ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસના 15 દિવસ બાદ જ દેવી રાધાનો જન્મદિવસ ઉજવવામાં આવે છે, જેને રાધા અષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. દેવી રાધાનો જન્મ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની આઠમના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી રાધાના ભક્તો વ્રત રાખે છે અને ઘરે તેમજ મંદિરે શ્રીકૃષ્ણ અને રાધાજીની પૂજા-અર્ચના કરે છે. આ વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ રાધા અષ્ટમી ઉજવવામાં આવશે.
રાધાજીની જન્મ કથા શ્રીકૃષ્ણ સાથે તેમની પ્રેમ કહાની જેવી જ રોચક છે. ત્યારે અહીં રાધા અષ્ટમીની પૌરાણિક કથા અંગે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે.
રાધા અષ્ટમી સાથે જોડાયેલી પૌરાણિક કથા
હિંદુ પુરાણોમાં વર્ણવેલ કથા અનુસાર, એક દિવસ દેવી રાધા સ્વર્ગલોકથી ક્યાંક બહાર જતા રહ્યા હતા. આ જાણીને ભગવાન શ્રીકૃષ્ણ વિરજા નામની સખી સાથે ઉદ્યાનમાં ફરવા લાગ્યા. થોડા સમય બાદ જ્યારે દેવી રાધા સ્વર્ગમાં પરત ફર્યા, ત્યારે શ્રીકૃષ્ણને વિરજા સાથે જોઈને ગુસ્સે થઈ ગયા અને તેમણે વિરજાને અપમાનિત કરી દીધી. ત્યારબાદ વિરજા નદીના રૂપમાં વહેવા લાગી. શ્રીકૃષ્ણના મિત્ર સુદામાને દેવી રાધાનું આ વર્તન યોગ્ય ન લાગતા તેઓ દેવી રાધાને બોલવા લાગ્યા.
રાધાને મળ્યો શ્રાપ
સુદામાની વાતો સાંભળીને રાધાને ગુસ્સો આવતાં તેમણે સુદામાને દાનવ યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપી દીધો. જેથી સુદામાએ પણ દેવી રાધાને માનવ યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો. શિવપુરાણની કથા અનુસાર, રાધાના શ્રાપને કારણે સુદામાનો જન્મ શંખચૂડ દાનવ તરીકે થયો હતો, જેનો વધ ભગવાન શિવના હાથે થયો હતો.
તો બીજી તરફ રાધાને માનવ યોનિમાં પૃથ્વી પર જન્મ લઈને ભગવાન શ્રી કૃષ્ણનો વિયોગ સહન કરવો પડ્યો હતો. જ્યારે કેટલીક પૌરાણિક કથામાં જણાવાયું છે કે, જ્યારે શ્રી વિષ્ણુએ દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણના રૂપમાં અવતાર લીધો તો તેમની પત્ની એટલે કે માતા લક્ષ્મી જ દેવી રાધાના રૂપમાં પૃથ્વી પર આવી હતી.
રાધા અષ્ટમીના વ્રતનું મહત્વ
હિન્દૂ ધર્મમાં રાધા અષ્ટમીના વ્રતનું ઘણું મહત્વ છે. આ દિવસે ભક્તો દેવી રાધાના નામનું વ્રત રાખે છે અને ધૂમધામથી શ્રીકૃષ્ણ અને રાધાની પૂજા કરે છે. શાસ્ત્રોનું માનીએ તો આ દિવસે જે ભક્તો સાચી શ્રદ્ધાથી આ દિવસે દેવી રાધા માટે વ્રત રાખે છે તેમના જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાઓ નથી આવતી. માનવામાં આવે છે કે, આ દિવસે દેવી રાધા તેમના ભક્તોની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ધર્મ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો તમારે શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવી છે તો દેવી રાધાના નામનો જાપ કરવો જોઈએ. તેના વગર તમે ભવસાગરને પાર નથી કરી શકતા.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)