રૂપ ચતુર્દશીનો તહેવાર દિવાળીના તહેવારના એક દિવસ પહેલા આવે છે. આ વર્ષે તેની તારીખ દિવાળીના દિવસે જ આવી રહી છે. એટલે કે વર્ષ 2023માં દિવાળી અને રૂપ ચતુર્દશી એક જ દિવસે ઉજવવામાં આવી રહી છે. રૂપ ચતુર્દશીને નરક ચતુર્દશી અને કાળી ચૌદશ પણ કહેવામાં આવે છે.
આ દિવસે દેવી લક્ષ્મી, ધનના દેવતા કુબેર, મૃત્યુના દેવતા યમરાજ વગેરેની પૂજા કરવામાં આવે છે. આ દિવસે હળદરથી સ્નાન કરવાની પરંપરા છે. આ રીતે તેને વ્યક્તિની સુંદરતા વધારવાના તહેવાર તરીકે જોવામાં આવે છે. પરંતુ તેનું નામ નરક ચતુર્દશી કેમ અને કેવી રીતે પડ્યું તેની પાછળ એક સ્ટોરી છે.
શ્રી કૃષ્ણની સ્ટોરી : આ તહેવાર સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ છે, જેમાંથી સૌથી લોકપ્રિય વાર્તા ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંબંધિત છે. એવું કહેવાય છે કે આસો ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અત્યાચારી રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો અને સોળ હજાર એકસો કન્યાઓને તેની કેદમાંથી મુક્ત કરી હતી અને તેમને સન્માન આપ્યું હતું. આ કારણથી આ દિવસે દીવાઓની શોભાયાત્રા કાઢવામાં આવે છે.
રુપ નિખારવાની પરંપરા : નરકાસુરના વધ પછી બધા દેવતાઓ અને ઋષિઓ તેમજ લોકો ભયમુક્ત થઈ ગયા અને દરેકને નવું જીવન મળ્યું. આ પછી નવી ઓળખ પ્રાપ્ત કરીને પોતાને સુંદર બનાવવાની પરંપરા શરૂ થઈ. એવું કહેવાય છે કે જો મહિલાઓ આ દિવસે પોતાના શરીર પર સરસવનું તેલ લગાવે છે તો તેનાથી ભગવાન કૃષ્ણની પત્ની રૂકમણીના આશીર્વાદ મળે છે.
યમરાજ અને નરક સાથે સંબંધ : રૂપ ચતુર્દશી એટલે કે કાળી ચૌદશના દિવસે યમરાજની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર યમના નામનો દીવો પ્રગટાવવામાં આવે છે અને આમ કરવાથી પરિવારમાં અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. જે આ દિવસે વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરે છે તેને તમામ પ્રકારના પાપો અને નરકમાંથી મુક્તિ મળે છે.
ગુજરાતમાં કેવી રીતે ઉજવવામાં આવે છે? : ગુજરાતમાં ખાસ કરીને આ દિવસે વડા, ભજીયા, તળેલી ભાખરી અને ખીર બનાવવાનો રિવાજ છે. મોટાભાગે તળેલી વસ્તુઓ બનાવવામાં આવે છે. એવી પણ એક માન્યતા છે કે જેટલું તેલ બળે છે તેટલો ઘરનો કકળાટ ટળી જાય છે. આ તેલમાંથી બનાવેલી વાનગીઓ ગૃહિણી ચાર રસ્તા પર મુકી આવે છે અને એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરનો કકળાટ દૂર થાય છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)