સનાતન ધર્મમાં એકાદશી તિથિને વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર મહિને કૃષ્ણ અને શુક્લ પક્ષની દસમી તિથિના બીજા દિવસે એકાદશી ઉજવવામાં આવે છે. પંચાંગ અનુસાર, આ વર્ષે શ્રવાણ માસના કૃષ્ણ પક્ષમાં પડવા વાળી કામિકા એકાદશી 31 જુલાઈ એટલે આજે છે. આ શુભ તિથિ પર ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવા આવે છે. સાથે જ જીવનમાં સફળતા પ્રાપ્તિ માટે વ્રત પણ રાખવામાં આવે છે. માન્યતા છે કે એવું કરવાથી સાધકને દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય છે. સાથે જ દરેક મનોકામના પણ પુરી થાય છે.
પૂજા-વિધિ
કામિકા એકાદશીના દિવસે વહેલી સવારે ભગવાન કૃષ્ણની પૂજા કરો. પીળા ફૂલ, પંચામૃત અને તુલસી દળ અર્પણ કરો. ફળો પણ અર્પણ કરી શકાય છે. ભગવાન કૃષ્ણનું ધ્યાન કરો. તેમના મંત્રોનો જાપ કરો. ભગવાન શિવને જળ અર્પણ કરો. ત્યારબાદ સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. સંપૂર્ણપણે પાણીયુક્ત આહાર લો અથવા ફળો ખાઓ. જો ખોરાક લેવો જ હોય તો સાત્વિક ખોરાક જ ખાવો. તમારું મન ભગવાન પર કેન્દ્રિત કરો. ગુસ્સો ન કરો.
કામિકા એકાદશી વ્રત કથા
દંતકથા અનુસાર, પ્રાચીન સમયમાં એક ગામમાં એક પહેલવાન રહેતો હતો. તે દિલથી ખૂબ જ સારો વ્યક્તિ હતો, પરંતુ તેનો સ્વભાવ ખૂબ જ ક્રોધી હતો. તેથી જ તેનો ઘણી વખત લોકો સાથે ઝઘડો થઇ જતો હતો. એકવાર તેની એક બ્રાહ્મણ સાથે લડાઈ થઈ. તે એટલો ગુસ્સે થયો કે તેણે બ્રાહ્મણને મારી નાખ્યો, જેના કારણે પહેલવાન પર બ્રાહ્મણની હત્યાનો આરોપ લાગ્યો. આ અપરાધથી બચવા અને પસ્તાવા માટે, તે તેના અંતિમ સંસ્કારમાં સામેલ થયો, પરંતુ પંડિતોએ પહેલવાનને ત્યાંથી ભગાવી દીધો.
આ પછી, પંડિતોએ પહેલવાનને બ્રાહ્મણની હત્યાનો દોષી માનીને તેનો સામાજિક બહિષ્કાર કર્યો. વળી, બ્રાહ્મણોએ પહેલવાનના ઘરમાં તમામ પ્રકારના ધાર્મિક કાર્યો કરવાની ના પાડી દીધી.
આ પછી, પહેલવાન ખૂબ જ પરેશાન થઈ ગયો અને તેણે એક ઋષિને પૂછ્યું કે તે બ્રાહ્મણની હત્યાના દોષમાંથી કેવી રીતે મુક્ત થઈ શકે? આવી સ્થિતિમાં, ઋષિએ કામિકા એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપી હતી જે શ્રાવણ મહિનામાં આવે છે. પહેલવાનએ વિધિ પ્રમાણે કામિકા એકાદશીનું વ્રત કર્યું.
આ પછી, એક વાર પહેલવાન રાત્રે નજીકમાં શ્રી હરિની મૂર્તિ પાસે સૂતો હતો. તેને ઊંઘમાં ભગવાન વિષ્ણુના દર્શન થયા અને સ્વપ્નમાં જોયું કે ભગવાને તેને એક બ્રાહ્મણની હત્યાના ગુનામાંથી મુક્ત કર્યો છે. ત્યારથી કામિકા એકાદશીના વ્રતની શરૂઆત થઇ.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)