આંબળાને અમૃત ફળના નામે પણ ઓળખવામાં આવે છે. આંબળા સ્વાદમાં ખાટા હોવાની સાથે સાથે ખૂબ ગુણકારી છે. આંબળામાં ઘણા પ્રકારના વિટામિન અને પોષક તત્વો હોય છે. નિષ્ણાંતોનું માનવું છે કે, આંબળાનું નિયમિત સેવન કરવાથી તમે ઘણી બિમારીઓથી છુટકારો મેળવી શકો છો.
આંબળામાં વિટામિન બી2, વિટામિન બી6, વિટામિન સી, ઓમેગા 3 ફેટી એસિડ, આયર્ન, કેલ્શિયમ, મેગનીઝ અને મેગ્નેશિયમ વિપુલ પ્રમાણમાં હોય છે. જેથી તેને અમૃત ફળ કહેવામાં આવે છે.
આંબળામાં ફાઇબર પ્રચુર માત્રામાં હોય છે. તેના કારણે તે પાચન તંત્રને મજબૂત બનાવે છે. એટલું જ નહીં આંબળા શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. જેના કારણે ત્વચામાં નિખાર આવે છે.
હાડકા અને આંખો માટે આંબળા ખૂબ જ ફાયદાકારક હોય છે. આંબળામાં રહેલા આયરન મહિલાઓમાં લોહીની ઉણપને દૂર કરે છે. આંબલામાં રહેલા વિટામિન સી દાંત અને પેઢાને મજબૂત કરે છે.
આંબળા પાચનને સુધારવા અને એસિડિટીમાં રાહત આપવામાં મદદ કરે છે. તે ડાયાબિટિસના દર્દીઓ માટે પણ ઉપયોગી છે, કેમ કે તે લોહીમાં સુગરના લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે સિવાય, તે વધતી ઉંમર અને વાળને સફેદ થતા રોકવામાં મદદ કરે છે. આંબળાનું સેવન અલગ અલગ રીતે કરી શકાય છે.
આંબળાનો મુરોબ્બો, અથાણુ, ચટણી બનાવીને અથવા તો તેના સુકવીને તેનો પાઉડર બનાવીને પણ સેવન કરી શકાય છે. આંબળાનો પાવડર રોજ એક ચમચી સવારે નવશેકા પાણી સાથે લેવાથી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય રોજ એકથી બે કાચા આંબળાનું પણ સેવન કરવું જોઈએ.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)