fbpx
Sunday, January 12, 2025

વધુ પડતા ગુસ્સાથી સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે જાણો

ગુસ્સો એ હસવા કે રડવા જેવી કુદરતી લાગણી છે પરંતુ કેટલીકવાર પરિસ્થિતિ એવી બની જાય છે કે વ્યક્તિ ગુસ્સામાં પોતાનો સ્વભાવ ગુમાવી બેસે છે, જેના કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે અથવા તો મોટું નુકસાન પણ થઈ શકે છે. કેટલાક લોકોને દરેક વાત પર ગુસ્સો આવે છે. તેને કાબૂમાં રાખવો ખૂબ જ જરૂરી છે. કારણકે વધુ પડતા ગુસ્સાથી સ્વાસ્થ્યને ઘણા નુકસાન થાય છે.

લાંબા સમય સુધી ગુસ્સે રહેવાથી અને મનમાં ગુસ્સાને દબાવી રાખવાથી પણ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થવાની સંભાવના વધી જાય છે. જો સ્વસ્થ રહેવું હોય તો ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે.

શરીરમાં હોર્મોન્સ મહત્વની ભૂમિકા ભજવે છે અને તે અલગ અલગ રીતે કામ કરે છે. જે રીતે ખુશીની પાછળ ચાર પ્રકારના હોર્મોન્સ હોય છે, તેવી જ રીતે ગુસ્સો આવવા પાછળ પણ હોર્મોન્સનો સ્ત્રાવ હોય છે પરંતુ ગુસ્સામાં જે હોર્મોન્સ વધી જાય છે તેનાથી તણાવ પણ વધે છે, જે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખરાબ છે. જાણો વધુ પડતા ગુસ્સાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે.

હૃદયને નુકસાન પહોંચાડે છે

જ્યારે કોઈ વ્યક્તિને ખૂબ જ ગુસ્સો આવે છે તો તેની ખરાબ અસર તેના હૃદય પર પડે છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવાયું છે કે ગુસ્સો, ઉદાસી, ચિંતા જેવી દૈનિક નકારાત્મક લાગણીઓ હૃદયની સમસ્યાઓમાં વધારો કરી શકે છે. જ્યારે વધુ પડતો ગુસ્સો આવે છે, ત્યારે એન્ડોથેલિયલ ફંક્શન પ્રભાવિત થાય છે, જેનાથી બ્લડ પ્રેશરમાં વધારો જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો એન્ડોથેલિયલ ડિસફંક્શન હોય, તો હૃદય રોગનું જોખમ વધી શકે છે.

મગજને પણ અસર થાય છે

ગુસ્સો આવવા પાછળનું કારણ મગજમાંથી નીકળતા હોર્મોન્સ છે. જે મગજના એમીગડાલામાં હોય છે (તે મગજના મધ્ય ભાગમાં હોય છે અને લાગણીઓ પર પ્રક્રિયા કરવાનું કામ કરે છે). આ સિવાય મગજની મધ્યમાં સ્થિત હાયપોથેલેમસમાંથી હોર્મોન્સ બહાર આવે છે અને જ્યારે એમીગડાલા હાયપોથેલેમસમાંથી નીકળતા હોર્મોન્સના સંપર્કમાં આવે છે ત્યારે લાગણીઓ ગુસ્સામાં ફેરવાઈ જાય છે. આ દરમિયાન હૃદયના ધબકારા વધવા લાગે છે અને બ્લડ પ્રેશર પણ વધે છે. સ્ટ્રેસ હોર્મોન્સ વધવાથી મગજના જ્ઞાનતંતુઓ પર દબાણ પણ વધે છે, જે મગજને નુકસાન પહોંચાડે છે.

પાચનક્રિયા પર પણ ખરાબ અસર

જ્યારે વધુ પડતો ગુસ્સો આવે છે ત્યારે કોર્ટિસોલનું સ્તર વધી જાય છે, જેના કારણે પાચનતંત્ર પણ પ્રભાવિત થાય છે અને એસિડ રિફ્લક્સ, કબજિયાત, અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આનાથી પાચન તંત્ર પર સોજો પણ વધી શકે છે. તણાવને કારણે પેટમાં દુખાવો, ભૂખ ન લાગવી વગેરે જેવી સમસ્યાઓ વારંવાર થાય છે અને શરીરમાં પોષક તત્વોની ઉણપ પણ થઈ શકે છે.

ગુસ્સાને કેવી રીતે શાંત કરવો

ગુસ્સાને શાંત કરવા માટે સૌ પ્રથમ તે સ્થાન અથવા વ્યક્તિથી દૂર જવું જોઈએ. જેના કારણે ગુસ્સે થઈ રહ્યા છો અને પછી ઊંડા શ્વાસ લો. હળવું સંગીત સાંભળો જે રિલેક્સ થવામાં મદદ કરે છે. જો વધુ પડતા ગુસ્સાની સમસ્યા હોય તો દરરોજ ધ્યાન, યોગ અને પ્રાણાયામ કરવાની ટેવ પાડો.

(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles