હિન્દુ પંચાંગ અનુસાર એક વર્ષમાં 24 એકાદશીના વ્રત આવે છે, તેમજ અધિક માસના સંજોગોમાં આ એકાદશીની સંખ્યા 26 થઈ જતી હોય છે. દરેક એકાદશીની તિથિનું એક આગવું જ મહત્વ છે અને તેમાંથી જ એક છે જયા એકાદશી. ગુજરાતી પંચાંગ અનુસાર મહા સુદ એકાદશીની તિથિને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે 1 ફેબ્રુઆરી, બુધવારે આ જ શુભ એકાદશીનો અવસર છે.
એવી માન્યતા પ્રચલિત છે કે આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી શ્રીહરિ પ્રસન્ન થાય છે અને સાધકને સુખ-સમૃદ્ધિ તેમજ શક્તિના આશીર્વાદ પ્રદાન કરે છે. તો ચાલો, એ જાણીએ કે આજના દિવસે કયા 6 કાર્ય અચૂક કરવા જોઈએ.
પૂજન વિધિ
આજે આસ્થા સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરીને તેમને પીળા રંગના પુષ્પ અર્પિત કરવા. સાથે કેસરનું તિલક કરેલી જનોઈ શ્રીવિષ્ણુને સમર્પિત કરવી જોઈએ. ત્યારબાદ પ્રભુને કેળાનો ભોગ અર્પણ કરવો. માન્યતા એવી છે કે આ ઉપાય કરવાથી સાધકને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળી જાય છે.
મખાનાની ખીરનો ભોગ
આજે ફળ પ્રસાદ રૂપે પ્રભુને કેળા અર્પણ કર્યા બાદ નૈવેદ્યમાં શક્ય હોય તો કેસર મિશ્રિત મખાનાની ખીર ધરાવવી જોઈએ. માન્યતા અનુસાર આ ખીર શ્રીહરિને અત્યંત પ્રિય છે. અલબત્, એ યાદ રાખો કે આ ભોગ અર્પણ કરતા પહેલા ખીરમાં તુલસીદળ અવશ્ય મૂકવું જોઇએ.
તુલસીના છોડનું રોપણ કરો
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એકાદશીની તિથિએ સાધકોએ તુલસીનો છોડ રોપવો જોઇએ. કારણ કે, તુલસીજી લક્ષ્મી સ્વરૂપા મનાય છે અને તે વિષ્ણુજીને અત્યંત પ્રિય છે. તુલસીજીને હરિપ્રિયા પણ કહે છે અને તેમના રોપણથી વિષ્ણુજી પ્રસન્ન થાય છે. કહે છે કે એકાદશીએ આ કાર્ય કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.
ગલગોટાના છોડનું રોપણ
તમે તુલસીજીની સાથે આજના દિવસે ગલગોટાના છોડ પણ રોપી શકો છો. પીળો રંગ શ્રીવિષ્ણુને અત્યંત પ્રિય છે. અને એટલે જ એવી માન્યતા પ્રચલિત છે કે આ દિવસે ગલગોટાનો છોડ રોપવાથી શ્રીહરિ પ્રસન્ન થાય છે. અલબત્, એ વાત યાદ રાખો કે આ છોડને ઘરની ઉત્તર દિશામાં લગાવવો જોઈએ.
દાન મહિમા
જયા એકાદશીએ શ્રીહરિને પ્રસન્ન કરવા માટે કોઇ જરૂરિયાતમંદને અન્ન, ધન અને વસ્ત્રનું દાન અવશ્ય કરવું જોઇએ. આ ઉપાય કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે.
પીપળાની પૂજા
ધાર્મિક માન્યતાઓ અનુસાર પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. એટલે આજે જયા એકાદશીના અવસરે તો જરૂરથી પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરવું જોઇએ. સાથે જ સંધ્યા સમયે પીપળાના વૃક્ષની સમક્ષ દીવો પ્રજવલિત કરવો જોઇએ. આ ઉપાય કરવાથી શ્રીહરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ધન, ઐશ્વર્યના આશીર્વાદ પ્રદાન કરે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)