સામાન્ય રીતે શિવાલયોમાં શ્રાવણ માસ, શિવરાત્રી કે સોમવાર જેવાં અવસરો પર શ્રદ્ધાળુઓની વિશેષ ભીડ રહેતી હોય છે. પણ, સુરતના ઉમરામાં આવેલ રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં પોષ વદ અગિયારસની તિથિએ, એટલે કે આજના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ સમયે ભક્તોના હાથમાં જળ ભરેલાં કળશ કે દૂધની પ્યાલીઓના બદલે જીવતા કરચલા હોય છે અને એ પણ દેવાધિદેવને સમર્પિત કરવા માટે !
આખરે, શું છે આ રહસ્યમય પ્રથા ? અને કેવી રીતે થયો તેનો પ્રારંભ ? આવો, તે વિશે વિગતે માહિતી મેળવીએ.
રામનાથ ઘેલાનો પ્રાગટ્ય દિવસ
સુરતનું રામનાથ ઘેલા મહાદેવ મંદિર એ ત્રેતાયુગીન સ્થાનક મનાય છે ! માન્યતા અનુસાર એ પોષ વદ અગિયારસનો જ દિવસ હતો કે જે દિવસે આ ધરા પર રામનાથ ઘેલા મહાદેવનું પ્રાગટ્ય થયું હતું. એટલે કે, ષટતિલા એકાદશી એ રામનાથ ઘેલા મહાદેવનો પ્રાગટ્ય દિવસ મનાય છે. આ પ્રાગટ્ય દિવસે, વર્ષમાં માત્ર આ એક જ દિવસે અહીં શિવજીને જીવતા કરચલા અર્પણ કરવામાં આવે છે !
પ્રભુ પર જીવતા કરચલા !
પોષ વદી એકાદશીએ મહાદેવને કરચલાનો અભિષેક કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામનાથ ઘેલા મંદિરે ઉમટી પડે છે. કોઈ શિવમંદિર બહાર શ્રદ્ધાળુઓ જેમ સહજ રીતે પુષ્પ કે બિલ્વપત્રની ખરીદી કરતાં હોય છે, તે જ રીતે આ રામનાથ ઘેલા મંદિર બહાર શ્રદ્ધાળુઓ જીવતા કરચલાની ખરીદી કરે છે ! ત્યારબાદ આસ્થા સાથે મંદિરમાં પ્રવેશ કરી ભાવિકો શિવલિંગ પર જીવિત કરચલા સમર્પિત કરી દે છે !
શું છે માન્યતા ?
રામનાથ ઘેલા મહાદેવના સ્થાનકે પોષ વદી એકાદશીએ શિવલિંગ પર જીવિત કરચલા અર્પણ કરવાની આ પ્રથા સદીઓથી ચાલી રહી છે. એક માન્યતા અનુસાર રામનાથ ઘેલાને આસ્થા સાથે કરચલા અર્પણ કરવાથી કાન સંબંધી રોગોથી મુક્તિ મળે છે. સમગ્ર વર્ષ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ આવા રોગોથી મુક્તિ અર્થે રામનાથ ઘેલા મહાદેવની માનતા માને છે અને કહે છે કે પ્રભુની કૃપાથી આ માનતા ફળીભૂત પણ થાય છે. ત્યારબાદ જ્યારે પોષ વદ એકાદશીનો અવસર આવે ત્યારે ભક્તો તેમની તે માનતા પૂર્ણ કરવા માટે મંદિરે ઉમટી પડે છે. ઉલ્લેખનીય છે કે રામનાથ ઘેલાને અર્પણ થતાં કચલાઓની સંખ્યામાં દર વર્ષે સતત વધારો થઈ રહ્યો છે !
કેવી રીતે શરૂ થઈ પ્રથા ?
રામનાથ ઘેલા મહાદેવને આ કરચલા શા માટે અર્પણ થાય છે, તેની સાથે એક રોચક દંતકથા જોડાયેલી છે. કહે છે કે વનવાસે નીકળેલાં શ્રીરામ આ ભૂમિ પર પધાર્યા ત્યારે તેમને પાવની તાપીને કિનારે પિતા દશરથ માટે તર્પણવિધિ કરવાની ઈચ્છા થઈ આવી. શ્રીરામે તે સમયે ભૂમિ પર બાણ ચલાવ્યું અને તે સાથે જ ધરતીમાંથી શિવલિંગનું પ્રાગટ્ય થયું. મહેશ્વરનું દિવ્ય રૂપ જોઈ શ્રીરામ ઘેલા-ઘેલા થઈ ગયા. જેને લીધે મહાદેવ અહીં રામનાથ ઘેલા મહાદેવના રૂપે પ્રસિદ્ધ થયા. મહેશ્વરના પ્રાગટ્ય બાદ પિતાની તર્પણવિધિ માટે શ્રીરામને એક બ્રાહ્મણની જરૂર પડી. ત્યારે સ્વયં દરિયાદેવ બ્રાહ્મણનું રૂપ લઈ તર્પણવિધિ કરવા પધાર્યા. તે ભરતીનો દિવસ હોઈ દરિયાદેવની સાથે અસંખ્ય દરિયાઈ જીવો અને વિશેષ તો કરચલા પણ શિવલિંગ પર ખેંચાઈ આવ્યા !
દરિયાદેવે શ્રીરામચંદ્રજીને પ્રાર્થના કરી કે તે આ દરિયાઈ જીવોનો ઉદ્ધાર કરે. ત્યારે શ્રીરામે આશિષ પ્રદાન કરતા કહ્યું કે, “પોષ વદ એકાદશીએ જે મનુષ્ય આ કરચલા શિવજીને અર્પણ કરશે, તેની તમામ તકલીફોનો અંત આવશે. મનુષ્ય અને કરચલા બંન્નેનો ઉદ્ધાર થશે.” કહે છે કે શ્રીરામચંદ્રજીએ પ્રદાન કરેલા તે આશિષને લીધે જ રામનાથ ઘેલા મહાદેવને ષટતિલા એકાદશીએ કરચલા અર્પણ કરવાનો સવિશેષ મહિમા છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)