fbpx
Monday, December 23, 2024

એક ઘડિયાળ તમારી સફળતાને અવરોધી શકે છે! ઘરમાં ઘડિયાળ લગાવતી વખતે આ વાતનું ધ્યાન રાખો

ભલે જમાનો ગમે તેટલો બદલાય કે આગળ નીકળી જાય, પરંતુ, આજે પણ ઘરમાં દિવાલો પર ઘડિયાળ લગાવેલી જોવા મળે છે. તે તમને સમય તો બતાવે જ છે, સાથે જ ઘરની દિવાલની શોભા પણ વધારે છે. ઘડિયાળને હંમેશા સારા સમય સાથે જોડવામાં આવે છે. કહેવાય છે કે જે રીતે ઘડિયાળ નિયમિત ચાલતી રહે છે તે રીતે જ આપણું જીવન પણ હંમેશા આગળ વધતું રહેવું જોઇએ.

વાસ્તુ શાસ્ત્રની વાત કરીએ તો તેમાં ઘરની દિશાને લઇને ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. એ જ રીતે ઘડિયાળને લઇને પણ વાસ્તુ શાસ્ત્રમાં ઘણી સલાહ આપવામાં આવી છે. જેમ કે કઇ દિશામાં ઘડિયાળ લગાવવી, કયા પ્રકારની ઘડિયાળ લગાડવી, કયા આકારની ઘડિયાળ લગાડવી વગેરે. આવો, આજે તે વિશે જ વિગતે જાણીએ.

વાસ્તુ શાસ્ત્ર અને ઘડિયાળ

વાસ્તુ શાસ્ત્રમાં ઘડિયાળને આર્થિક સ્થિતિ સાથે સાંકળવામાં આવી છે. એટલે જ કઇ દિશામાં ઘડિયાળ લગાડવી અને કઇ દિશામાં ઘડિયાળ ક્યારેય ન લગાડવી જોઇએ તેના વિશે જાણવું જરૂરી બની જાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘડિયાળને ખોટી દિશામાં લગાડવાથી આર્થિક સંકટ આવવાના શરૂ થઇ જાય છે. તો ચાલો જાણીએ કે ઘડિયાળ માટે વાસ્તુ શાસ્ત્રમાં કયા નિયમો જણાવ્યા છે. અને શા માટે તેનું પાલન કરવું બની જાય છે જરૂરી ?

ઘડિયાળની દિશા

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશામાં ઘડિયાળ લગાવવી યોગ્ય માનવામાં આવે છે. પરંતુ, દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવવી યોગ્ય માનવામાં નથી આવતી. આ દિશામાં ઘડિયાળ લગાવવાથી આપને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે ! સાથે જ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પશ્ચિમ દિશામાં ત્યારે જ ઘડિયાળ લગાવવી જોઈએ કે જ્યારે અન્ય કોઈ વિકલ્પ ન હોય. એટલે કે, પૂર્વ કે ઉત્તર દિશામાં જગ્યા ન હોય.

ક્યાં ન લગાડવી જોઇએ ઘડિયાળ ?

ઘરના દ્વાર પર કે ઘરમાં પ્રવેશ કરી રહ્યા હોવ તે સ્થાન પર ઘડિયાળ ન લગાવવી જોઇએ. ઘરના પ્રવેશદ્વારની ઉપર કે ઘરના કોઇપણ દરવાજાની ઉપર ઘડિયાળ ક્યારેય ન લગાવવી જોઇએ. પલંગ પાસે કે પલંગ સાથે જોડાયેલી દિવાલ ઉપર પણ ક્યારેય ઘડિયાળ ન લગાવવી જોઇએ !

બંધ ઘડિયાળ ન રાખો !

સતત ચાલતી ઘડિયાળને જીવનની આગળ વધતી ગતિ સાથે, પ્રગતિ સાથે જોડવામાં આવે છે. એટલે બંધ ઘડિયાળ બિલ્કુલ પણ દિવાલ પર લગાવેલી ન હોવી જોઈએ. માન્યતા અનુસાર બંધ ઘડિયાળના કારણે જીવનમાં અવરોધ ઉભા થાય છે. વાસ્તુ અનુસાર જોઈએ તો ઘરમાં તૂટેલી, ખરાબ કે બંધ ઘડિયાળ ક્યારેય ન રાખવી જોઇએ. ખાસ કરીને કાચ તૂટી ગયો હોય તેવી ઘડિયાળ ઘરમાંથી કાઢી દેવી જોઇએ. એક વાતનો ખાસ ખ્યાલ રાખવો કે સમયાંતરે ઘડિયાળને સ્વચ્છ કરતા રહેવું જોઇએ.

ઘડિયાળનો આકાર કેવો હોવા જોઇએ ?

વાસ્તુ અનુસાર જે ઘડિયાળનો આકાર ગોળ હોય છે તે ઘર માટે ખૂબ જ શુભદાયી સાબિત થાય છે. એટલે, અલગ અલગ આકારની ઘડિયાળો ખરીદવાના બદલે ગોળાકાર ઘડિયાળ જ ઘરની દિવાલ પર લગાવવાનો આગ્રહ રાખવો જોઈએ.

ઘડિયાળના રંગનું પણ મહત્વ !

ઘરની આર્થિક સ્થિતિને સારી રાખવા અને જીવનમાં ખુશહાલી લાવવા માટે ઘડિયાળનો રંગ વાસ્તુ અનુસાર રાખવો જોઇએ. જેમ કે સફેદ રંગ, આછો સિલેટીયા કે ગ્રે રંગ, આસમાની રંગ, આછો લીલો રંગ અથવા તો ક્રીમ રંગ રાખવો જોઈએ. દિવાલ પર લગાવવા માટે મેટાલિક રંગની ઘડિયાળ પણ શુભ મનાય છે. જો ઘરની પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવી રહ્યા હોવ તો ઘાટો લીલો રંગ કે લાકડા જેવો રંગ પસંદ કરવો જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles