fbpx
Monday, December 23, 2024

પંચામૃત અને ચરણામૃતમાં મોટો તફાવત છે! બંનેને બનાવવા અને ગ્રહણ કરવાની સાચી રીત જાણો!

હિન્દુ ધર્મમાં પંચામૃત અને ચરણામૃતનું એક આગવું જ મહત્વ રહેલું છે. કોઇપણ દેવતાની કથા કે પૂજા બાદ ભક્તોને પ્રસાદના રૂપે પંચામૃત અને ચરણામૃત આપવામાં આવે છે. માન્યતા અનુસાર પંચામૃત અને ચરણામૃત ન માત્ર આત્માને શુદ્ધ કરે છે, પરંતુ, આપના મનને પણ શાંત રાખે છે ! પણ, શું તમે એ જાણો છો કે આ પંચામૃત અને ચરણામૃતમાં શું ભેદ છે ?

વાસ્તવમાં બંન્નેને ગ્રહણ કરવાના અલગ નિયમો છે. આવો, આજે તે નિયમો વિશે અને તેને ગ્રહણ કરવાથી થતા લાભ વિશે માહિતી મેળવીએ.

પંચામૃત અને ચરણામૃત મહિમા !

મંદિરમાં કે ઘરમાં જ્યારે કોઇ પૂજાપાઠ હોય છે ત્યારે ચરણામૃત અને પંચામૃત આપવામાં આવે છે. પરંતુ, ઘણાં લોકો એનો મહિમા નથી જાણતા અને તેને બનાવવાની સાચી રીત પણ નથી જાણતા. ચરણામૃતનો અર્થ થાય છે કે ભગવાનના ચરણોનું અમૃત અને પંચામૃત એટલે પાંચ અમૃતમાંથી બનેલ દ્રવ્ય. માન્યતા અનુસાર આ બંને દ્રવ્યને ગ્રહણ કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મક ભાવનાની ઉત્પત્તિ થાય છે.

પંચામૃત એટલે શું ?

પંચામૃત એટલે પાંચ અમૃત ! વાસ્તવમાં આ પંચામૃત પાંચ અત્યંત પવિત્ર પદાર્થમાંથી તૈયાર કરવામાં આવે છે. આ પાંચ પદાર્થ છે ગાયનું દૂધ, ગાયનું ઘી, દહીં, મધ અને શર્કરા એટલે કે ખાંડ ! આ પાંચ સામગ્રીને મિશ્રિત કરીને પંચામૃત તૈયાર કરવામાં આવે છે. જેને ગ્રહણ કરવાથી વ્યક્તિને મનની શાંતિ પ્રાપ્ત થાય છે.

ચરણામૃત એટલે શું ?

ચરણામૃતનો અર્થ થાય છે ભગવાનના ચરણોનું અમૃત. વાસ્તવમાં શ્રીહરિના ચરણોમાં અર્પણ કરેલું જળ એ ચરણામૃત તરીકે ઓળખાય છે. વિવિધ ઔષધીયોથી યુક્ત આ જળ સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ કરાવનારું મનાય છે.

પંચામૃતના પાંચ તત્વો શેના પ્રતિક ?

ગાયનું દૂધ – દૂધ એ પંચામૃતનો પ્રથમ ભાગ છે. આપણું જીવન પણ દૂધની જેમ નિષ્કલંક બને તેનું પ્રતિક છે પંચામૃતમાં ઉમેરાતું દૂધ !

ગાયનું ઘી – ઘી સ્નેહનું પ્રતિક છે. ઘીની ભાવના છે કે દરેક લોકો સાથે આપણો સ્નેહયુક્ત સંબંધ બને.

દહીં – દહીંનો ગુણ બીજાને પોતાના જેવા બનાવી દેવાનો છે. દહીં અર્પણ કરવાનો અર્થ એ છે કે તમે દૂધ જેવા નિષ્કલંક બની બીજાને પોતાના સદગુણો આપી પોતાના જેવા બનાવો.

મધ – મધ મીઠું હોવાની સાથે તે શક્તિનું પ્રતિક પણ મનાય છે. તન અને મનથી શક્તિશાળી વ્યક્તિ જીવનના દરેક માર્ગે સફળતા મેળવે છે.

