એક માન્યતા અનુસાર વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત અને વાસ્તુશાસ્ત્રના ઉપાયો જ્યારે આપણા રહેણાંક સ્થળ અને કાર્યાલય પર લાગુ પડે છે, તો તે આપણાં જીવનમાં ઘણાં સારા પ્રભાવો પાડે છે. અને તેનાથી વિપરીત જ્યારે આવાં સિદ્ધાંતોની અવગણના કરવામાં આવે છે, ત્યારે તે વ્યક્તિના જીવનમાં સમસ્યાનું કારણ પણ બની શકે છે.
વાસ્તુદોષવાળુ ઘર નકારાત્મકતા, બીમારી, આર્થિક સમસ્યાઓ અને પારિવારિક વિખવાદોનું કેન્દ્ર પણ બની શકે છે. જો તમે આ પ્રકારના કોઈપણ ઘરમાં રહેતા હોવ તો, પરિવર્તન કરાવવું અત્યંત જરૂરી બની જતું હોય છે. આવો, આજે એ જાણીએ કે વાસ્તુ અનુસાર ઘરમાં કઈ કઈ વસ્તુઓ રાખવાનો નિષેધ છે. અને માટીના જૂના વાસણો પણ કેવી રીતે બની શકે છે તમારા દુર્ભાગ્યનું કારણ !
તૂટેલા કાચ અને બંધ ઘડિયાળ ઘરમાં ન રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલો સામાન ક્યારેય ન રાખવો જોઇએ. તૂટેલો સામાન ઘરમાં રાખવો ખૂબ જ અશુભ મનાય છે. એમાં પણ તૂટેલો કાચ કે કાચના વાસણ, કાચના કપ-રકાબી, તૂટેલા અરીસા, તૂટેલી ઘડિયાળો તો બિલ્કુલ પણ ઘરમાં ન રાખવી જોઈએ. તે નકારાત્મકતા ઉત્પન્ન કરે છે અને તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ પણ સર્જી શકે છે. તૂટેલા કાચ સૌથી ખરાબ વસ્તુ મનાય છે. વાસ્તવમાં કાચ કે અરીસો એ આપણું પ્રતિબિંબ દર્શાવે છે. એટલે, તમે જે કંઇપણ આકર્ષિત કરવા માંગો છો તે તમારા અરીસાના પ્રતિબિંબમાં તૂટેલું જ જોવા મળશે ! એ જ કારણ છે કે, ઘરમાં ઘડિયાળ પણ ક્યારેય તૂટેલી ન રાખવી અથવા તો જે ઘડિયાળ ચાલુ ન હોય તે પણ ઘરમાં ન રાખવી. આવી વસ્તુઓ ઘરમાં દુર્ભાગ્ય અને બીમારીઓ ફેલાવવાનું કારણ બને છે. આપે આપના ઘરમાંથી તૂટેલા કાચ, ઘડિયાળ, વાસણને ફેંકી દેવા જોઇએ. કારણ કે, તે દુર્ભાગ્યને આમંત્રણ આપે છે.
નવા ઘરમાં માટીના જૂના વાસણ નહીં !
માટી એ પૃથ્વીનો એક ભાગ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર એક સલાહ આપવામાં આવે છે કે નવા ઘરમાં જવાથી આપને આપના માટીના જૂના વાસણોથી છુટકારો મળી જશે. માટીના જૂના વાસણો નવા ઘરમાં ફરી ઉપયોગમાં લેવા દુર્ભાગ્યનું કારણ બને છે. એટલે નવા ઘરમાં જાવ ત્યારે માટીના જૂના વાસણો કાઢી દેવા જોઈએ. એ જ રીતે જો વાસણો વધારે જ જૂના દેખાવા લાગ્યા હોય તો તેને પણ કાઢી દેવા જોઈએ.
સ્વિમીંગ પુલની યોગ્ય દિશા નક્કી કરો
આપના ઘર કે એપાર્ટમેન્ટમાં સ્વિમીંગ પુલ પશ્ચિમ, દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન રાખવું જોઇએ. ખોટી જગ્યા પર રાખવામાં આવેલ સ્વિમીંગ પુલ નકારાત્મકતાને આવકારે છે. જો કે ઉત્તર કે પૂર્વ દિશામાં સ્વિમીંગ પુલ હોવું શુભ માનવામાં આવે છે.
ઘરના પ્રવેશદ્વાર પર યોગ્ય હવા ઉજાસ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં અંધારુ આવતું હોય તેવા ખૂણા ક્યારેય ન રાખવા. ઘરના દરેક ખૂણામાં પ્રકાશ આવતો હોય તેનું ખાસ ધ્યાન રાખવું. તેના કારણે ઘરમાં હંમેશા દરેક ખૂણામાં સકારાત્મક ઊર્જાનો વાસ રહે છે. અને તેનાથી આપના ઘર અને જીવનમાં પ્રકાશ છવાયેલો રહે છે.
અરીસાને યોગ્ય દિશામાં લગાવો
વાસ્તુદોષથી છુટકારો મેળવવા માટે તમારે અરીસાને યોગ્ય દિશામાં લગાવવો જોઇએ. જો વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસો યોગ્ય દિશામાં રાખવામાં આવશે તો આપનું ઘર સકારાત્મક ઊર્જાથી ભરેલુ રહેશે. અરીસાને મુખ્ય દ્વારની સામે ક્યારેય ન રાખવો જોઇએ. એ જ રીતે આપના શયનકક્ષમાં બેડની સામેની બાજુ પણ અરીસો ન રાખવો જોઇએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)