મોટાભાગે દરેક વ્યક્તિનું સપનું હોય છે કે નાનું તો નાનું, પણ, તેનું પોતાનું એક ઘર હોય. પરંતુ, ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ મહેનત કરીને પોતાનું ઘર તો ખરીદી લે છે. પોતાની ઈચ્છા અનુસાર જ તેને સજાવે પણ છે. પણ, તેમ છતાં થોડાં સમય બાદ તેનું પોતાના જ ઘરમાં મન નથી લાગતું ! ક્યારેક ક્યારેક તો તેને પોતાના ઘરમાં જ અકળામણ થવા લાગે છે.
ક્યાંક તમારી સાથે પણ તો આવું જ નથી થઈ રહ્યું ને ? વાસ્તવમાં આ બધું જ ઘરની નકારાત્મક ઊર્જાને કારણે થતું હોય છે ! વળી, આ નકારાત્મક ઊર્જા તમારી કાર્યશૈલી પર પણ અસર કરે છે અને તે જ તમારા નોકરી ધંધાના કામ ઉપર પણ વિપરીત અસર કરી શકે છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે ઘરને પોઝિટિવ એનર્જી, એટલે કે સકારાત્મક ઊર્જા કેવી રીતે મળી શકે ? અને તે કેવી રીતે તમારા મનને પણ નવા વિચારો અને નવી ઊર્જાથી ભરી શકે !
હવા-ઉજાસ ખૂબ જ જરૂરી !
સૂર્યના કિરણો નકારાત્મકતાને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે, ઘરના દરેક દરવાજા અને બારીઓ ખુલ્લા રાખવા અને તાજી હવાને ઘરની અંદર આવવા દેવી જોઇએ. ઘરમાં હંમેશા હવા-ઉજાસ આવતો રહેવો જોઇએ. તે ખૂબ જ જરૂરી છે.
ઘરને સજાવીને રાખો
સકારાત્મક ઊર્જા માટે એ જરૂરી છે કે ઘરના દરેકે દરેક ખૂણામાં સાફ-સફાઇ કરવામાં આવે. તેમજ તૂટેલી અને નકામી વસ્તુઓને ઘરની બહાર કાઢી દેવામાં આવે. પોતાના ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ અને સજાવીને રાખવું જોઈએ. કારણ કે સજાવટ કરેલી વસ્તુઓ વધુ સુંદર લાગે છે. ખાસ વાત એ છે કે તેની સીધી અસર આપના માનસિક સંતુલન પર પડશે અને આપને સકારાત્મક વાતાવરણની અનુભૂતિ થશે.
જૂની વસ્તુઓનું દાન કરી દો
મોટાભાગે આપણી પાસે જૂની અને નકામી વસ્તુઓ ખૂબ પડી હોય છે. આ જૂની વસ્તુઓ સાથે આપણી યાદો જોડાયેલી હોય છે. કેટલીક સારી યાદો અને કેટલીક ખરાબ યાદો. જ્યાં સુધી તમે તમારી જૂની વસ્તુઓને બહાર નહીં કાઢો ત્યાં સુધી નવી વસ્તુઓ માટે સ્થાન નહીં બને. એટલે, આવી વસ્તુઓમાંથી નકામી વસ્તુઓ કાઢી દેવી જોઈએ અને અન્ય જરૂરી ન હોય તેવી વસ્તુઓનું જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ.
રંગરોગાન કરાવો
આપણી નકારાત્મક ઊર્જા ન માત્ર આપણી સાથે ચાલે છે પરંતુ આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તેમાં પણ વાસ કરે છે. ઘરમાં લગાવેલા પડદા, દીવાલો, ઘરનું ફર્નીચર આપણને આપણા મુશ્કેલ સમયનો અહેસાસ કરાવે છે. એટલે બની શકે તો સમયાંતરે રંગરોગાન કરાવવું જોઇએ.
ઘરની વસ્તુઓ બદલતા રહો !
