રુદ્રાક્ષ પ્રત્યેનો ભાવ એટલે ભક્તો તેને સ્વયં શિવરૂપ કે પ્રસાદ તરીકે માને છે, વિદ્વાનો પાસેથી રુદ્રાક્ષ વિષે ઘણું જાણવા મળે છે, રુદ્રાક્ષ ભગવાન શંકરનું પ્રિય આભૂષણ પણ માનવામાં આવે છે તેને કારણે સાધુ, સંત અને ભક્તો રુદ્રાક્ષને શ્રદ્ધા થી ધારણ કરતા હોય છે.
રુદ્રાક્ષની ઉત્પત્તિ વિષે ધાર્મિક ગ્રંથો ઉપરાંત વિદ્વાનો પાસેથી જાણવા મળે છે કે એક શક્તિશાળી અસુરના ત્રાસ દેવલોક, પૃથ્વીલોક, પાતાળલોકમાં ખૂબ વધેલો અને તેને તપોબળથી વરદાન રૂપી વિવિધ અસ્ત્ર, વિદ્યા, બળ પ્રાપ્ત કરેલા અને આ દૈત્યથી મુક્તિ મેળવવા દેવો દ્વારા પ્રાથના સાંભળી ભગવાન ભોલેનાથ અઘોર શસ્ત્ર, સ્વરૂપ ધારણ કરી દૈત્ય સાથે યુદ્ધ કરે છે યુદ્ધ પણ વિકટ બને છે અને અંતે દૈત્યનો વધ થાય છે આ સમયગાળામાં ભોલેનાથ ખૂબ થાકેલ અને તેમના નેત્રોમાંથી બુંદ ( અશ્રુ ), નીચી જમીન પર પડ્યા અને તેમાંથી એક વૃક્ષ ઉત્પન્ન થયું અને તેના ફળ તરીકે રુદ્રાક્ષ તરીકે ઓળખાય છે ક્યાંક અન્ય ધાર્મિક કથા પણ વિદ્વાનો પાસેથી જાણવા મળતી હોય છે.
ધાર્મિક ભાવથી રુદ્રાક્ષ ધારણ કરવાથી ભક્ત શિવને પ્રિય બને છે, તેનું કલ્યાણ થાય છે, મુક્તિ, મોક્ષની પ્રાપ્તિ થાય છે, રુદ્રાક્ષની માળા ગળામાં પહેરવાથી શિવ, વિષ્ણુ, દેવી, સૂર્ય, ગણેશ તેમજ બધા દેવ ગણ પ્રસન્ન થાય છે. રુદ્રાક્ષની માળા વડે મંત્ર જાપ કરવાથી તેનું ફળ પણ અનેક ગણું મળે છે તેમજ વિદ્વાનો કહે છે કે રુદ્રાક્ષની માળા વડે મહામૃત્યુંજય મંત્ર જપવાથી કોઈપણ શારીરિક, માનસિક, આર્થિક આપદા દૂર થાય છે જો શિવનો અઘોર મંત્ર જપવાથી અચાનક આવેલ મોટું સંકટ જલ્દીથી દૂર થાય છે તેમજ શિવ પંચાક્ષરી મંત્ર જપવાથી શિવ નું સાનિધ્ય અને રુદ્રલોક પ્રાપ્ત થાય છે.
રુદ્રાક્ષ વિવિધ રૂપમાં વૃક્ષ દ્વારા પ્રાપ્ત થાય છે જે એક મુખીથી ચૌદ મુખી તેમજ ગૌરી શંકર રુદ્રાક્ષ કે જે વૃક્ષ પરથી જ કુદરતી રીતે બે સંયુક્ત રૂપી હોય છે. ગણેશ રુદ્રાક્ષની પણ વાત જાણવા મળે છે. સામાન્ય રીતે પાંચ મુખી રુદ્રાક્ષ સરળતાથી ઉપલબ્ધ થતા હોય છે.
દરેક રુદ્રાક્ષના દેવતા હોય છે અને તેના મંત્ર પણ હોય છે જે વિવિધ હેતુ માટે ઉપયોગમાં લેવાતા હોય છે, જેમ કે ગૌરીશંકર રુદ્રાક્ષ જે લોક ને દામ્પત્ય જીવનમાં અસંતોષ હોય કે વિવાહ થવામાં અવરોધ હોય તે લોકો ધારણ કરતા હોય છે.
ક્યારેક ગ્રહ સંબંધિત પણ ધારણ કરવાની શ્રદ્ધા હોય છે જેમકે જેમને શનિ ની પ્રતિકૂળતા, દશા, પનોતી હોય તેવા લોકો સાત મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે, તો જેમને રાહુની પ્રતિકૂળતા હોય તેઓ આઠ મુખી રુદ્રાક્ષ ધારણ કરતા હોય છે.
જેઓનો ચંદ્ર નબળો હોય કે કુંડળીમાં વિષયોગ, કેમદ્રુમ યોગ, ગ્રહણયોગ હોય તો બે મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે અથવા કોઈ વિશેષ હેતુ જેમકે જેઓનો આત્મવિશ્વાસ ઓછો હોય, રાજકીય કામ કે સરકારી કામ માં સફળતા મેળવવા ઇચ્છતા હોય તો તેઓ એક મુખી રુદ્રાક્ષ ધારણ કરતા હોય છે.
વિવિધ સ્વરૂપમાં મળતા રુદ્રાક્ષનો ઉપયોગ પણ તેને અનુરૂપ થતો જોવા મળે છે તે હેતુ વધુ જાણકારી કોઈ વિદ્વાન પાસેથી મેળવી શકાય.રુદ્રાક્ષ એ ભગવાન ભોલેનાથ દ્વારા ભક્તો માટેના કલ્યાણ હેતુ એક વરદાનરૂપી ફળ છે જે શ્રદ્ધા અને માર્ગદર્શન વડે ઉપયોગ કરી જીવનને કલ્યાણકારી અને સદગતિ તરફ લઈ જઈ શકાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)