શર્કરા – શર્કરા કે ખાંડનો ગુણ મીઠાશનો છે. ખાંડ જેમ મીઠાશનું પ્રતિક છે તેમ તે આપણાં જીવનમાં પણ મીઠાશ પ્રસરાવવાનું કામ કરે છે. મીઠી વાણી દરેકને સારી લાગે છે. એટલે પંચામૃતમાં ઉમેરાતી ખાંડ એવો નિર્દેશ કરે છે કે બીજા પ્રત્યે પણ મીઠી વાણીનો ઉપયોગ કરવો જોઇએ !

પંચામૃતના લાભ

માન્યતા અનુસાર પંચામૃતનું સેવન કરવાથી શરીર રોગમુક્ત રહે છે. અલબત્, પંચામૃતનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઇએ. તેમજ જે રીતે આપણે પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવીએ છીએ તેવી જ રીતે તમે પણ પંચામૃતથી સ્નાન કરીને શરીરનું તેજ વધારી શકો છો !

ચરણામૃતની શાસ્ત્રોક્ત મહત્તા

વિષ્ણુ પુરાણમાં ચરણામૃતને શ્રીહરિના ચરણોનું ફળ માનવામાં આવે છે. તે અમૃત સમાન ગુણ ધરાવે છે. તેના સંબંધમાં એક શ્લોકનો પણ ઉલ્લેખ થયો છે.

અકાલમૃત્યુહરણં સર્વવ્યાધિવિનાશનમ્ ।

વિષ્ણોહ પાદોદક પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે ।।

એટલે કે ભગવાન વિષ્ણુના ચરણોનું અમૃતરૂપી જળ દરેક પ્રકારના પાપોનો નાશ કરનાર છે. આ જળ ઔષધી સમાન છે. જે લોકો ચરણામૃતનું સેવન કરે છે તેમનો પુનર્જન્મ નથી થતો અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે ચરણામૃત ગ્રહણ કરનારને શ્રીહરિ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ અપાવે છે !

ચરણામૃત બનાવવાની રીત

તાંબાના વાસણમાં જળ ભરીને તેમાં તુલસીપત્ર, તલ, કેસર અને બીજા ઔષધીય તત્વો ઉમેરવામાં આવે છે. મંદિર કે ઘરમાં હંમેશા તાંબાના કળશમાં જળ અને તુલસી પત્ર ઉમેરીને રાખવું જોઇએ. જ્યારે આ જળ શ્રીહરિને અર્પિત થાય છે ત્યારબાદ તેમાં પ્રભુના આશિષ પણ ઉમેરાય છે ! ઉલ્લેખનીય છે કે શ્રીહરિના ચરણોમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ જેવી નિશાનીઓ છે. જેના સ્પર્શથી ચરણામૃત વધુ દિવ્ય બને છે. તો, ઘરમાં ઠાકોરજીના ચરણ પખાળ્યા બાદ તે જળ પણ ચરણામૃત બની જાય છે.

ચરણામૃતના લાભ

આયુર્વેદના મત અનુસાર તાંબામાં અનેક રોગોને નષ્ટ કરવાના ગુણ હોય છે. તો, તુલસી પણ એક એન્ટીબાયોટીક છે. તેમાં કેટલાય રોગ દૂર કરવાની ક્ષમતા છે. તેનું જળ મસ્તકને શાંતિ અને નચિંતપણું પ્રદાન કરે છે. તે બુદ્ધિ અને યાદશક્તિ વધારવામાં પણ અસરકારક સાબિત થાય છે. ચરણામૃત ભક્તોના દરેક પ્રકારના કષ્ટો દૂર કરનારું મનાય છે. તે રોગનાશક અને પાપનાશક મનાય છે.

ચરણામૃત ગ્રહણ કરવાની સાચી રીત

મોટાભાગે જોવામાં આવે છે કે ચરણામૃત લીધા બાદ લોકો તે હાથ પોતાના મસ્તક પર લગાવે છે. પણ, આ રીતે કરવું યોગ્ય નથી. શાસ્ત્રો અનુસાર તેનાથી નકારાત્મક પ્રભાવ વધે છે. ચરણામૃત હંમેશા જમણા હાથથી લેવું જોઇએ અને શ્રદ્ધાપૂર્વક મનને શાંત રાખીને ગ્રહણ કરવું જોઇએ. હંમેશા પોતાના જમણા હાથથી જ ચરણામૃત ગ્રહણ કરો. મનમાં શુદ્ધ વિચાર અને આત્મશાંતિની સાથે આ પવિત્ર દ્રવ્ય ગ્રહણ કરવું જોઇએ. તેનાથી તેના ચમત્કારિક લાભ પ્રાપ્ત થવાની માન્યતા પ્રચલિત છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles