fbpx
Monday, December 23, 2024

આજે છે માઘી પૂર્ણિમા, કેસુડાના આ ઉપાયથી થશે લક્ષ્મી માતા પ્રસન્ન!

આજે માઘી પૂર્ણિમાનો રૂડો અવસર છે. માઘી પૂર્ણિમા એટલે માઘ સ્નાનની પૂર્ણાહુતિનો દિવસ. એ જ કારણ છે કે આજે સ્નાન અને દાનનો સવિશેષ મહિમા છે. તો આજે રવિવારના સંયોગ સાથે આવેલી આ પૂનમ તમારો આર્થિક ભાગ્યોદય પણ કરાવી શકે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આજે તમે કેસૂડાના વૃક્ષ, કેસૂડાની ડાળખીઓ કે તેના પુષ્પનો ઉપયોગ કરીને અઢળક આશીર્વાદની પ્રાપ્તિ કરી શકો છો અને આર્થિક સંકટથી મુક્તિ પણ મેળવી શકો છો !

આવો જાણીએ કે કઈ રીતે આ ઉપાય કામ કરશે ?

લક્ષ્‍મીજીને પ્રિય કેસૂડો !

કેસૂડાના વૃક્ષને ખાખરો કે પલાશ પણ કહે છે. તો, સંસ્કૃતમાં તેને બીજસ્નેહ, રક્તપુષ્પકના નામે સંબોધવામાં આવે છે. માઘી પૂનમે લક્ષ્‍મી નારાયણની એકસાથે આરાધનાનો મહિમા છે. અને કહે છે કે લક્ષ્‍મીજીને કેસૂડાના પુષ્પ અત્યંત પ્રિય છે. ત્યારે કેસૂડા સંબંધી કેટલાક વિશેષ ઉપાય અજમાવીને તમે દેવી લક્ષ્‍મીને પ્રસન્ન કરી શકો છો અને તેમની કૃપાને પ્રાપ્ત પણ કરી શકો છો.

મેળવો ત્રિદેવના આશીર્વાદ !

જેમ પીપળાના વૃક્ષમાં ત્રિદેવ વિદ્યમાન હોવાની માન્યતા પ્રચલિત છે, તે જ રીતે કેસૂડામાં પણ ત્રિદેવનો વાસ હોવાનું મનાય છે. એટલે જ માઘી પૂર્ણિમાએ પીપળાની સાથે જ કેસૂડાના વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે. કહે છે કે આ કાર્ય કરવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના એકસાથે આશિષની પ્રાપ્તિ થાય છે. અને શ્રીવિષ્ણુના ભક્તો પર તો દેવી લક્ષ્‍મીની પણ કૃપા વરસતી રહે છે.

કેસૂડાના લાકડાથી હવન કરો

માઘી પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા કરવાનો મહિમા છે. અને કહે છે કે આ કથા બાદ જો કેસૂડાના એટલે કે ખાખરાના વૃક્ષની ડાળખીઓથી, લાકડાથી હવન કરવામાં આવે, તો, તે અત્યંત ફળદાયી બની રહે છે. માન્યતા અનુસાર તેનાથી ઘરમાં રહેલ દોષ દૂર થાય છે અને પરિવારમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

તિજોરીમાં રાખો કેસૂડાના પુષ્પ !

જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવ, તો વાસ્તુ અનુસાર કેસૂડાનો એક પ્રયોગ અજમાવી શકાય છે. કહે છે કે કેસૂડાના પુષ્પને હળદરની ગાંઠ સાથે તિજોરીમાં રાખવાથી ઘરમાં માતા લક્ષ્‍મીના આગમનના દ્વાર ખુલી જાય છે.

વિશેષ લક્ષ્‍મી કૃપા અર્થે

માઘી પૂર્ણિમાએ આજે મધ્યરાત્રિએ એક ખાસ ઉપાય અજમાવો. દેવી લક્ષ્‍મી સમક્ષ આસ્થા સાથે કેસૂડાના તાજા પુષ્પ અને એકાક્ષી નારિયેળ મૂકો. ત્યારબાદ બીજા દિવસે તેને સફેદ રંગના વસ્ત્રમાં બાંધીને ધન રાખવાના સ્થાન પર મૂકી દો. માન્યતા અનુસાર આ ઉપાયથી આપના પર સદૈવ માતા લક્ષ્‍મીના આશીર્વાદ અકબંધ રહેશે.

ઘરમાં કેસૂડાના છોડ લગાવો

જો તમારે આંગણાવાળુ ઘર હોય તો આજે જરૂરથી આ ઉપાય અજમાવો. ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં કેસૂડાના છોડનું રોપણ કરો. માન્યતા અનુસાર ઘરની આ દિશામાં કેસૂડો લગાવવાથી ઘરની સુખ-સમૃદ્ધિ અકબંધ રહે છે. અને પરિવારજનોને ક્યારેય પણ આર્થિક સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles