આજે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન ઉજવવામાં આવી રહ્યો છે. ભાઇ-બહેનના આ પવિત્ર તહેવારનું હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ સમજાવવામાં આવ્યું છે. આ દિવસે બહેન તેના ભાઇની રક્ષા માટે તેના હાથમાં રાખડી સ્વરૂપે રક્ષા કવચ બાંધે છે. ત્યારે આ વર્ષે 19 ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનના તહેવારની ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ દિવસે શિવવાસ યોગ પણ બની રહ્યો છે.
18 ઓગસ્ટની રાત્રે 2.21 મિનિટથી શ્રાવણ મહિનીના પૂર્ણિમા તિથિનો આરંભ થઇને 19 ઓગસ્ટની રાત્રે 12.28 મિનિટ સુધી રહેશે. પરંતુ તેની સાથે ભદ્રા હોવાથી રક્ષાબંધનનો તહેવાર ભદ્રામાં ઉજવવામાં નહીં આવે. ભદ્રા બપોરે 1.25 મિનિટ સુધી રહેશે. બપોરે 1.25 મિનિટથી સૂર્યાસ્ત સુધી રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે. રક્ષાબંધનનો તહેવાર સૂર્યાસ્ત બાદ પણ મનાવી શકાય છે, પરંતુ તેની પહેલા સુધી રક્ષાબંધન માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે.
કઇ રીતે થઇ રક્ષાબંધનના પર્વની શરૂઆત?
રક્ષાબંધનને લઇને ઘણી કહાનીઓ પ્રચલિત છે. ધાર્મિક માન્યતા અનુસાર, માનવામાં આવે છે કે રક્ષાબંધનની શરૂઆત કૃષ્ણ અને દ્રૌપદી દ્વારા થઇ છે. કૃષ્ણ ભગવાને દુષ્ટ રાજા શિશુપાલનો વધ કર્યો હતો. યુદ્ધ દરમિયાન કૃષ્ણના જમણા હાથની આંગળીમાંથી લોહી વહેવા લાગ્યું હતું. જેને જોઇને દ્રૌપદી ખૂબ જ વિચલિત થઇ ગઇ અને પોતાના સાડીનો ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધ્યો હતો, જેથી લોહી વહેતું બંધ થઇ ગયું. ત્યારથી કૃષ્ણએ દ્રોપદીને તેની બહેન તરીકે સ્વીકારી લીધી હતી. વર્ષો બાદ જ્યારે પાંડવો દ્રૌપદીને જુગારમાં હારી ગયા હતા અને ભરી સભામાં તેણીનું ચીરહરણ કૌરવો દ્વારા કરવામાં આવી રહ્યું હતું. ત્યારે કૃષ્ણએ જ દ્રૌપદીની લાજ બચાવી હતી.
ઐતિહાસિક માન્યતા અનુસાર, રક્ષાબંધનની શરૂઆત રાણી કર્ણાવતી અને સમ્રાટ હુમાયું વચ્ચે થઇ હતી. મધ્યકાલીન યુગમાં રાજપૂત અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. રાણી કર્ણાવતી ચિતૌડના રાજાની વિધવા હતી. આ દરમિયાન ગુજરાતના સુલ્તાન બહાદુર શાહથી પોતાની અને પોતાની પ્રજાની સુરક્ષાનો કોઇ રસ્તો ન સૂજતા રાણીએ હુમાયુને રાખડી મોકલી હતી. ત્યારે હુમાયુએ તેની રક્ષા કરીને તેને બહેનનો દરજ્જો આપ્યો હતો.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)