દિવાળીના દિવસે દરેક હિંદુના ઘરે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. આપણે લક્ષ્મી માતાને આ પર્વ પર ખુશ કરીને પોતાનું ધનધાન્ય અને ભાગ્ય સુધારવાની પ્રાર્થના કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે દિવાળીના દિવસે ખસમીની સાથે તેમની બહેન અલક્ષ્મી પણ ઘરમાં ઘૂસવાની તકની રાહ જોતી હોય છે? પરંતુ કોઈ નથી ઇચ્છતું કે તેમના ઘરમાં અલક્ષ્મીના પગલાં પડે. દેવી લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મી હિન્દૂ પૌરાણિક કથાઓમાં દુર્ભાગ્ય અને અશુભ વાતો સાથે જોડાયેલી છે.
અલક્ષ્મીનો શાબ્દિક અર્થ છે, “લક્ષ્મી ન હોવી”, આ નામ તેમની નાની બહેન લક્ષ્મીના વિરુદ્ધ સ્વભાવને દર્શાવે છે, જે ધન અને સમૃદ્ધિનું પ્રતીક છે. અલક્ષ્મીનું વર્ણન પદ્મ પુરાણ અને શિવ પુરાણ સહિત ઘણા ગ્રંથોમાં મળી આવે છે.
અલક્ષ્મી કેવી રીતે પહેલા ધરતી પર આવી?
સમુદ્ર મંથન દરમિયાન લક્ષ્મી પહેલાં અલક્ષ્મીનું અવતરણ થયું. તેમને સામાન્ય રીતે મુર્ઝાયેલા શરીર, અંદર ઉતરેલા ગાલ, કાગળા અથવા ગધેડાની સવારી કરતા જોઈ શકાય છે. તે નુકશાન અને નકારાત્મકતા સાથે જોડાયેલું પ્રતીક છે.
લાલ આંખ અને વિખેરાયેલા વાળ
તેમના વાળ વિખરાયેલા કહેવાય છે અને આંખો લાલ હોય છે. તેઓ કાળા કપડાં પહેરે છે. તેઓ જ્યારે જમીન પર ચાલે છે, ત્યારે તેમની સવારી ગધેડું હોય છે અને હવામાં જાય છે ત્યારે કાગડાની સવારી હોય છે.
અલક્ષ્મીના આગમનથી શું થાય છે?
અલક્ષ્મી જીવનના નકારાત્મક પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે. કહેવાય છે કે તેઓ એવા વ્યક્તિઓ વચ્ચે રહે છે, જે અનૈતિક વ્યવહાર કરે છે, જેનાથી તેમના જીવનમાં ઈર્ષ્યા, દ્વેષ અને ગરીબી આવે છે. માનવામાં આવે છે કે જ્યારે તેઓ કોઈના ઘરે પ્રવેશે છે, ત્યારે તેનાથી સંઘર્ષ અને દુર્ભાગ્ય વધે છે. જેથી કોઈ નથી ઇચ્છતું કે અલક્ષ્મી તેમના ઘરે આવે. તેમને રાખવા માટે બધા જ પ્રયત્નો કરવામાં આવે છે.
અલક્ષ્મી માટે લટકાવવામાં આવે છે લીંબુ-મરચાં
લક્ષ્મી અને અલક્ષ્મી બંને બહેનો છે, જેમાં એક ભાગ્ય અને બીજી દુર્ભાગ્યનું પ્રતીક છે. બંને વચ્ચે હંમેશા ઝઘડો રહે છે. અલક્ષ્મીના પ્રભાવને દૂર કરવા માટે વિભિન્ન અનુષ્ઠાન કરવામાં આવે છે. લક્ષ્મી પૂજા દરમિયાન જ અલક્ષ્મીના નકારાત્મક પ્રભાવ દૂર કરવાની પૂજા અને અનુષ્ઠાન કરવામાં આવે છે. તમે ક્યારેય ઘર કે દુકાનોની બહાર લટકતા લીંબુ અને મરચાં જોયા હશે, તે અલક્ષ્મીને ઘરમાં પ્રવેશતી રોકવા માટે લગાવવામાં આવતા હોવાનું મનાય છે.
