શિયાળાની શરૂઆત બસ થવા જ લાગી છે. સવારના સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. આ સમય દરમિયાન ડબલ ઋતુનો અનુભવ થાય છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી હોય છે અને દિવસ દરમિયાન ગરમી લાગે છે. આ સમય એવો હોય છે જ્યારે વાતાવરણમાં ફેરફાર થતો હોય અને મિશ્ર ઋતુ હોય. આ સમય દરમિયાન શરદી, ઉધરસ, તાવ જેવી બીમારીઓ પણ વધારે ફેલાય છે. ખાસ કરીને જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય તેમને ઇન્ફેક્શન વારંવાર થાય છે. જો તમારે આ શિયાળામાં વારંવાર બીમાર પડવું ન હોય તો ઠંડીની શરૂઆતથી જ ડાયટમાં કેટલાક આયુર્વેદિક ઉકાળાનો સમાવેશ કરવા લાગો. આ ઉકાળા ઔષધીય ગુણોથી ભરપૂર છે. આજે તમને ત્રણ આયુર્વેદિક ઉકાળા વિશે જણાવીએ જેનું સેવન કરવાથી તમે આખો શિયાળો માંદા નહીં પડે.
ગિલોય
ગિલોય ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ગીલોઈ નું સેવન કરવાથી ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. ખાસ કરીને વાયરલ ફીવર, તાવ, કફ, શરદી દૂર કરવામાં મદદ કરે છે. ઠંડીની શરૂઆતથી જ ગીલોયનો ઉકાળો પીવામાં આવે તો છાતીમાં કફ જામતો નથી. કફ જામી ગયું હોય તોપણ ગીલોઈ નો ઉકાળો પીવાથી દૂર થઈ જાય છે. ગિલોયમાં તુલસી, કાળા મરી, આદુ ઉમેરીને ઉકાળો બનાવી શકાય છે.
તુલસી
તુલસી આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે. બદલતા વાતાવરણમાં થતી બીમારી અને ઇન્ફેક્શનને દૂર કરવામાં તુલસી મદદ કરી શકે છે. તુલસીમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે. જે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે. શરદી, ઉધરસ અને તાવ દૂર કરવામાં પણ તુલસી મદદ કરે છે. તુલસીનો ઉકાળો પીવાથી પણ શિયાળામાં ફાયદો થાય છે.
આદુ
આદુનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. ખાસ કરીને ચામા આદુ ઉમેરવામાં આવે છે. આ સિવાય સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો આદુનો ઉકાળો બનાવીને પીવો. પાણીમાં આદુ ઉમેરી તેમાં કાળા મરીનો પાવડર ઉમેરી ઉકાળી લો. ગેસ બંધ કરી તેમાં થોડું મધ ઉમેરો. આ પાણીને હુંફાળું ગરમ હોય ત્યારે પી લેવું.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)