દરેક વ્યક્તિનું સપનું હોય છે કે નાનું તો નાનું પણ, તેનું પોતાનું ઘર હોય. પણ, વાસ્તવમાં પોતાનું ઘર પણ ત્યારે જ શાંતિદાયક બની શકે છે કે જ્યારે તે વાસ્તુને અનુરૂપ હોય ! જ્યારે ઘરનું નિર્માણ વાસ્તુશાસ્ત્ર અનુસાર કરવામાં આવ્યું હોય છે, ત્યારે તેની અસર તે ઘરમાં વસનારા લોકો પર સકારાત્મક પ્રભાવ પાડે છે.
તેનાથી વિપરીત જ્યારે ઘર વાસ્તુ શાસ્ત્ર અનુરૂપ નથી હોતું, ત્યારે તે વ્યક્તિના જીવનમાં અનેકવિધ સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. ત્યારે આવો જાણીએ એક સ્વસ્થ ઘર માટેના શું છે વાસ્તુ નિયમ ? કઈ બાબતોનું ધ્યાન રાખી તમે ઘરમાં કરી શકશો સકારાત્મક ઊર્જાની પ્રાપ્તિ ?
સરળ વાસ્તુ નિયમ
⦁ ઘરના પૂજા રૂમનો ઉપયોગ માત્ર ભગવાન અને દેવી દેવતાઓની પૂજા માટે જ કરવો જોઇએ. રૂમનો ઉપયોગ કોઇ ભંડારરૂમ તરીકે ન કરવો જોઈએ. એટલે કે, આ રૂમમાં વધારાનો કોઈપણ સામાન ન રાખવો જોઈએ.
⦁ ઘરના પૂજાકક્ષમાં સૂર્યાસ્ત પછી એક નાની લાઇટ તો ચાલું રાખવી જ જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજાકક્ષમાં ક્યારેય અંધકાર ન રાખવો જોઇએ.
⦁ રસોઇ બનાવતી વખતે રસોઇ બનાવનારનું મોં પૂર્વ દિશા તરફ રહે તે રીતે ગોઠવણી કરવી જોઈએ. તે સંપૂર્ણ પરિવાર માટે એક સકારાત્મક અને સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરે છે.
⦁ ઘરું શૌચાલય અને સ્નાનઘર એવી જગ્યા છે જ્યાં આપણાં શરીરનો કચરો બહાર નીકળે છે. એટલે, હંમેશા પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં શૌચાલય બનાવવાની સલાહ આપવામાં આવે છે. જો શૌચાલય આ દિશા સિવાય બીજી કોઇ દિશામાં હોય તો તે વાસ્તુદોષનું કારણ બને છે.
⦁ ડ્રોઇંગ રૂમમાં ક્યારેય પણ કાળો રંગ કે લાલ રંગ જેવાં ડાર્ક શેડ પસંદ ન કરવા. તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશે છે. અને તે ઘરમાં વસનારા લોકો વચ્ચે કલેશનું પણ કારણ બની શકે છે !
⦁ ડ્રોઇંગ રૂમની દક્ષિણ-પૂર્વની દિશા ટીવી માટે યોગ્ય છે. જો તમે ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં ટીવી સેટ લગાવ્યું હશે તો તે આપને ખૂબ પરેશાન કરી દેશે અને તેની તૂટવાની શક્યતાઓ પણ વધી જશે !
⦁ તમારા શયનકક્ષમાં અરીસો ન હોવો જોઇએ અને પથારીની સામેની બાજુ પર તો ક્યારેય અરીસો ન રાખવો. જો આ વાતનું ધ્યાન ન રાખ્યું, તો આ બાબત તમારા જીવનમાં દુર્ભાગ્ય લાવી શકે છે.
⦁ એક ખાસ વાત યાદ રાખવી કે તમારી પથારીની પાછળ કોઇપણ પ્રકારની બારી ન હોવી જોઇએ. તમારા શયનકક્ષની બારીઓ પૂર્વ કે ઉત્તર દિશાની દીવાલ પર જ હોવી જોઇએ.
⦁ તમારા ઘરમાં રહેલ ફર્નિચર ચોરસ કે લંબચોરસ (આયાતકાર) આકારમાં જ હોવું જોઇએ. વિષમ આકાર કે ગોળાકાર ફર્નિચર વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર યોગ્ય નથી.
⦁ વાસ્તુ અનુસાર ઘરમાં એવાં ફૂલ-છોડ લગાવવા જોઈએ કે જે વાતાવરણને શુદ્ધ કરે. આ શુદ્ધ હવા સકારાત્મક ઊર્જા ફેલાવવાનું કામ કરે છે અને તેનાથી ઘરમાં શાંતિ પણ જળવાઈ રહેશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)