સમુદ્ર મંથનથી થયો અલક્ષ્મીનો ઉદય
સમુદ્ર મંથનમાં અલક્ષ્મી પહેલા પેદા થઈ હતી. તેઓ વિષ સાથે બહાર આવ્યા હતા. તેમને અશુદ્ધિઓથી બનેલા માનવામાં આવતા હતા. ત્યારબાદ મંથનમાંથી લક્ષ્મી અમૃત સાથે બહાર આવ્યા. લક્ષ્મી ભગવાન વિષ્ણુની પ્રથમ પત્ની છે. તેઓ તેમના કામમાં ખાસ ભૂમિકા ભજવે છે. તેઓ વૈકુંઠમાં તેમની સાથે રહે છે. તેમજ અલક્ષ્મીને ઋષિ ઉદ્યાલકની પત્ની માનવામાં આવે છે, પરંતુ તેઓ તેમની સાથે ન રહી શક્યા. બાદમાં ભગવાન વિષ્ણુએ તેમના રહેવાની જગ્યા શોધી અને તેમને નકારાત્મક સ્થળોએ રહેવા નક્કી કર્યું.
કેટલાક ગ્રંથો અનુસાર, અલક્ષ્મીનો જન્મ એક મહાન જળપ્રલય બાદ બચેલી માટીથી થયો હતો. જ્યારે બધા જ પ્રાણી ગાયબ થઈ ચૂક્યા હતા અને પાણીમાં માત્ર અશુદ્ધિઓ જ રહી હતી, ત્યારે આ માટી અલક્ષ્મીમાં બદલાઈ ગઈ હતી. તેમજ લક્ષ્મીને ભગવાન બ્રહ્માના ચહેરાની ચમકથી ઉભરેલી બતાવાઈ છે, તેઓ શુદ્ધતા અને શુભતાનું પ્રતીક બન્યા હતા.
અસંતોષવાળો છે તેમનો સ્વભાવ
જ્યારે અલક્ષ્મીના લગ્ન ઋષિ ઉદ્યાલક સાથે થયા તો તેમને આશ્રમનું શાંત વાતાવરણ ન ગમ્યું. તેમને લાગ્યું કે આ વાતાવરણ તેમના લાયક નથી. ગ્રંથોમાં કહેવાયું છે કે આશ્રમમાં પવિત્ર ભજન અને આધ્યાત્મિક અભ્યાસથી તેમને ગભરામણ થવા લાગી. જેથી તેઓ આશ્રમથી ભાગી ગયા. તેમનું કહેવું છે કે તેઓ માત્ર આધ્યાત્મિક રૂપ ખતમ થઈ ચૂક્યું હોય તેવા જ વાતાવરણમાં રહી શકે છે, કે જ્યાં સંઘર્ષ, બેઈમાની અને નકારાત્મકતા હોય.
ભગવાન વિષ્ણુએ નક્કી કરી તેમની રહેવાની જગ્યા
લક્ષ્મી પોતાની બહેનને લઈને ચિંતામાં હતી. પોતાની બહેનની પરેશાની જોઈને લક્ષ્મી ભગવાન વિષ્ણુ પાસે આવી. ત્યારે વિષ્ણુ તેમની જરૂરિયાતોને સરખી રીતે સમજવા માટે અલક્ષ્મી પાસે ગયા. વિષ્ણુએ કહ્યું કે તું મારી સાથે વૈકુંઠ ચાલ. ત્યારે અલક્ષ્મીએ ના પાડતા કહ્યું કે પવિત્રતા અને સદાચારથી તે દુઃખી થશે અને લક્ષ્મીની સમૃદ્ધિ જોઈને તે ઈર્ષ્યા કરતી રહેશે. ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને એવી જગ્યાએ રહેવાનું કહ્યું, જ્યાં ઝઘડા, છળ, જુગાર અને અન્યો પ્રતિ અનાદર વાળી સ્થિતિઓ હોય. જોકે, ભગવાન વિષ્ણુએ ત્યારે માન્યું કે દુનિયામાં અલક્ષ્મીનું રહેવું પણ જરૂરી છે, જેથી સારા અને નરસા વચ્ચે સંતુલન જળવાઈ રહે.
અલક્ષ્મીના અન્ય નામ
અલક્ષ્મીને જ્યેષ્ઠા દેવી પણ કહેવામાં આવે છે. અલક્ષ્મીને ક્યારેક કલહપ્રિયા અને દરિદ્રા જેવા નામોથી ઓળખવામાં આવે છે. તે દેવી નિરતિ સાથે પણ જોડાયેલી છે, જે પ્રાચીન ગ્રંથોમાં સમાન નકારાત્મક ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)