીઓ સાથે યોગ્ય વ્યવહાર કરે. દિવસો વિતતા ગયા પણ છતાંય સોમદેવના વર્તનમાં કોઈ ફેર ન’તો પડી રહ્યો. છેવટે વારંવાર ફરિયાદોથી ગુસ્સે ભારાયેલ્યા દક્ષ રાજાએ ચંદ્રદેવને શ્રાપ આપતા કહ્યું કે, “જા તારો ક્ષય થશે.”

શું હતો શ્રાપ?

શિવપુરાણમાં કરેલ ઉલ્લેખ અનુસાર ચંદ્રદેવને ક્ષયરોગ થવાથી રાત્રીના સમયે સૃષ્ટિ પર ઘોર અંધકાર છવાઈ ગયો. સાથે દક્ષના શ્રાપથી વિશ્વની બધી ઔષધી વનસ્પતિ નિસ્તેજ થવા લાગી. આ મુસીબતમાંથી બહાર નીકળવા ચંદ્રમા અને દેવતાઓએ બ્રહ્માજીનું શરણું લીધું. ત્યારે બ્રહ્માજીએ તેમને ‘પ્રભાસ’ ક્ષેત્રમાં જઈ દેવાધિદેવનું વિધિવત્ અનુષ્ઠાન કરવાની સલાહ આપી. કહે છે કે બ્રહ્માજીની આજ્ઞાથી ચંદ્રમાએ સતત 6 મહિના સુધી પ્રભાસની ભૂમિ પર તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા. એક વાયકા અનુસાર એમ પણ કહેવામાં આવે છે કે તમામ દેવતાઓએ મુસીબત પડતા પ્રજાપતિ દક્ષને, ત્રિલોક પર આ શ્રાપના કારણે શું આફત આવી રહી છે એ વાત ચીંધી હતી અને ત્યારે દક્ષે પ્રભાસક્ષેત્રનો માર્ગ બતાવી શિવજીની આરાધના વિષે જણાવ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે અંશતઃ શ્રાપથી મુક્તિ મળશે. ચંદ્રાએ પ્રભાસક્ષત્ર પર જ્યારે શિવજીને પ્રસન્ન કરી લીધા ત્યારે સાક્ષાત ભોળા સીવે દેખા દીધા અને ચંદ્રદેવે શ્રાપથી મુક્તિ મેળવવાની ઈચ્છા જાહેર કરી. શિવજીએ ચંદ્રદેવના શ્રાપને હળવો કરતા કહ્યું કે, “હે ચંદ્રદેવ ! તમારું પૂર્ણપણે શ્રાપમુક્ત થવું શક્ય નથી. પરંતુ, હું શ્રાપને હળવો કરી શકું છું. આજથી તમારી કલા એક પક્ષમાં પ્રતિદિન ક્ષિણ થશે, તો બીજા પક્ષમાં પછી ફરી નિરંતર વધતી રહેશે.” આનો અર્થ કંઇક આવો થાય છે કે 15 દિવસ ક્ષય અને 15 દિવસ વૃદ્ધિની અવસ્થા રહેશે. 

આ રીતે સોમનાથ નામ પડ્યું 

કહે છે કે મહાદેવની કૃપાથી સર્વ દેવતાઓએ તેમનો જયકાર કર્યો, અને પછી મહાદેવને પ્રભાસમાં જ બિરાજમાન થવાની પ્રાર્થના કરી. સર્વની પ્રાર્થનાને વશ થઈ ભક્તવત્સલ મહાદેવ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રભાસમાં બિરાજમાન થયા. અને ત્યાર બાદ નામ પડ્યું સોમનાથ. એટલે કે ચંદ્રના નાથ.

સોમનાથ મંદિરનો ઈતિહાસ 

શાસ્ત્રોમાં એવું જાણવા મળી રહે છે કે સોમનાથ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યાર બાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું. રાવણ બાદ ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યાર બાદ ભીમદેવે પથ્થરથી એનું નિર્માણ કરાવ્યું હતું. સોમનાથ મંદિર પર વેદકાળથી લઈને ૨૦મી સદી સુધીમાં એકંદરે ૧૦ વખત આક્રમણો અને 15 વખત જીર્ણોદ્ધાર થયા હતા. ત્યાર બાદ ૧૯૫૧ના સરદાર પટેલના દ્રઢ સંકલ્પના લીધે સોમનાથ મંદિરને ફરી ઉભું કરવાનું શક્ય બન્યું હતું જોકે લોખંડી પુરુષ સરદાર પટેલે જ્યારે મંદિરને ઉભું કરવાનું કાર્ય હાથ ધાર્યું હતું એ દરમ્યાન જ તેમનું અવસાન પણ થયું હતું. હાલ મંદિરનું તંત્ર તથા ગુજરાત સરકાર મંદિરને સાચવવાનું કામ સુપેરે કરી રહ્યા છે. 

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles