ધાર્મિક કાર્યમાં જેમ પ્રભુને પ્રસન્ન કરવાની વિધિઓનું મહત્વ છે, તે જ રીતે એ વાતને પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે ભક્ત કંઇ એવું ન કરી બેસે કે તેના આરાધ્ય તેનાથી નારાજ થઇ જાય. અમે અહીં આજે આપને એવા જ કેટલાક નિયમો જણાવવા જઇ રહ્યા છીએ, જે પ્રસાદ અર્પણ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે. માન્યતા અનુસાર જો ભોગ અર્પણ કરતી વખતે આ નિયમોની અવગણના કરવામાં આવે તો, ભક્તને પૂજાના પૂર્ણ ફળની પ્રાપ્તિ નથી થતી.
પ્રસાદનો મહિમા
હિન્દુ ધર્મમાં પૂજા પાઠનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ભક્ત પોતાના નાનામાં નાના તેમજ મોટા કાર્યો પૂર્ણ કરવા પૂરી શ્રદ્ધા સાથે ભગવાનની પૂજા કરે છે. આ પૂજા માટે કયા રંગનું વસ્ત્ર મંદિરમાં પાથરવું, કઇ સામગ્રી પૂજામાં રાખવી, આરાધ્યની મૂર્તિ કે ચિત્ર કેવી રીતનું રાખવું, કઇ ધાતુની આરતીની થાળી કે કળશ તૈયાર કરવો વગેરે જેવી મહત્વની વાતોનું ખાસ ધ્યાન રાખે છે.
તે જ રીતે ભગવાનની પૂજા બાદ તેમને પ્રસાદ કે ભોગ અર્પણ કરવામાં આવે છે. ભોગને પૂજાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. કારણ કે, તેની પાછળ ભગવાનને તૃપ્ત કરવાની, તેમને પ્રસન્ન કરવાની ભાવના રહેલી છે. અને એટલે જ તેને અર્પણ કરવાના નિયમોનું પૂર્ણ નિષ્ઠાથી પાલન થાય તે ખૂબ જ જરૂરી છે. તો ચાલો, પ્રસાદ સાથે જોડાયેલા નિયમો વિશે માહિતી મેળવીએ.
ભોગ અર્પણ કરવાનું પાત્ર
ભગવાનને જ્યારે ભોગ અર્પણ કરવામાં આવે છે, ત્યારે તે જે પાત્રમાં અર્પણ કરવામાં આવે છે, તે પાત્ર પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. યાદ રાખો, કે ભગવાનને અર્પણ કરવામાં આવતો ભોગ ક્યારેય જમીન પર ન રાખવો જોઇએ. પ્રભુને ભોગ ધરાવવા માટે સુવર્ણ, ચાંદી, પિત્તળ કે માટીનું પાત્ર ઉપયોગમાં લેવું જોઇએ. સનાતન ધર્મમાં આ ધાતુઓને સ્વચ્છ અને પવિત્ર માનવામાં આવે છે.
કેવા પ્રકારનો ભોગ અર્પણ કરવો ?
ભગવાનને અર્પણ કરવામાં આવતો પ્રસાદ કે ભોગ કેવો હોવો જોઇએ એ વાત જાણવી ખૂબ જરૂરી છે. ભોગ ક્યારેય તીખો, મીઠાવાળો કે મસાલેદાર ન બનાવવો જોઇએ. લસણ અને ડુંગળીનો ઉપયોગ પ્રસાદ કે ભોગ બનાવવાની સામગ્રીમાં બિલ્કુલ પણ ન કરવો. આ વાતનું ખાસ ધ્યાન રાખો. પ્રસાદ કે નૈવેદ્યમાં હંમેશા ફળ, મીઠાઇ અને સાત્વિક સામગ્રીમાંથી બનેલી વાનગીઓનો જ ઉપયોગ કરવો.
પ્રસાદ ધરાવ્યા બાદ ક્યાં રાખવો ?
ભગવાનને એકવાર પ્રસાદ અર્પણ કરી લો અને પછી તમે પણ તેને ગ્રહણ કરી લો એટલે પ્રસાદનું પાત્ર પ્રભુ પાસેથી લઈ લેવું જોઈએ. વધેલો પ્રસાદ ક્યારેય ભગવાન સમક્ષ ન રાખવો જોઇએ. માનવામાં આવે છે કે તેનાથી ભગવાન નારાજ થઇ શકે છે. પૂજા પૂર્ણ થયા પછી અને ભોગ અર્પણ કર્યા પછી પ્રસાદને બીજા કોઇ સ્થાન પર રાખવો જોઇએ. એક માન્યતા અનુસાર પ્રસાદ ભગવાન સમક્ષ મૂકી રાખવાથી નકારાત્મકતા ફેલાય છે.
પ્રસાદ વહેંચી દો
ભગવાનને ભોગ અર્પણ કર્યા બાદ તેમની સામે પ્રસાદ ન મૂકી રાખવો જોઇએ. આ પ્રસાદને સમગ્ર પરિવારમાં વહેંચી દેવો જોઇએ તથા આસપાસના લોકોમાં પણ પ્રસાદ વહેંચવો જોઇએ. પ્રસાદને ક્યારેય વ્યર્થ ન રાખી મૂકવો. એક વાતનું ધ્યાન રાખો કે જ્યારે પ્રસાદ બધામાં વહેંચાઇ જાય છે ત્યારે ભગવાન પણ ખૂબ જ પ્રસન્ન રહે છે.
જળ ભરીને રાખો
જે રીતે વ્યક્તિ કંઇ ખાઈને જળ ગ્રહણ કરે છે, તેવી જ રીતે ભગવાન સમક્ષ પણ પ્રસાદની સાથે જળ ભરીને રાખવું જોઇએ. ભોગ અર્પણ કર્યા બાદ જેમ પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવે છે, તેમ તે જળને પણ પ્રસાદ રૂપે ગ્રહણ કરી શકાય. પણ, યાદ રાખો કે ભગવાન પાસે એક જળનું ઢાંકેલું પાત્ર હંમેશા જ રાખી મૂકવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)