આપણે હંમેશા આપણા ઘરની વસ્તુઓ બદલતા રહીએ છીએ આ બદલાવ આપણા જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરે છે. આ વસ્તુ કરવાથી આપણને એવું લાગે છે કે આપણે નવા ઘરમાં આવી ગયા છીએ. જૂના પડદા, પગલૂછણિયા અને ચાદરો પણ આપનો મૂડ બગાડી શકે છે. એવામાં આ નાના નાના ઉપાયો કરવાથી આપ આપની આસપાસની નકારાત્મકતા દૂર કરી શકો છો.
સુગંધિત અગરબત્તી કે ધૂપ પ્રજવલિત કરો
અગરબત્તી અને ધૂપમાં રહેલ સુગંધ આપના ઘરને મહેકાવી દેશે. સાથે જ તે નકારાત્મક ઊર્જાનો નાશ કરી ઘરને નવી ઊર્જાથી ભરી દેશે.
મંત્રનું ઉચ્ચારણ કરો
જો તમને કોઇ મંત્ર કે શ્લોક આવડતો હોય તો નિત્ય સવારે સ્નાન પછી તેનું ઉચ્ચારણ કરવું જોઈએ. ઘરના વાતાવરણને પવિત્ર ઊર્જા પ્રદાન કરવા તમે કોઇ ભજન પણ સાંભળી શકો છો. આ રીતે તમારું મન શાંત રહેશે અને તમારા દિવસની શરૂઆત સારી રીતે થશે. આ આદતો તમારા ધ્યાનને કેન્દ્રિત રાખે છે અને તમારા મનમાં આવતા ખરાબ વિચારોને દૂર કરે છે.
પૂજા-હવન કરાવો
ઘરમાંથી બહાર નીકળતા પૂર્વે હંમેશા જ ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ. ભગવાનના આશીર્વાદ સાથે લેવામાં આવેલું પગલું આપના માટે શુભ સાબિત થશે. ઘરમાં દિવ્ય ઊર્જાનો વાસ બની રહે તે માટે જરૂરી છે કે આપ સમયાંતરે કોઈ પંડિતને બોલાવીને ઘરમાં પૂજા કે હવન કરાવો.
મીઠાનો (નમકનો) ઉપાય કરો
કેટલીક વાર ઘરના કેટલાક ખૂણાઓની આપણે અવગણના કરીએ છીએ. જેને લીધે તે સ્થાન નકારાત્મક શક્તિઓનું કેન્દ્ર બની જાય છે. આવી શક્તિઓ કે નકારાત્મક ઊર્જાને ઘરમાંથી બહાર કાઢવું ખૂબ જ જરૂરી બની જાય છે. આ માટે આપે એક બાઉલમાં મીઠું (નમક) ઉમેરીને ઘરના ખૂણામાં 30 મિનિટ માટે રાખી દેવું. ત્યારબાદ તે પાણીને ચોકડીમાં કે બહાર ઢોળી દેવું. આપ ઇચ્છો તો આ ખૂણામાં કપૂર કે ધૂપ પણ પ્રજ્વલિત કરી શકો છો.
દિવાલ પર કોઇ સંતનું ચિત્ર લગાવો
તમે દીવાલ પર કોઇ પ્રિય સંતનું ચિત્ર પણ લગાવી શકો છો. અથવા તો તેમની પ્રતિમા પણ લગાવી શકો છો. કહેવાય છે કે આવી પ્રતિમા કે ચિત્ર ઘરમાં ખુશહાલી લાવવાનું કામ કરે છે.
ઘરમાં ફૂલ-છોડ લગાવો
ઝાડની છાયામાં મળતી શાંતિ મહેલોની ચાર દિવાલોમાં પણ નથી મળતી. ઝાડની હરિયાળી અને ફૂલોની સુંદરતા કોઇપણના ઉદાસ ચહેરા પર હાસ્ય લાવી દે છે. ગાર્ડનિંગ એ પોતાને વ્યસ્ત રાખવા માટેનો સૌથી સારો શોખ છે. જો તમારા ઘરમાં ગાર્ડનીંગની જગ્યા હોય તો તેનો ઉપયોગ કરો. આપ ઇચ્છો તો આપની બાલ્કનીમાં પણ કેટલાક ફૂલ-છોડના કુંડા રાખી શકો છો. તે તમને સકારાત્મક ઊર્જા પ્રદાન કરશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)