વૈજ્ઞાનિક દૃષ્ટિએ ધાન્ય પાકો શરીરની તંદુરસ્તી જાળવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેનાથી શરીરને વિવિધ પ્રમાણમાં પોષક તત્ત્વો મળી રહે છે. અહીં સ્વાસ્થ્ય માટે લાભદાયી એવા રાગી, કાંગ અને સામો વિશે માહિતી આપવામાં આવી છે.
રાગીની ખેતી ભારતમાં અને આફ્રિકામાં કરવામાં આવે છે. એશિયાના ઘણા પ્રદેશમાં રાગી એ મુખ્ય અનાજ છે. ભારતમાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં બાવળા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે ભારતમાં રાગી, બાવો, રાજની, નાગલી તરીકે ઓળખાય છે. જુવાર, બાજરી, મોરેયો પછી રાગી એ વિશ્વનું સૌથી નોંધપાત્ર ધાન્ય ગણવામાં આવે છે.
રાગીમાં સૌથી વધુ કાર્બોહાઇડ્રેટ હોય છે. કાર્બોહાઇડ્રેટમાં મુખ્યત્વે ધીમે ધીમે સુપર, સ્ટાર્ચ, ડાયટરી ફાઇબર અને રેઝિસ્ટન્ટ સ્ટાર્ચનો સમાવેશ થાય છે. તેથી અન્ય સામાન્ય અનાજની સરખામણીમાં ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી છે. રાગી કોઈ પણ આડઅસર વિના વિવિધ પ્રકારના કેન્સરને મટાડવામાં કાર્યક્ષમ છે. રાગીમાં રહેલ ઘણા ઘટકો લોહીમાં રહેલ ચરબીનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે જેનાથી હૃદય રોગના હુમલાનું જોખમ ઘટે છે.
કાંગનું મૂળ ઉત્પાદન સ્થાન ચીન છે. એશિયા, આફ્રિકા, અમેરિકાના 23 જેટલા દેશોમાં તેની ખેતી કરવામાં આવે છે. ભારતમાં તેની ખેતી કર્ણાટક, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને તામિલનાડુમાં કરવામાં આવે છે. હાલમાં આપણે જે પક્ષીઓને ચણ તરીકે ખવડાવીએ છીએ તે જેના આછા પીળા કલરના દાણાને કાંગ અથવા તો ફોક્સ ટેલ મીલેટ કહેવામાં આવે છે.
કાંગનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. તેના સેવનથી લોહીમાં રહેલી શર્કરાનું પ્રમાણ ઝડપથી વધતું નથી, જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે ફાયદાકારક છે.
ભારતના પ્રાચીન સાહિત્યમાં સામાનો ઉલ્લેખ છે. તે ચીનમાં 2,000 કરતાંય વધુ વર્ષોથી ઉગાડવામાં આવે છે. સામો ચોથા નંબરનું સૌથી વધુ ઉત્પાદિત થતું નાનું ધાન્ય છે, જે સમગ્ર વિશ્વમાં ઘણા ગરીબ લોકોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડે છે. વૈશ્વિક સ્તરે ભારત સૌથી મોટો સામાનો ઉત્પાદન કરતો દેશ છે અને ભારતમાં તેની ખેતી તામિલનાડુ અને ઉત્તરાખંડમાં થાય છે.
સામો થાઈરોઈડ તથા સ્વાદુપિંડ માટે સારો ખોરાક છે. તેમાં પુષ્કળ માત્રામાં ફાઇબર હોવાથી ડાયાબિટીસ તથા કબજિયાતમાંથી છુટકારો આપવામાં મદદરૂપ થાય છે. તેમજ યકૃત, કિડની સહિત સફાઈ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ માટે ઉત્તમ છે. તે કમળાને ઓછો કરવામાં મદદ કરે છે તેમજ અંડાશય અને ગર્ભાશયના કેન્સરને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. આ ધાન્યથી બનેલ ભોજન નાના આંતરડામાં પડતા ચાંદા, ગાંઠો અને મોટા આંતરડા તથા યકૃત વગેરેના કેન્સરથી પણ બચાવે છે. સામો લીવરની સફાઈનું કામ કરે છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)