જો માનસિક સ્થિતિ સકારાત્મક હોય તો વ્યક્તિ ખુશ રહે છે અને જીવનમાં આવતા પડકારોનો સામનો પણ સારી રીતે કરી શકે છે. પરંતુ તેનાથી વિરુદ્ધ જો વિચાર શૈલી નકારાત્મક હોય અને વધારે પડતા વિચાર કરવાની આદત હોય તો નાનામાં નાની સમસ્યા પણ પર્વત જેટલી મોટી લાગે છે. અને વ્યક્તિ જીવનમાં ઝડપથી હાર માની લે છે. નકારાત્મક વિચારસરણી માનસિક શાંતિ પણ ખરાબ કરે છે. તેનાથી માનસિક જ નહીં શારીરિક સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. ઓવર થીંકીંગ અને નેગેટિવ થીંકીંગ ના કારણે ચિંતા, તણાવ અને ડિપ્રેશન પણ આવી શકે છે. આ સ્થિતિ સુધી ન પહોંચવું હોય તો વિચારોને સકારાત્મક દિશામાં વાળવા જોઈએ. નેગેટીવ વિચારોને સકારાત્મક બનાવવા હોય અને જીવનમાં ખુશ રહેવું હોય તો લાઈફ સ્ટાઈલમાં આ પાંચ આદતોને અપનાવો. આ પાંચ આદતો અપનાવી લેશો તો જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે.
વર્તમાન પર ધ્યાન આપો
નકારાત્મક વિચારો અને ઓવર થીંકીંગ ત્યારે આવી થઈ જાય છે જ્યારે તમે વર્તમાનને બદલે ભવિષ્યમાં શું થશે અને ભૂતકાળમાં શું થયું તેના વિશે સતત વિચારો. જે થયું તેને બદલી શકાતું નથી અને જે થવાનું છે તે કોઈના કંટ્રોલમાં નથી. વર્તમાનમાં છે તેનો આનંદ માણવાનું રાખો અને તેના પર ફોકસ કરો. આ સિવાય રોજ પાંચ થી દસ મિનિટ માટે શાંત જગ્યાએ બેસીને ઊંડા શ્વાસ લેવાનું રાખો.
આભાર માનો
આભાર માનવો એક શક્તિશાળી માનસિકતા છે. આ આદત નકારાત્મક વિચારોને જ સકારાત્મક બનાવી શકે છે. મોટાભાગના લોકો સતત એ વસ્તુઓ વિશે વિચારે છે જે તેના જીવનમાં નથી અને અફસોસ કરે છે. તેના બદલે એવી વસ્તુઓ પ્રત્યે આભારી રહેવું જોઈએ જે તમને મળી છે. જીવનના નકારાત્મક પક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે જે તમારી પાસે છે તેનો આભાર માની આનંદ માણવાનું રાખો. રોજ એવી પાંચ વસ્તુઓનું લિસ્ટ બનાવો જેના માટે તમે આભારી છો. આ પ્રેક્ટિસ કરશો એટલે માનસિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.
એક્સરસાઇઝ
શારીરિક વ્યાયામ પણ માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. કસરત કરવાથી શરીરમાં હેપી હોર્મોન્સ વધે છે. જેનાથી ચિંતા અને તણાવ ઘટે છે. નિયમિત હળવી કસરતો કરવાથી નેગેટિવ વિચારો ઘટી જાય છે. રોજ 30 મિનિટ માટે હળવી એક્સરસાઇઝ કરો.
સ્વસ્થ અને સંતુલિત આહાર
આપણે જે પણ આહાર લેતા હોય તેની અસર શરીર અને મન પર થાય છે. જો માનસિક સ્વાસ્થ્ય સુધારવું હોય તો આહારમાં પોષણથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો. તળેલું મસાલેદાર અને ફાસ્ટ ફૂડ માનસિક પ્રણાલી પર નકારાત્મક અસર કરે છે. તેથી આહારમાં લીલા શાકભાજી, આખા અનાજ, પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો.
સકારાત્મક સંવાદ
જો તમે સતત નકારાત્મક વાતો કરો છો તો માનસિક સ્થિતિ પણ નકારાત્મક બની જાય છે. ચકારાત્મક સંવાદ નો મતલબ છે કે તમે પોતાની સાથે પણ સારી અને પ્રેરણાદાયક વાતો કરો. જ્યારે પણ એવું લાગે કે નકારાત્મક વિચારો વધી રહ્યા છે તો તુરંત જ એલર્ટ થઈ જાવ. વિચારને બદલો અને તમારા જીવનમાં થયેલી સારી ઘટનાઓ વિશે વિચારવા લાગો.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)