દરેક વ્યક્તિની એક જ મનશા હોય છે કે તેનું ઘર ધન-ધાન્યથી ભરપૂર રહે અને પરિવારજનોમાં સુખ-સમૃદ્ધિ અકબંધ રહે. આ માટે લોકો વિવિધ ઉપાયો અજમાવતા રહેતા હોય છે અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરતા રહેતા હોય છે. ત્યારે અમારે આજે કેટલાંક એવાં જ ઉપાયોની વાત કરવી છે કે જે આપના ઘરમાં ધન-ધાન્યની સમૃદ્ધિ વધારશે અને સાથે જ પ્રગતિના દ્વાર પણ ખોલશે.
લૌકિક માન્યતા પર આધારિત આ એ ઉપાયો છે કે જે સુખ-સમૃદ્ધિની સાથે આપના પરિવારમાં ખુશહાલીનું પણ કારણ બનશે. આવો, આજે આ ઉપાયો વિશે જાણીએ.
શુક્રવારનું વ્રત અને લક્ષ્મીપૂજા
માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. એટલે ઘરમાં ધન-ધાન્યના ભંડાર ભરેલા રહે તે માટે ભક્તોએ નિત્ય મા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. કારણ કે તેમની આરાધનાથી આર્થિક મુસીબતો પણ આપણાંથી દૂર રહે છે ! નિત્ય ન થઈ શકે તો પણ શુક્રવારના રોજ માતા લક્ષ્મીનું વ્રત જરૂરથી કરી શકાય. ઘણાં શ્રદ્ધાળુઓ શુક્રવારે માતા લક્ષ્મીનું વ્રત કરી તેમની કૃપાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ, આ વ્રતમાં માતાજીની પૂજા અને આરતી બાદ પ્રસાદ આસપાસ જરૂરથી વહેંચવો જોઈએ. તેનાથી પુણ્યફળમાં વૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
જાયફળનો પ્રયોગ
ઘણાં ઓછાં લોકો એ વિશે જાણતા હશે કે પૂજા-પાઠમાં જાયફળનો ઉપયોગ કરવો અત્યંત ફળદાયી મનાય છે. ખાસ કરીને દેવી લક્ષ્મીની પૂજામાં જાયફળનું આગવું મહત્વ છે. મા લક્ષ્મીની આરાધનામાં અક્ષત, પુષ્પ અને કુમકુમ સાથે પૂજામાં જાયફળનો સમાવેશ કરવામાં આવે છે. પૂજા પૂર્ણ થયા બાદ તે જાયફળને મંદિરમાં લક્ષ્મીજીની સન્મુખ જ રાખવામાં આવે છે. માન્યતા અનુસાર આ નાનકડું જાયફળ ભક્તોના ઘરને ધન-ધાન્યથી પરિપૂર્ણ રાખે છે. એટલું જ નહીં, સતત ફેલાતી તેની સુગંધની જેમ તે તમારી પ્રગતિને પણ વિસ્તારે છે !
તુલસીપૂજા
હિંદુ ધર્મમાં તુલસીની પૂજા કરવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર તુલસીજીને માતા કહેવામાં આવે છે. તે લક્ષ્મી સ્વરૂપા જ મનાય છે. તુલસીજી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. એ જ કારણ છે કે આપણે ત્યાં તુલસીને જળ અર્પણ કરવાનું અને તેમની પૂજા કરવાનું અનેરું માહાત્મય રહેલું છે. કહે છે કે, તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય તો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ખૂબ સરળ બની જાય છે !
સાચા મનથી પૂજા કરવી
માન્યતા એવી છે કે જે વ્યક્તિ સાચા મનથી ભગવાનની પૂજા કરે છે અને પોતાના આરાધ્ય દેવનું ધ્યાન કરે છે તે સમસ્ત સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી દે છે. એટલે તમે જેની પણ આરાધના કરો, પણ, સાચી શ્રદ્ધાથી કરો તે ખૂબ જરૂરી છે. આ પૂજાથી માત્ર આર્થિક દૃષ્ટિએ જ નહીં, પરંતુ ખુશી, ઉલ્લાસ અને માનસિક શાંતિની દૃષ્ટિએ પણ તમને લાભ વર્તાશે. અને તમારા જીવનમાં ખુશહાલીનું આગમન થશે.
બજરંગબલીની પૂજા
બજરંગબલીને કળિયુગના દેવતા માનવામાં આવે છે. એ જ કારણ છે કે પવનસુતની પૂજા ભક્તોની મનોકામનાને પૂર્ણ કરનારી મનાય છે. એટલે કે, તે આપના આર્થિક સંકટોનું પણ નિવારણ કરી દે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)