શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, શિવલિંગ પર જળ ચઢાવવાથી વ્યક્તિ પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. સાથે જ જ્યોતિર્લિંગની પૂજા કરવાથી સાધકને શુભ ફળ મળી શકે છે. ઘણા લોકો જ્યોતિર્લિંગ અને શિવલિંગને એક જ માને છે, પરંતુ તેમની વચ્ચે ઘણો તફાવત છે.
જ્યોતિર્લિંગનો અર્થ : સમગ્ર દેશમાં મુખ્યત્વે 12 જ્યોતિર્લિંગની સ્થાપના છે. શિવપુરાણ અનુસાર જ્યાં પણ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે, ત્યાં ભગવાન શિવ સ્વયં એક પ્રકાશના રૂપમાં જન્મ્યા હતા. આમ જ્યોતિર્લિંગ એ ભગવાન શિવનું સ્વરૂપ છે જે ‘સ્વયંભુ’ છે એટલે કે તે પોતાની મેળે જ પ્રગટ થયા છે.
આ 12 જ્યોતિર્લિંગ 12 રાશિઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી આ 12 જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરે છે તે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરનાર બની શકે છે. 12 જ્યોતિર્લિંગ આ પ્રમાણે છે.
- સોમનાથ જ્યોતિર્લિંગ – ગુજરાત,
- મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ – આંધ્ર પ્રદેશ,
- મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ – મધ્ય પ્રદેશ,
- ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ – મધ્ય પ્રદેશ,
- કેદારનાથ જ્યોતિર્લિંગ – ઉત્તરાખંડ,
- ભીમાશંકર જ્યોતિર્લિંગ – મહારાષ્ટ્ર,
- કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ – ઉત્તર પ્રદેશ,
- ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ – મહારાષ્ટ્ર,
- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ – ઝારખંડ,
- નાગેશ્વર જ્યોતિર્લિંગ – ગુજરાત,
- રામેશ્વરમ જ્યોતિર્લિંગ – તમિલનાડુ,
- ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ – મહારાષ્ટ્ર.
શિવલિંગનો અર્થ : શિવલિંગનો અર્થ શાસ્ત્રોમાં આ રીતે વર્ણવવામાં આવ્યો છે – અનંત એટલે કે જેનો ન તો કોઈ આરંભ છે અને ન તો કોઈ અંત. શિવલિંગ એ ભગવાન શિવ અને માતા પાર્વતીનું શાશ્વત એક આદિ-અનાદિ સ્વરૂપ માનવામાં આવે છે. તેમજ ‘લિંગ’ નો અર્થ પ્રતીક છે. શિવલિંગનો ઉપરનો ભાગ શિવજીનું પ્રતિક માનવામાં આવે છે અને નીચેના ભાગને માતા પાર્વતીનું પ્રતિક માનવામાં આવે છે. શિવલિંગ ભગવાન શિવના પ્રતીક તરીકે મનુષ્યો દ્વારા બનાવવામાં આવે છે અને પૂજા માટે મંદિરોમાં સ્થાપિત થાય છે.
શિવલિંગની પૂજા કરવા માટે કોઈ પૂજારી કે બ્રાહ્મણ દેવની જરુર પડતી નથી. કોઈ પણ સામાન્ય મનુષ્ય શિવલિંગની પૂજા કરી શકે છે. કેમ કે ભગવાન શિવ કોઈ નિયમમાં બંધાયેલા નથી. શિવ બધાના છે. શિવલિંગ માનવ દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. જ્યોર્તિંલિંગ ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. જ્યોર્તિંલિંગનો અર્થ થાય છે કે જ્યોતિ સ્વરુપે ભગવાનનું પ્રગટ થવું. એટલે કે જ્યાં-જ્યાં શિવજી જ્યોતિ સ્વરુપે પ્રગટ થયા છે, તે સ્થાન જ્યોતિર્લિંગ સ્વરુપ પૂજવામાં આવે છે.
એવા ઘણા શિવલિંગ છે જેને ‘સ્વયંભુ’ માનવામાં આવે છે. કેટલાક ભક્તો પોતાના ઘરના મંદિરમાં શિવલિંગનું નાનું સ્વરુપ પણ રાખે છે અને તેની નિયમિત પૂજા કરે છે. શિવલિંગની પૂજા દરમિયાન ભગવાન શિવને દૂધ, દહીં, ફૂલ અને ફળ વગેરે પણ અર્પણ કરવામાં આવે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)