એલોવેરા આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. આ સાથે જ સુંદરતા વધારવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. એલોવેરા ચહેરાની ચમક વધારવામાં, વાળને ખરતા અટકાવવામાં તેમજ વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. એલોવેરાનો એક આયુર્વેદિક ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.
એલોવેરા વજન ઘટાડવામાં ફાયદાકારક
એલોવીરા જયૂસ વજન ઘટાડવા માટે ફાયદાકારક છે, કારણ કે તેમાં પર્યાપ્ત માત્રામાં વિટામિન અને ફાઇબરના ગુણ જોવા મળે છે, જે વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે. એલોવેરામાં અનેક પોષક તત્ત્વો હોય છે, જેમાં ૭૫ એક્ટિવ વિટામિન્સ, મિનરલ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, એમિનો એસિડ વગેરેનો સમાવેશ થાય છે. દરરોજ એલોવેરા જ્યૂસનું સેવન કરવાથી વજન ઘટે છે. એલોવેરાના જ્યૂસનું સેવન કરવાથી મેટાબોલિઝમ ઉત્તેજિત થાય છે, જેનાથી ઝડપથી કેલેરી બર્ન થાય છે.
વાળ ખરતા અટકે છે
એલોવેરા વાળને ખરતા રોકવાનું કામ કરે છે. જો ખૂબ જ વાળ ખરતા હોય તો એલોવીરા લગાવવાનું શરૂ કરો, જેથી જલદીથી નવા વાળ આવે. એલોવીરા વાળમાં હાજર વધારાના તેલની અતિરિકત માત્રાને નિયંત્રિત કરે છે. વાળને મુલાયમ, ચમકદાર અને ડેન્ડ્રફ ફ્રી બનાવવામાં પણ મદદ કરે છે. એલોવીરા જેલ વાળને સફેદ થતા અટકાવે છે. એલોવીરા બ્લડ સર્ક્યુલેશન વધારવામાં મદદ કરે છે, પરિણામે વાળ ઝડપથી વધે છે.
એલોવેરાથી ત્વચામાં નિખાર આવે
એલોવેરા સ્કિનને મોઇસ્ચુરાઇઝ કરવાનું કામ કરે છે. તેનાથી ચહેરાના દાગ-ધબ્બા દૂર થાય છે. એલોવીરા જેલને રોજ ચહેરા પર ૨૦ મિનિટ સુધી લગાવીને તાજા પાણીથી ધોવો જોઇએ. તે ત્વચાને મુલાયમ કરવામાં મદદ કરે છે. મેકઅપ હટાવવા માટે એલોવીરા જેલનો ઉપયોગ કરવાથી ત્વચાને કોઇ નુકસાન થતું નથી. એલોવીરામાં એન્ટિ એજિંગ અને એન્ટિઓક્સિડેન્ટ હોય છે, જે ચહેરા પરની કરચલીઓને હટાવવામાં મદદ કરે છે. એલોવીરા જેલ ચહેરા પર રોજ લગાવવાથી તમારી ત્વચા જવાન અને ખૂબસૂરત બની રહેશે. સાકર, લીંબુ અને એલોવીરાનું સ્ક્રબ ચહેરા પર લગાવવાથી ડેડ સ્કીન દૂર થાય છે. પિંપલ્સ માટે પણ એલોવીરાનો ઉપયોગ કરવો લાભદાયક છે.
(નોધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ લો.)