ફૂલને જોતા જ મન ખુશી અનુભવે છે. દેવ, દેવી, માનવ, પંખી તેને શ્રદ્ધા, સન્માન આપે છે. શૃંગાર, સૌંદર્ય હેતુ પણ તેનો ઉપયોગ થાય છે. ફૂલને જોવાથી પણ બાળક, યુવાન, વૃદ્ધ પ્રફુલ્લિત થાય છે. ફૂલ પૂજા ઉપરાંત શોભા વધારવા કે ક્યાંક ઔષધી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. એટલે કે, માનવ જીવનમાં જન્મથી મૃત્યુ સુધી ફૂલ ઉપયોગમાં આવે છે.
વિવિધ પ્રકારના ફૂલ અંગે ધાર્મિક ગ્રંથ અને વિદ્વાનો પાસેથી પણ જાણવા મળે છે. પૂજા ઉપરાંત તંત્ર, મંત્ર, યંત્રના કાર્યમાં વિશેષ માર્ગદર્શનથી તેને ઉપયોગમાં લેવામાં આવે છે. આવો, તે વિશે વિગતે જાણીએ.
પુષ્પ અર્પણ કરવાનો મહિમા
ધાર્મિક ગ્રંથ, વિદ્વાનો પાસેથી ફૂલ અંગે ઘણું જાણવા મળે છે. જેમાં ક્યાં ફૂલ કયાં દેવ-દેવીને અર્પણ કરાય છે અને ક્યાં ફૂલ ક્યાં દેવ દેવીને અર્પણ નથી કરાતા તે જાણવા મળે છે. તે ઉપરાંત ફૂલની કળી, પાંખડીઓના કેવા ઉપયોગથી ધાર્મિક કાર્યમાં શુભત્વ વધારી શકાય તે વિશે પણ જાણકારી મળે છે. જો કોઈ પૂજા વિધાન કરવામાં કોઈ વિટંબણા અનુભવે ત્યારે દેવ-દેવીને ફૂલ અર્પણ કરીને પણ આપણા હૃદયનો ભાવ અર્પણ કરી શકીએ. તેમાં પણ માર્ગદર્શન મુજબ દેવ-દેવીને તેમનું પ્રિય ફૂલ અર્પણ કરીએ તો વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે છે.
દેવી-દેવતાના પ્રિય પુષ્પ !
⦁ લક્ષ્મીજીને કમળ ફૂલ પ્રિય છે. જે અર્પણ કરવામાં આવે તો ખુશ ત્વરિત થાય છે. પણ, તેમને તુલસી પાન અર્પણ કરવામાં નથી આવતું.
⦁ ભગવાન વિષ્ણુને પીળા ગોટા વિશેષ પ્રિય છે. ચંપો, જુહી, કદંબ, ચમેલી, પારિજાત પણ તેમને પસંદ છે. કારતક માસમાં શ્રીવિષ્ણુને કેતકી ફૂલ અને ભોજન થાળમાં તુલસી પાન ખાસ મુકાય છે. ધાર્મિક ગ્રંથમાં જાણવા મળે છે કે તેમને ધતુરાનું ફૂલ બિલ્કુલ પણ અર્પણ કરાતું નથી.
⦁ ભોલેનાથ ભગવાન શિવને કરેણ, ચમેલી, શંખપુષ્પી, નાગકેસર પ્રિય છે. તો જુહી, માલતી, કેતકી અને કેવડા (કેવડા ત્રીજ સિવાય) અર્પણ કરાતા નથી. એટલે કે શ્રીવિષ્ણુને પ્રિય કેતકી શિવજીને અપ્રિય છે !
⦁ માતાજીને ફૂલ માર્ગદર્શન મુજબ ચઢાવવાથી તે વિશેષ પ્રસન્ન થાય છે,
⦁ ગણેશજીને દૂર્વા ખૂબ જ પ્રિય છે. આ અંગે પણ ધાર્મિક ગ્રંથ અને વિદ્વાનો પાસેથી વાત જાણવા મળે છે. ઉપરાંત લાલ ફૂલ જેવા કે જાસૂદ પણ તેમને પ્રિય છે. ગણેશજીને તુલસી પત્ર અર્પણ કરવામાં નથી આવતું.
⦁ સરસ્વતી દેવીને સફેદ પુષ્પ અને બગલામુખી માતાને પીળા પુષ્પ અર્પણ કરવા જોઈએ.
⦁ અન્ય દેવ-દેવીને માર્ગદર્શન મુજબ ફૂલ અર્પણ કરાય છે.
⦁ દેવ-દેવીને અર્પણ કરેલ ફૂલને ભક્તો શ્રદ્ધાથી આશીર્વાદ રૂપે માર્ગદર્શન મુજબ પોતાની પાસે રાખતા હોય છે.
⦁ કેટલાક ફૂલના વૃક્ષ ઘરના આંગણામાં હોય તો ત્યાં પણ શુભ ઉર્જા પ્રાપ્ત થાય છે.
⦁ ફૂલ વિવિધ રીતે માનવ જીવનના કલ્યાણ હેતુ આવે છે અને તેની નિર્મળતાના કારણથી દરેકને પ્રિય બને છે. જીવનને શાંતિ અને ખુશી આપે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)